જામજોધપુર : ચુર ગામના ભ્રષ્ટાચાર પ્રકરણમાં તત્કાલીન ડેપ્યુટી ઇજનેરની ધરપકડ

0
1008

જામનગર અપડેટ્સ : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ચુર ગામના ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચાર પ્રકરણમાં પોલીસે તત્કાલીન તાલુકા કચેરીના ડેપ્યુટી ઇજનેરની ગઇકાલે ધરપકડ કરી નિવેદન નોંધી મુકત કર્યા હતાં. આ પ્રકરણમાં સંડોવણી બહાર આવ્યા બાદ તત્કાલીન ડેપ્યુટી ઇજનેર હાઇકોર્ટમાં આગોતરા જામીન લઇ ગઇકાલે જામનગર એસીબી સમક્ષ હાજર થયા હતાં. ઉલ્લેખનીય છે કે, અગાઉ આ પ્રકરણમાં બે પૂર્વ સરપંચ અને ત્રણ સરકારી બાબુઓની ધરપકડ કરવામાં આવી છે.


જામજોધપુર તાલુકાના ચુર ગામે પાંચેક વર્ષ પૂર્વે ગ્રામ પંચાયતના વિકાસ કાર્ય મુદે થયેલા કથીત ભ્રષ્ટાચાર અંગે એસીબીમાં ફરિયાદ કરવામાં આવી હતી. જે ફરિયાદના આધારે એસીબી તપાસ હાથ ધરતા આ પ્રકરણની સત્યતા સામે આવી હતી જેમાં આ પ્રકરણમાં એક મહિલા પૂર્વ સરપંચ તેમજ અન્ય એક સરપંચે સરકારી બાબુઓ સાથે મીલીભગત કરી કામ વગર જ સરકારી નાણાંની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું હતું. આ પ્રકરણમાં જામનગર એસીબીએ બન્ને સરપંચ ઉપરાંત ત્રણ સરકારી બાબુઓની અગાઉ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જે તે સમયે તપાસ દરમિયાન જામજોધપુર કચેરીના ડેપ્યુટી ઇજનેર કિશનદાસ શંકરદાસ સ્વામીની પણ સંડોવણી ખુલવા પામી હતી. જેને લઇને આ શખસ ભૂગર્ભમાં ઉતરી ગયા હતાં. દરમિયાન ધરપકડથી બચવા માટે હાઇકોર્ટમાં આગોતરા જામીન માંગ્યા હતાં. જે આગોતરા જામીન હાઇકોર્ટે મંજુર કરતા આ સરકારી બાબુ ગઇકાલે એસીબી કચેરીએ હાજર થયા હતાં. એસીબી પીઆઇ સહિતના સ્ટાફે આ પ્રકરણમાં આરોપી તરીકે રહેલા સ્વામીનું નિવેદન નોંધી તેઓને મુકત કર્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here