કોવિડ વેક્સીનની બધી ભ્રામકતા દુર કરી ૯૮ વર્ષના દાદા બન્યા રોલ મોડેલ, દાદાનું કહેવું છે આવું, જાણો

0
313

જામનગર અપડેટ્સ :  આપણી આસપાસ ક્યારેક એવા લોકો સાવ અનાયાસે જ જોવા મળી જતા હોય છે કે જે દરેક વયના લોકો માટે રોલમોડેલ હોય છે. આવા લોકો માટે ઉંમર માત્ર એક સંખ્યા હોય છે અને તેમનું જીવન દીવાદાંડી સમાન હોય છે. કોવિડ મહામારીના સામના માટે રસીકરણની ઝુંબેશના ભાગરૂપે વર્લ્ડ હૅલ્થ ઓર્ગેનાઇઝેશન (W.H.O.)ના અધિકારીઓ જામનગર જિલ્લાના વાલાસણ ગામે જ્યારે ગયા ત્યારે તેમને આવી જ એક વ્યક્તિનો ભેટો થઇ ગયો!  

WHOને અનાયાસે જ મળેલાં આ વ્યક્તિ એટલે ગામનો મોભ ગણાતા ૯૮ વર્ષના યુવાન બોધાભાઈ કારેણા… ગામ આખા માટે તેઓ આદરણીય બોઘાકાકા… આ ઉંમરે તેમણે ખટકો રાખીને કોવિડ રસીના બંને ડોઝ લઇ લીધા અને આજેપણ પોતાના જીવનોપયોગી કામો માટે સાયકલનો ઉપયોગ કરી પોતાનાં સુદ્રઢ સ્વાસ્થયનો લોકોને પરચો આપી રહ્યા છે.

સમગ્ર વાત એવી છે કે કોવિડ રસીકરણ કાર્યક્રમની લોકોમાં સ્વીકૃતિ અને આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણમાં છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં થયેલ કામગીરી ચકાસવા વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના જામનગર જિલ્લાના પ્રતિનિધિ ડો.વિનય કુમાર તથા જામનગર જિલ્લા પંચાયતના પેરામેડીકલ સુપરવાઈઝર ડો.વિજય જોષી દ્વારા જામજોધપુર તાલુકાના વાલાસણ ગામની મુલાકાત લેવામાં આવી હતી.

ગ્રામ્ય વિસ્તારમાં કોવીડ રસિકરણ કામગીરી અંગેની ચકાસણી દરમિયાન અધિકારીશ્રીઓની મુલાકાત ૯૮ વર્ષના વૃદ્ધ બોઘાભાઈ કારેણા સાથે થઇ. બોઘાભાઇ આ ઉમરે પણ સાયકલનો ઉપયોગ કરતા હતા એ જોઇ આરોગ્ય વિભાગની ટીમ દંગ રહી ગઈ હતી અને તેઓએ બોઘાબાઇ પાસેથી વધુ જાણકારી મેળવવા વાર્તાલાપ શરૂ કર્યો. બોઘાભાઇને કોવિડ રસી અંગેની પુછપરછ કરતા તેઓએ ખુબ જ ગર્વથી કહ્યું કે “હા સાહેબ મેં રસીના બંને ડોઝ લીધા છે અને મને બવ સારૂં છે કોઈ જાતની તકલીફ થઈ નથી” અને વાત કરતાં કરતાં ખુબ જ હોંશથી હાથના બાવડામાં જે જગ્યાએ રસી લીધી હતી તે બતાવી હતી.

સાથે સાથે બોઘાભાઇ ગામના આશાવર્કર બહેનની પ્રશંસા કરવાનું પણ ચૂક્યા નહોતા. તેમણે કહ્યું કે આ બેન તો મારી દીકરી જેવી છે. એ જ તો મને રસી અપાવવા રસીકરણ કેંદ્ર સુધી લઈ ગઈ હતી.

વાત વાતમાં બોઘાબાપાએ એમના જમાનાના દિવસો વાગોળતા જણાવ્યું હતું કે જુના સમયમાં શીતળાની રસી આવી ત્યારે પણ લોકોમાં હાલ ચાલી રહી છે એવી જ ભાત ભાતની વાતો ચાલતી હતી પણ મેં ત્યારે પણ કોઇ અફવા ગણકાર્યા વગર શીતળાની રસી લીધી હતી અને હેમખેમ રહ્યો હતો. એવી જ રીતે આ વખતે પણ મેં કોઇ જ ઉડતી વાત ગણકાર્યા વગર કોરોના રસીના બન્ને ડોઝ લીધા છે.

WHO ના નિરીક્ષણ દરમિયાન જણાયુ હતુ કે વાલાસણ ગામના અન્ય લોકોએ પણ જૈફ વયના બોઘાકાકાને પ્રેરણા સ્ત્રોત ગણી કોવિડ રસીકરણનો લાભ લીધો હતો. WHO ની ટીમ દ્વારા આ તબક્કે આરોગ્ય વિભાગ દ્વારા આશા, આશા ફેસિલિટેટર તથા એ.એન.એમ મારફત કોવિડ રસીકરણ અંગે લેવામા આવેલ લોકજાગૃતીના પગલાંઓને બિરદાવવામાં આવ્યા હતા અને બોઘાભાઇ સહિત રસીકરણ અભિયાનમા જોડાયેલ તમામ કર્મીઓને અભિનંદન પાઠવ્યા હતા.

સંકલન- વિરેન્દ્રસિંહ પરમાર, માહિતી મદદનીશ, માહિતી બ્યુરો,જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here