જામનગર : પાણીની સુવિધા પહેલા નાગરિકોએ પણ પાણીદાર બનવું પડે, કેમ ?

0
210

જામનગર : જામનગર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલ ભૂતિયા નળ જોડાણને કાયદેસર કરવાની કાર્યવાહી  દરમીયાન છેલ્લા છ માસમાં અધધ કહી શકાય તેવા ૧૮ હજાર ઉપરાંતના જોડાણો કાયદેસર કરી વોટર વર્કસ શાખાએ તિજોરી છલકાવી છે. છતા પણ હજુ અઢી હજાર ઉપરાંત નળ જોડાણો ગેર કાયદેસર છે. આ આસામીઓને સપ્તાહની  તાકીદ કરવામાં આવી છે.

જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા ગત સપ્ટેમ્બર માસથી ભૂતિયા નળજોડાણના સર્વે કરવામાં આવ્યો હતો. 67000 મિલકતના સર્વેમાં 21490 નળજોડાણ ગેરકાયદે હોવાનું પુરવાર થયું હતું. જે આસામીઓને નોટીસ ફટકારવામાં આવી હતી. જેને લઈને 18800 આસામીએ નળજોડાણ નિયમિત કરાવી લેતા તંત્રને રૂ.3.75 કરોડની આવક થઇ છે. આ આવક પૈકી રૂ.99 લાખની રોકડમાં આવક થઇ છે જયારે અન્ય પોણા ત્રણ કરોડની રકમ જે તે આસામીના વેરા બીલમાં ઉમેરી દેવામાં આવી છે.

પરંતુ એવા પણ કેટલાય આસામીઓ છે જેને તંત્રને જવાબ આપ્યો નથી. જેમાં 2690 આસામીનો સમાવેશ થાય છે. આ આસામીઓએ હજુ સુધી નળજોડાણ નિયમિત કરાવ્યા નથી.જેને લઈને તંત્રએ આ આસામીઓને 7 દિવસનું આખરી અલ્ટીમેટમ આપ્યું છે. જો આ સયમમર્યાદામાં આસામીઓએ નળજોડાણ નિયમિત નહીં કરાવે તો નળ કનેકશન કાપી નાખવામાં આવશે એમ પણ તેમ વોટર વર્કસ શાખાના કાર્યપાલક ઇજનેર બોખાણીએ જણાવ્યું છે.

કેવી રીતે થાય છે અધિકૃત નળ જોડાણ ?

જે લોકોએ મંજુરી વગર જ નળ જોડાણ મેળવી લીધા છે તેના માટે મનપાએ સ્કીમ પણ મૂકી છે. જે મુજબ કારપેટ એરિયા રૂ.500 પેનલ્ટી, રૂ.1150 એક વર્ષનો પાણી ચાર્જ મળી કુલ રૂ.1650, સ્લમ વિસ્તારમાં રૂ.500 પેનલ્ટી, 1 વર્ષનો પાણી ચાર્જ રૂ.575 મળી કુલ રૂ.1075 ભરવાના રહેશે. આમ કોઈ પણ આસામી આ પ્રક્રિયા મુજબ નળજોડાણ કાયદેસર કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here