જામનગરની ભાગોળે આવેલ કનસુમરાના પાટીયા સામેના મયુર એવન્યુ સોસાયટીમાં ખાબકેલા તસ્કરો એક સાથે ત્રણ મકાનને નિશાન બનાવી ચોરી કરી ગયા હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ત્રણેય મકાનમાંથી ચોર સોના ચાંદીના દાગીના સહિતનો રૂપિયા 2.44 લાખનો મુદ્દામાલ ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાવવામાં આવી છે.
શહેરની ભાગોળે કનસુમરા પાટીયા સામે આવેલ મયુર એવન્યુ સોસાયટીમાં કન્યા છાત્રાલયની બાજુમાં રહેતા પિયુષભાઈ ગોવિંદભાઈ મઘુડીયાના બંધ મકાનને ગત તારીખ 12 મીની રાત્રે કોઈ તસ્કરોએ નિશાન બનાવ્યુ હતું. પિયુષભાઈના મકાનના દરવાજાનો તોડીને અંદર પ્રવેશ કરો રૂપિયા 2,13,300ની કિંમતના સોના ચાંદીના દાગીના તેમજ રૂપિયા 10,000ની રોકડ ચોરી કરી ગયા હતા. આ ઉપરાંત તેની બાજુમાં રહેતા જેન્તીભાઈ રવજીભાઈ સોનગરાના મકાનમાંથી ₹3,000 ની કિંમતના બે જોડી ચાંદીના સાકળા અને નરેશભાઈ એભાભાઈ હડિયલના મકાનમાંથી રૂપિયા 6,000 ની કિંમતના બે જોડી ચાંદીના સાકળા તેમજ ₹12,000 ને રોકડ અને એક એકટીવાની ચાવી ચોરી કરી ગયા હતા. આમ ત્રણે મકાનમાંથી સોના ચાંદીના દાગીના સહિતનો ₹2,44,300 નો મુદ્દા માલ તેમજ બે મોટરસાયકલ અને ફોરવીલ ગાડી ની ચાવી સહિતની વસ્તુઓની ચોરી થવા પામી હતી.
મકાન માલિક પિયુષભાઈ પોતાના મકાનને તાળા મારી તારીખ 12 મહિના રોજ પોતાના વતન ભાણવડ ગયા હતા અને ત્યાંથી તેઓ સોમનાથ ખાતે સોમનાથ દાદાના દર્શને ગયા હતા. મકાન માલિક ની ગેરહાજરી વચ્ચે તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું હતું.