જામનગર : હાલ જામનગર શહેરની હાલત નગરમાં ખાડા કે ખાડામાં નગર ? એ નક્કી ન થઇ શકે તેવી થઇ ગઈ છે. કારણ કે ભારે વરસાદે શહેરના તમામ રસ્તાઓ ધોઈ નાખ્યા છે. રસ્તાઓના કામમાં થયેલ ગોલમાલનો તંત્ર સુધી અવાજ પહોચાડવા આજે વિરોધ પક્ષ દ્વારા મેયરના વોર્ડમાં રસ્તાઓ વચ્ચેના ખાડાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
જામનગરમાં ભારે વરસાદને કારણે શહેરના આંતરિક રસ્તાઓ બિસ્માર બન્યા છે. ભારે વરસાદે તંત્રનો ભ્રસ્ટાચાર ઉજાગર કર્યો છે. એવા આક્ષેપ સાથે આજે નાગરિકોની હાડમારીને લઈને કોંગ્રેસ મેદાને આવ્યો છે. આજે શહેર કોંગ્રેસ દ્વારા મેયરના વોર્ડમાં આશ્ચર્ય જનક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ખુદ મેયરના વોર્ડના રસ્તાઓની પાયમાલીને લઈને આજે કોંગ્રેસ દ્વારા રોડ વચ્ચેના ખાડાઓમાં વૃક્ષારોપણ કર્યું હતું.
મેયરના વોર્ડમાં આવી પરિસ્થિતિ હોય તો શહેરના અન્ય રોડની શું હાલત હોય ? એવો પ્રશ્ન કરી વિરોધ પક્ષે દર વર્ષે ખુલતા ટેન્ડર અને ભ્રષ્ટાચાર સામે આંગળી ચીંધી છે. વિપક્ષી નેતા અલ્તાફ ખફીએ આક્ષેપ લગાવ્યો છે કે દર વર્ષે ચારેય જોનમાં રૂપિયા ૫૦-૫૦ લાખના રસ્તા રીપેરના કામોના ટેન્ડર ખુલે છે. પણ કામમાં લોટ પાણીને લાકડા જેવું કરવામાં આવે છે. સાથે સાથે તેઓએ જામનગરના બધાય રોડ રીપેર કરવાની માંગણી કરી હતી અન્યથા વિરોધ પક્ષ કમિશ્નર અને મેયરના ઘર સામે જ આશ્ચર્ય જનક કાર્યક્રમ કરશે એવી ચીમકી પણ ઉચ્ચારી છે.