જામનગર: નિશા ફાયરીંગ પ્રકરણ ગુંજતા જયેશ પટેલનું ખૌફનાક નેટવર્ક તાજું થયું

0
8459

કુખ્યાત જયેશ પટેલ સામે ગંભીર આક્ષેપ કરનાર જામનગરની નિશા ગોંડલીયાની કાર પર ખંભાલીયા પાસે કાર પર થયેલ ફાયરીંગ પ્રકરણ ઉધું સાબિત થયું, જેને લઈને જયેશ પટેલનું ભૂત ફરી ધુણ્યું છે. કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલ હાલ બ્રિટન-લંડનમાં જેલવાસ ભોગવી રહ્યો છે. ગુજરાત પોલીસે પ્રત્યાર્પણ માટે તમામ વિધિ પૂર્ણ કરી દીધી છે. પરંતુ જયેશ પટેલના ભારત આવવા પાછળ હજુ કોઈ આસાર દેખાતા નથી. જાણકારોનું માનવામાં આવે તો જો જયેશ પટેલ બ્રિટનના ગોલ્ડન વિઝા મેળવવામાં સફળ રહ્યો તો તેને ભારતમાં પરત લઇ આવવો ખુબ જ મુસ્કેલ કામ છે. કેમ કે જો ગોલ્ડન વિઝા મળી જાય તો જયેશ બ્રિટનનો કાયમી નાગરિક બની શકે, પરંતુ તેની પ્રક્રિયા પૂર્ણ કરવા અનેક કસોટીમાંથી પસાર થવું પડી શકે છે.

પ્રથમ મારામારી, ધાકધમકી, લુંટ, હત્યા પ્રયાસ ત્યારબાદ હત્યા, જમીન કૌભાંડ, આ ગુનાખોરીમાંથી માલેતુજાર બની ગયા બાદ ગેંગ ઉભી કરી ગેંગસ્ટર તરીકે પ્રસ્થાપિત થઈ જામનગરનો જયેશ પટેલ હાલ જામનગર જ નહિ પણ રાજ્યના પોલીસ ડીપાર્ટમેન્ટ અને ભારત સરકાર માટે પણ પેચીદો બની ગયો છે. વર્ષ ૨૦૧૮માં જામનગરના વકીલ કિરીટ જોશીની હત્યા કર્યા બાદ વિદેશ નાશી ગયેલ જયેશ પટેલ હજુ પોલીસના હાથમાં આવ્યો નથી. આ હત્યા બાદ જયેશ પટેલે જામનગરમાં એક ખોફ ઉભો કર્યો, ગુંદાગીર્દીની એક અલગ અને એક વ્હાઈટ કોલર ગેંગ બનાવી શરુ કર્યો ખંડણીનો ધીકતો અને મબલખ રૂપિયા લણી આપતો ખૌફ્નાખ ધંધો, આ ધંધામાં જયેશ એન્ડ કંપનીએ અનેક માલેતુજારોને ધાક ધમકીઓ આપી સુરક્ષા પેટે કરોડો રૂપિયાની વસુલી કરી લીધી હોવાનો પર્દાફાસ થયો છે.

પોલીસે બે વર્ષ પૂર્વે ઓપરેશન જયેશ પટેલ પાર પાડી જયેશની ક્રિમીનલ અને વ્હાઈટ કોલર ગેંગને દબોચી લીધી, ત્યારથી જામનગરમાં જયેશ પટેલનું નેટવર્ક લગભગ ખતમ થઇ ચુક્યું છે. પણ જયેશ પટેલ હજુ સુધી જામનગર પોલીસ પહોચથી બહાર છે સુરક્ષિત છે.  યુકેમાં લંડન પોલીસના હાથે પકડાયા બાદ જયેશ ત્યાં જેલમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સમયાંતરે તેની પર કોર્ટ કાર્યવાહી ચાલતી હોવાના સમાચાર મળી રહ્યા છે. પરંતુ જયેશ પટેલને ભારત ક્યારે લઇ આવવામાં આવશે ? એ સવાલનો જવાબ હજુ ગુજરાત પોલીસ કે ભારત સરકાર પાસે પણ નથી.

ગુનેગારોની આપલે સબંધિત ભારત અને યુકે વચ્ચે ૧૯૯૨માં એક પ્રત્યાર્પણ સંધી (એક્સ્ટ્રાડીશન ટ્રીટી) થઇ હતી. આ ત્રીસ વર્ષના ગાળામાં ભારતમાંથી આર્થિક કૌભાંડ સહિતના ગુનાઓ આચરી લગભગ સાડા પાંચ હજાર ગુનેગારોએ બ્રિટનની વાટ પકડી છે. પરંતુ આ સાડા પાંચ હજાર ગુનેગારોમાંથી માત્ર એક જ ગુનેગાર સમીર વિનુભાઈ પટેલ ને જ સરકાર ભારત લઇ આવવામાં સફળ થઇ છે. અન્ય ગુનેગારો બ્રિટનમાં જ છે.  બ્રિટનમાં હ્યુમન રાઈટના મજબુત કાયદાઓના સહારે ભારતીય ગુનેગારો આસાનીથી ત્યાં નિવાસ કરી રહ્યા છે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ બ્રિટનમાં બે મીલીયન પાઉન્ડનું રોકાણ કરે તો તેના માટે યુકે લાલ જાજમ બિછાવે છે અને તેને યુકેના ગોલ્ડન વિઝા મળી જાય છે પછી જે તે આરોપીને ભારત લઇ આવવામાં સફળતા મળતી નથી. વિજય માલીયા, લલિત મોદી, નીરવ મોદી સહિતના ભારતીય ચીટર નાગરિકોએ ભારતમાં અબજો રૂપિયાનું બુચ મારી બ્રિટનની વાટ પકડી છે. ક્યારેય એ વિચાર્યું કે આ લોકો અન્ય કોઈ દેશ નહિ, માત્ર બ્રિટન કેમ પસંદ કર્યો? કારણ છે સુરક્ષા, આ સખ્સોએ બ્રિટનમાં ગયા ત્યારે ઢગલો રૂપિયા લઇ ગયા છે તેથી ત્યાં સુરક્ષિત છે. રૂપિયાના રોકાણ દ્વારા દેશ સમૃદ્ધ  બની રહ્યો છે એવી થીયરીને લઈને કહી સકાય કે ભારતીય ગુનેગારો ખાસ કરીને આર્થિક કૌભાંડી સખ્સો માટે બ્રિટન સુરક્ષિત દેશ માનવામાં આવી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here