ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા અંતિમ તબક્કામાં હોય એવું જાણવા મળ્યું છે. કોંગ્રેસ તરફથી દરેક જિલ્લામાં જઈ ઉમેદવારી ને લઈને નામાંકનો માંગવામાં આવ્યા છે. જામનગર જિલ્લાની પાંચ બેઠકો માટે કુલ 26 દાવેદારો નોંધાયા છે. જેમાં જિલ્લા અને શહેર કોંગ્રેસ પ્રમુખ તેમ જ કોર્પોરેટર સહિતનાઓએ દાવેદારી નોંધાવી છે, તો બીજી તરફ કાલાવડ અને જામજોધપુરમાં કોંગ્રેસ દ્વારા રીપીટ થિયરી અપનાવવામાં આવતા આ બેઠકો પર તમામ દાવેદારી ફોક સાબિત થઈ છે. પરંતુ જામજોધપુર બેઠલ પર સીટીંગ ધારાસભ્ય ચિરાગ કાલરીયાના ભાજપમાં પ્રવેશ કરશે તો કોંગ્રેસ અન્ય ઉમેદવારને મેદાને ઉતરશે.

વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે. જામનગર જિલ્લાની પાંચ બેઠકો માટે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ ઉમેદવારો પસંદગી માટે કમર કશી છે. આમ આદમી પાર્ટી એ જામનગર 78 બેઠક પર પોતાના ઉમેદવાર જાહેર કરી પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન અને પૂર્વ ડેપ્યુટી મેયર એવા કરશનભાઈ કરમુર પર પસંદગી ઉતારી છે જ્યારે અન્ય બેઠકો પરનો ઉમેદવારો હજુ જાહેર કર્યા નથી ત્યારે કોંગ્રેસ દ્વારા આ પાંચ બેઠકો પર ચૂંટણી લડવા માગતા ઉમેદવારો પાસેથી નામાંકનો મંગાવ્યા છે. જેમાં જિલ્લાની પાંચ બેઠકો પર 26 નામાંકન પત્રો આવ્યા છે. જેમાં કાલાવડ બેઠક પર 6 જામનગર ગ્રામ્યમાં સાત જામનગર ઉત્તર બેઠક પર સાત અને જામનગર દક્ષિણ બેઠક પર પાંચ તેમજ જામજોધપુર બેઠક પર એક દાવેદારી પત્ર રજૂ થયું છે.

કાલાવડ વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો અહીં છ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે જેમાં દીપક પરમાર, અનિલ વાઘેલા, ખેંગાર ચાવડા, રમેશચંદ્ર વરન, બળવંતભાઈ વોરા અને રમેશ પરમારનો સમાવેશ થાય છે. પરંતુ અહીં કોંગ્રેસે રીપીટ થિયરી અપનાવી હોવાથી આ તમામ દાવેદારી પર પૂર્ણવિરામ મુકી ગયું છે અને અહીંના સીટિંગ ધારાસભ્ય પ્રવીણભાઈ મુસડીયા ચૂંટણી લડશે.
જ્યારે સૌથી વધુ દાવેદારી જામનગર ગ્રામ્ય બેઠક પર સામે આવી છે. જમા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈ કુંભરવાડીયા, કાસમ ખફી, અંકિત ઘડિયા, કાસમ જીવાભાઈ જોખયા, મહંમદીનભાઈ ઝંનાર, અરવિંદભાઈ રોરીયા અને હારુનભાઈ પલેજાનો સમાવેશ થાય છે.
જ્યારે જામનગર શહેર દક્ષિણની બેઠક પર કરણદેવસિંહ જાડેજા, બિપેન્દ્રસિંહ જાડેજા, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નૈનાબા જાડેજા, કોર્પોરેટર રચનાબેન નંદાણીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, કોર્પોરેટર કાસમ જીવાભાઈ જોખિયા, ઋષિરાજસિંહ જાડેજાનો સમાવેશ થાય છે.
જ્યારે જામનગર 79 ઉત્તર બેઠક પર કોર્પોરેટર ધવલ નંદા, મનોજ ચોવટીયા, મનોજ કથીરિયા, અશોક ત્રિવેદી અને પાર્થ પટેલની દાવેદારી સામે આવી છે.
જ્યારે જામજોધપુરની બેઠક પર એકમાત્ર દાવેદારી સામે આવી છે જેમાં જેસાભાઈ ભીમાભાઇ (જે બી)આંબલીયા એ પોતાનું નામકન પત્ર રજૂ કર્યું છે પરંતુ અહીં પણ રીપીટ થિયરી અપનાવી હોવાથી કોંગ્રેસે સ્થાનિક ધારાસભ્ય ચિરાગ કાલરીયાનું નામ ફાઇનલ કર્યું છે. જોકે ચિરાગ કાલરીયા ની ભાજપમાં જવાની અટકળો હજુ પણ યથાવત છે. ત્યારે જો કાલરીયા ભાજપમાં જોડાઈ તો અહીં ઉમેદવાર શોધવા માટે ફરી કોંગ્રેસને મશકત કરવી પડશે.