જામનગર: બસ સ્ટેશનના ખૂણામાં એક લાચાર મહિલા ડૂસકે ડૂસકે રડતી હતી

0
1031

સાહેબ, જામનગર બસ સ્ટેશનના ખૂણામાં બેસેલ એક મહિલા રડે છે. એમને મદદની જરૂર છે. તાજેતરમાં જામનગર અભયમ ૧૮૧ની ટીમને એક અજાણી વ્યક્તિ ફોન કોલ કરી જાણ કરે છે. જેને લઈને ટીમના સભ્યો તાત્કાલિક બસ સ્ટેશન પહોચે છે. બહેરી-મૂંગી અવાચક મહિલાને સાંત્વના આપી મદદગાર ટીમે તેના પરિવાર સાથે મિલાપ કરાવી પુરતી મદદ કરી હતી. પરંતુ એ મહિલા એકલી બસ સ્ટેશન કેમ આવી ? એવું તે શું દુખ આવી ગયું જીવનમાં? તમામ વિગતો જાણીએ

જામનગર અભયમ ૧૮૧ ટીમના સભ્યો એક રાત્રે પોતાની ઓફીસ પર પોતાના નિયમિત કામમાં વ્યસ્ત હતા ત્યાં ફોનની ઘંટડી રણકી ઉઠી, સામા છેડેથી કોઈ પુરુષ વાત કરી રહ્યા હતા. તેઓના જણાવ્યા અનુસાર જામનગરના બસ સ્ટેશનમાં એક મહિલા ડુસકા ભરી રડી રહી હોવાનું અને તેણીને મદદની જરૂર હોય એમ લાગતું હોવાનું જણાવ્યું હતું. લાચાર અબળા અંગેની માહિતી મળતા જ ૧૮૧ની ટીમના કાઉન્સેલર બીનલબેન વણકર અને પોલીસ કોન્સ્ટેબલ તારાબેન ચૌહાણ સહિતની ટીમ ત્વરિત જામનગર બસ સ્ટેશન દોડી ગયા હતા. જ્યાં એક ખૂણામાં મહીલા રડતી મળી આવી હતી. પ્રથમ ટીમ દ્વારા મહિલા સાથે શાબ્દિક સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો પણ મહિલા સાંભળતી કે બોલી સકતી ન હતી. જેને લઈને ટીમે બોલવાના હાવભાવ દર્શાવી અશાબ્દિક વાર્તાલાપ કરવાનો પ્રયાસ કર્યો હતો. આશરે ૩૫ વર્ષની ઉમર ધરાવતી આ મહિલાએ પોતાના હાથના એક્સપ્રેશનથી પોતાની સમસ્યા ટીમ સાથે સેર કરી હતી.

એક દીકરી અને એક દીકરો એમ બે સંતાન ધરાવતી આ લાચાર મહિલા પાસેથી તેણીના સસરાના નંબર મળી આવ્યા હતા. જો કે તેણીને તેના સસરામાં જવાની ઈચ્છા ન હોય જેથી ૧૮૧ની ટીમે તેણીના સસરા સાથે વાતચીત કરી, તેણીના પિયરની ઓળખ અને નામ-સરનામું મેળવી લીધું હતું. ત્યારબાદ ૧૮૧ની ટીમે તેણીના પિયરમાં ફોન કરી જાણ કરી હતી. જાણ થતા જ તેણીના માતા અને ભાઈ-ભાભી જામનગર આવી પહોચ્યા હતા. ૧૮૧ની ટીમે તેણીના પિયરના સભ્યો સાથે વાતચીત કરી તેણીનો કબજો સોંપ્યો હતો. મહિલાનું પિયરથી મિલન થતા તેણીને હાશકારો થયો હતો.

પોતાના સાસરિયાઓએ તેની સામે મારકૂટ કરી તેણીને બસમાં બેસાડી પિયરના ગામ તરફ રવાના કરી દીધી હોવાનું સામે આવ્યું હતું. તેણીના હાથમાં લખેલ સરનામાં અને સસરાના ફોન નંબર ૧૮૧ ટીમને સફળ કાઉન્સેલિંગ માટે મદદરૂપ બન્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here