જામનગર: આજકાલનું યુવાધન યુવાનીના આકર્ષણમાં પાત્ર પસંદગી કરવામાં એવી થાપ ખાય છે કે પછી આખી જિંદગી પછતાવાનો વારો આવે છે. જામનગરમાં આવો કીસ્સ્સો સામે આવ્યો છે. કોલેજ કરતી યુવતીને ટ્રકનો વ્યવસાય કરતા યુવાન સાથે પ્રેમ થઇ ગયો, બંનેએ કરેલ લગ્ન ત્રણ વર્ષ સુધી પરિવારથી છુપાવ્યા, અંતે બંને પરિવારને જાણ થઇ, શિક્ષિત યુવતી તેના પતિના ઘરે રહેવા લાગી, પતિએ ટ્રક છોડી દારૂ વેચવા અને પીવાનું ચાલુ કર્યું, બસ ત્યારથી પ્રેમિકામાંથી પત્ની બનેલ શિક્ષિત યુવતીની જિંદગી ધૂળધાણી બનતી ગઈ, એક દિવસ એવો આવ્યો કે જેને પ્રેમ કર્યો, જેની સાથે લગ્ન કર્યા એ જ ભરથાર સામે પ્રેમિકા એવી પત્નીએ દુખી અને ભાંગેલ ર્હદયે ફરિયાદ દાખલ કરાવી
જામનગરમાં બે યુવા હૈયાઓની ખીલેલ લવ સ્ટોરી હાલ પોલીસ દફતર પહોચી છે. વાત જાણે એમ છે કે સાધના કોલીની વિસ્તારમાં રહેતા અને ટ્રકનો વ્યવસાય કરતા પંકજ લાખાભાઈ ડાંગર નામના યુવાનને ન્યં સાધના કોલોની વિસ્તારમાં રહેતી નિકિતા કુબાવત સામે પ્રેમ સબંધ બંધાયો હતો. સાત-આઠ વર્ષ પૂર્વે બંધાયેલ પ્રેમ સબંધ બાદ વર્ષ ૨૦૧૮માં બંને યુવા હૈયાઓએ પોતાના પ્રેમને સંસારનું રૂપ આપી પ્રેમ લગ્ન કરી લીધા હતા. લગ્ન કરી લીધા હોવા છતાં બંનેએ ત્રણ વર્ષ સુધી આ લગ્નની જાણ પરિવારને ન કરી, ત્યારબાદ પરિવારને જાણ કરી નિકિતા પોતાના પતી પંકજના ઘરે રહેવા ચાલી ગઈ,
ટીવાય બીકોમ સુધી ભણેલ નિકિતાના શરૂઆતના દોઢેક વર્ષ સારી રીતે પસાર થયા, ત્યારબાદ કઠણાઈ શરુ થઇ, પતિને ટ્રક વેચી દારુ પીવા અને વેચવાનું શરુ કર્યું, આ ધંધો શરુ કર્યો ત્યારથી પતીએ નિકિતાને શારીરિક માનસિક ત્રાસ આપવો શરુ કર્યો. રોજના ઝઘડાઓથી કંટાળી સાથે રહેતા નિકીતાના જેઠ અને જેઠાણી અન્ય જગ્યાએ રહેવા ચાલ્યા ગયા, ત્યારબાદ પતીનો ત્રાસ દિવસેને દિવસે વધતો ચાલ્યો, ઘરેથી બહાર જાય તો પતિને મોબાઈલમાં લોકેશન મોકલવ્યું ત્યા સુધીની શંકાઓ પતી દ્વારા થવા લાગી, દરમિયાન ગત નવેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં દારૂ પી ને ઘરે આવેલ પતિ પંકજે તેણીને સખ્ત માર માર્યો હતો. જેને લઈને નિકિતાએ હોસ્પીટલમાં સારવાર લઇ પતી સામે પોલીસમાં અરજી કરી હતી.
જો કે બાદમાં સમાધાન કરી લેવામાં આવ્યું હતું. પરંતુ નિકિતા તેના માવતરના ઘરે ચાલી ગઈ હતી. તાજેતરમાં નિકીતાના પિતાના અચાનક અવશાનને લઈને પતિ પકંજ ઘરે રોકાયો હતો ત્યાં પણ તેણી પર ત્રાસ ગુજાર્યો હતો. ત્યારબાદ નિકિતા એ વધુ એક વખત પોલીસમાં અરજી કરી હતી અને પોલીસની હાજરીમાં બંને એ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો હતો. બાદમાં પતી પંકજ ફરી ગયો હતો અને જો તું મને છૂટાછેડા આપે તો હું તને મારી નાખીસ અને હું પણ મરી જઈશ એવી ધમકી આપી હતી. જેને લઈને તેણીએ પતી સામે મહિલા પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી છે.