જામનગર : ભાભી-ભોજાઇ વચ્ચેની બોલાચાલી મારામારી પર ઉતરી આવી

0
528

જામનગર : જામનગરમાં નદીપા વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં રહેતી વિધવા ભોજાઈને તેની સગી નણંદએ સતત બે દિવસ ધાકધમકી આપી ગુપ્ત ભાગે માર માર્યો હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. આરોપી મહિલાએ સમાધાન માટે આવેલ માતા પિતા સામે પણ વાણીવિલાસ આચરી ધમકી આપી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ  છે.

જામનગરમાં નાગનાથ ગેઇટ વિસ્તારમાં નદીપામાં આવેલ સંજરી એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં રહેતા અફસાનાબેન ઈમ્તિયાઝ રફાઈ નામની મહિલાએ એપાર્ટમેન્ટના અન્ય ફ્લેટમાં રહેતી પોતાની સગી નણંદ બેનજીર ઓસમાણ રફાઈ સામે સીટી એ ડીવીજન પોલીસમાં આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬-૨ મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગત તા. ૧૦/૧/૨૦૨૧ના રોજ મોડી રાત્રે તેની નણંદએ  દરવાજો ખખડાવી જગાડી બીભત્સ વાણીવિલાસ આચર્યો હતો. ‘હું અહી વર્ષોથી રહું છું અને આજકાલની આવેલ તું મને શીખવીશ કે મારે કેમ રહેવું ? એમ કહી મોટે મોટેથી બોલી તારા ઘરે બહારના માણસો આવે છે તે મને નથી પોસાતું એમ કહીને તેણીને ઢીકા પાટુંનો માર માર્યો હતો. જેને લઈને તેણીને પોતાના સુભાસમાર્કેટ પાસે રહેતા સસરાને ફોન કરી જાણ કરી હતી જેથી તેણીના સસરા ઓસામાણભાઈ અને સાસુ નસીમબેન ત્યાં આવી આરોપી પુત્રી બેનજીરને સમજાવી હતી. પરંતુ સમજવાને બદલે તેણીએ માતા પિતાને પણ ધમકાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ બીજા દિવસે પણ આરોપી નણંદએ આવી વાણી વિલાસ આચરી ધમકી આપી હતી. આ બનાવ અંગે સીટી એ ડીવીજન પોલીસે તપાસ હાથ ધરી છે. ચાર પુત્રીઓની માતા મહિલા અફસાનાબેન પતિના સાત વર્ષ પૂર્વે થયેલ નિધન બાદ તેના સસરાના સુભાસ માર્કેટ પાસે આવેલ ઘરે રહેતી હતી. પરંતું દસ દિવસ પૂર્વે તેના સસરાના નદીપામાં આવેલ ફ્લેટમાં રહેવા ગઈ હતી. આ એપાર્ટમેન્ટમાં પ્રથમથી તેના પતિ સાથે વાંધો પડી જતા આરોપી નણંદ ચારેક વર્ષથી રહેતી હોવાની વિગતો જાણવા મળી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here