સંકલન : લોકોની રજૂઆતો પહેલા, પછી બીજું, કલેકટરનો સીધો નિર્દેશ

0
569

જામનગર : કોરોના મહામારીના કારણે આજે આશરે દોઢ વર્ષ બાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટરશ્રી ડો.સૌરભ પારધીના અધ્યક્ષ સ્થાને મળી હતી.જે બેઠકની શરૂઆત પહેલા કોરોના દરમિયાન અવસાન પામેલ દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ હતી અને કોરોનાની સંભવિત ત્રીજી લહેર પ્રત્યે તમામ સરકારી વિભાગો તેમજ લોકો જાગૃત રહી સતત સાવચેત રહે તેમ જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું.

બેઠકમાં જામનગર ગ્રામ્યના ધારાસભ્ય શ્રી રાઘવજી પટેલ તેમજ જામજોધપુરના ધારાસભ્ય શ્રી ચિરાગ કાલરીયા દ્વારા રજુ કરાયેલ પ્રશ્નો અંગે જિલ્લા કલેક્ટર શ્રી ડો.સૌરભ પારધીએ સંબંધિત અધિકારીઓને જરૂરી તપાસ કરી સત્વરે વિગતવાર અહેવાલ રજુ કરવા સૂચના આપી હતી.જામનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠકમાં પદાધિકારીશ્રીઓ તરફથી રજુ થયેલા પ્રશ્નોની જિલ્લા કલેક્ટરશ્રીએ સમીક્ષા કરી હતી અને જનપ્રતિનિધિઓ તેમજ લોકોના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ્ય કેન્દ્રિત કરી સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવા ઉપસ્થિત અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી.આ બેઠકમાં કલેકટરશ્રીએ તમામ કચેરીઓના વડાઓને દર માસે પડતર પ્રશ્નોના નિકાલ અંગે કરેલ કામગીરીનો અહેવાલ રજૂ કરવાની પણ સૂચના આપી હતી તેમજ લોકો તરફથી મળેલ અરજીઓ તેમજ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ ન આવે ત્યાં સુધી તેનું સતત નિરીક્ષણ કરવા સૂચન કર્યું હતું.જ્યારે જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિહિર પટેલ દ્વારા ડિજિટલ સેવા સેતુ હેઠળ લોકોને ઘરે બેઠાં જ ઉપલબ્ધ થતી 56 જેટલી ઓનલાઈન સરકારી સેવાઓ પર યોગ્ય કાર્યવાહી હાથ ધરી લોકોને સ્થાનિક કક્ષાએ જ આ લાભો સરળતાથી મળી રહે તે દિશામાં કાર્યવાહી હાથ ધરવા તેમજ તેનું સતત મોનીટરીંગ કરવા ઉપસ્થિત અધિકારીશ્રીઓને સૂચન કરાયું હતું.
બેઠકમાં જિલ્લાની વિવિધ કચેરીઓના વડાઓ દ્વારા રજૂ કરાયેલ રજૂઆતો તેમજ પ્રશ્નો જિલ્લા કલેક્ટરશ્રીએ સાંભળ્યા હતાં અને તે પરત્વે યોગ્ય સૂચન કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશી ચનીયારા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રીમતિ ગોમતીબેન ચાવડા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિહિર પટેલ, એ.એસ.પી. શ્રી પાંડે, મુખ્ય વન સંરક્ષકશ્રી સેન્થીલ કુમારન, નિવાસી અધિક કલેકટર શ્રી રાજેન્દ્ર સરવૈયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેકટર શ્રી રાયજાદા, મદદનીશ કલેકટર શ્રી નતિશા માથુર તેમજ સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સહિત વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here