જામનગર: મતદાર નોંધણીમાં શ્રેષ્ઠ કર્મચારીઓનું સન્માન, દિવ્યાંગ મતદારોનું સન્માનિત

0
688

ચૂંટણી પંચની સ્થાપના ૨૫ મી જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ થયેલ હોઈ દર વર્ષે આ દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને ૧૪ મા જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં જામનગર જિલ્લામાં મતદાર નોંધણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓ, કર્મચારીઓ તથા વરિષ્ઠ તેમજ દિવ્યાંગ મતદારોનું મહાનુભવોના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતુ અને નવા નોંધાયેલા મતદારોને મતદાન કાર્ડ આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીએ રાષ્ટ્રીય મતદાતા દિવસની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતુ કે, મતદાન એ આપણા સૌની નૈતિક ફરજ છે. 18 વર્ષ પૂર્ણ કરેલા દરેક મતદાર અવશ્ય મતદાન કરી દેશના વિકાસ અને મજબૂત લોકશાહી માટે પોતાનો ફાળો આપે તે જરૂરી છે.નાગરિકો સમજી વિચારી મતદાન કરે અને લોકશાહીને મજબૂત બનાવે તે માટ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ આહવાન કર્યું હતું. તંત્ર દ્વારા પણ મતદાન જાગૃતિ અંગે અનેક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.વર્ષોથી મતદાન કરતા વરિષ્ઠ તથા દિવ્યાંગ મતદાતા આપણા સૌ માટે પ્રેરણારૂપ બન્યા છે.

લોકો મતદાન પ્રત્યે જાગૃત બને તે માટે ઉપસ્થિત બી.એલ.ઓ.ને આ તકે ઉચિત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને મતદાર નોંધણીમાં શ્રેષ્ઠ  કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. સ્વાગત પ્રવચન દરમિયાન કાર્યક્રમની રૂપરેખા અને ઉદ્દેશ્ય રજૂ કરતા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઝેડ.વી.પટેલે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ થકી વધુમાં વધુ યુવા મતદારો મતદાન કરે અને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બને તે ઈચ્છનીય છે.મતદારો પોતાનો સાચો મત વ્યક્ત કરી મતદાન માટે આગળ આવે અને આપણી લોકશાહી વવ્યસ્થાને વધુ મજબૂત બનાવે.

આ પ્રસંગે જામનગર જિલ્લામાં શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારી તરીકે કામગીરી કરનાર શ્રી પી.બી. પરમાર ૭૮-જામનગર (ઉત્તર) વિ.સ.મ.વિ.અને પ્રાંત અધિકારી, જામનગર (શહેર) તથા શ્રેષ્ઠ મદદનીશ મતદાર નોંધણી અધિકારી તરીકે કામગીરી કરનાર મયુર દવે તથા વિધાનસભા મત વિસ્તાર વાઈઝ શ્રેષ્ઠ કામગીરી બદલ બુથ લેવલ ઓફિસર, બી.એલ.ઓ. સુપરવાઈઝર, કેમ્પસ એમ્બેસેડર્સ વગેરેને જિલ્લા વિકાસ અધિકારી સહિતના મહાનુભવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.

વધુમાં આ કાર્યક્રમમાં વરિષ્ઠ મતદારો તથા દિવ્યાંગ મતદારોનું મહાનુભાવોના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેને “હું ભારત છું” વિષયક શોર્ટ ફિલ્મનુ નિદર્શન કરાવાયુ હતુ તથા લોકશાહી તંત્રમાં શ્રધ્ધા રાખી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ ચૂંટણીઓમાં મતદાન કરવા અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.  મતદાન કકરવું એ આપણી પ્રથમ ફરજ છે એમ નાગરીકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મતદાન કરી દેશના નિર્માણમાં નાગરીકો ફાળો આપી શકે છે.

આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, અધિક નિવસી કલેક્ટર બી.એન.ખેર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઝેડ.વી.પટેલ, જિલ્લા પુરવઠા અધિકારી અવનીબેન હરણ, ચૂંટણી મામલતદાર વસોયા સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ અને મતદાતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

મતદાન જાગૃતિનો સંદેશો આપતી સુંદર રંગોળીનું જિલ્લા કલેકટર કચેરી ખાતે નિર્માણ કરાયુ

જામનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે 14 માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના નાગરિકો મતદાન કરે અને લોકશાહીને મજબૂત બનાવે તેવા ઉમદા હેતુથી મતદાન જાગૃતિ અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે જિલ્લા કલેકટર કચેરીના પટાંગણમાં નાગરિકોને સંદેશો આપતી સુંદર રંગોળીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ રંગોળીના નિર્માણ માટે જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન તળે જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરીના કર્મયોગીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here