જામનગર : નવસારી જીલ્લાના ચીખલી તાલુકાના બામણવાડા ગામનાં પૂર્વ ઉપસરપંચ નિલેશ છના પટેલનો મૃતદેહ 2જી માર્ચે સાદકપોર બ્રહ્મદેવ બાપાનાં મંદિર પાસે તેની બાઈક અને નજીકમાં ખેતરના પાછળનાં ભાગેથી લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. લાંબી તપાસ બાદ નીલેશની હત્યા પ્રેમ પ્રકરણ અને નાણાની લેતીદેતીમાં થઈ હોવાનો ખુલાસો થયો છે. તકની પ્રેમિકા અને તેના પતિએ અન્ય બે સખ્સોની મદદથી નીલેશને તપાવી દીધો હોવાનું સામે આવ્યું છે. પોલીસે દંપતી સહિતના સખ્સોને પકડી પાડયા છે.
ચીખલી તાલુકાના બામણવાડા ગામનો નિલેશ પટેલ (રહે. બામણવાડા, ચીખલી) ચીખલી કોલેજ રોડ પર આવેલ એક ડેરીમાં નોકરી કરતો હતો. કાપડની દુકાનમાં ચિન્મય રમેશ પટેલ (ઉ.વ. 37, રહે. ફડવેલ ભૂતિયા ફળિયા, ચીખલી) કામ કરતો હતો, ચિન્મયની પત્ની ધર્મિષ્ઠાબેન તેના પતિને બપોરનાં સમયે ટિફીન આપવા આવતી હતી. ચિન્મય પટેલ અને ધર્મિષ્ઠાનાં લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા અને સંતાન ન હતું. ટીફીન આપવા આવતી વેળાએ જ નિલેશ અને ધર્મિષ્ઠા વચ્ચેના સબંધની શરૂઆત થઇ હતી. સમય જતા આ સંબંધને પ્રેમ સબંધ સાથે બંનેએ જોડી દીધો હતો. આ સંબંધની સમયજતા તેણીના પતિને ભનક આવી ગઈ હતી. આ બાબતે પતિએ બે-ત્રણવાર ધર્મિષ્ઠાને સમજાવી હતી, છતાં પણ તેણીએ નીલેશ સાથેનો સબંધ જોડી રાખ્યો હતો. જેને લઈને તેણીના પતિએ અંતે કહ્યું કે મારી સાથે રહેવાની કે પ્રેમી સાથે ? પતિના અંતિમ ઉગ્ર સ્વભાવને પારખી લઇ તેણીએ પતિની માફી માંગી તારી સાથે રહેવું છે કહી બંનેએ નિલેશ પટેલની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો.
જે મુજબ બીજી માર્ચે ઘરે પરત જતી વખતે નિલેશને પ્રેમિકા ધર્મિષ્ઠાએ પ્લાન મુજબ બોલાવી લીધો હતો. નીલેશને મંદિર પાસે લઈ જઈ પતિ ચિન્મય અને તેના બે સાગરીતો દીપેશ હળપતિ અને મનોજ હળપતિને સામેલ કર્યા હતા. આ સખ્સોને બંને દંપતીએ પૈસાની લાલચ હતી. જે તે દિવસે નીલેશ આવતા જ તમામે રાત્રિના સમયે હથિયાર સાથે તૂટી પડી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારબાદ મૃતદેહ અને બાઈક અલગ-અલગ જગ્યાએ મૂકીને પુરાવાનો નાશ કર્યો હતો. મૃતક ચિન્મય અને નીલેશ વચ્ચે પણ મિત્રતા હતી જ. નાણાની જરૂર પડતા નિલેશે ચિન્મયને આશરે પાંચ લાખ જેટલી રકમ આપી હતી અને દોઢ લાખ પરત પણ કર્યા હતા. આવી વાત પોલીસમાં પણ જાહેર થઇ છે. નાણાકીય વ્યવહાર પણ હત્યા માટે કારણભૂત માનવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર હત્યા કરનાર આરોપી ચિન્મય પટેલ અને પત્ની ધર્મિષ્ઠા ટીવી ઉપર ક્રાઈમ પેટ્રોલ અને સાવધાન ઇન્ડિયા નિયમિત જોતા હતા. નિલેશને મારવા માટેનો પ્લાન પણ તેઓએ સિરિયલ જોઈ બનાવ્યો હતો. જેમાં પોલીસ તપાસમાં ફોનનું લોકેશન ગુનાનું સ્થળ ન આવે તે માટે દરેકના ફોન પોતપોતાના ઘરે જ મૂકી દીધા, જે જગ્યા ઉપર સીસીટીવી ન હોય તેવા રસ્તાનો ઉપયોગ કર્યો, હત્યા કરતી વખતે ફિંગરપ્રિન્ટ ન આવે તે માટે દરેકે હાથમાં સેલોટેપ બાંધી હતી, હત્યા બાદ કપડાં, ચંપલ, સેલોટેપ સળગાવી દીધા હતા અને મૃતક નિલેશનો મોબાઈલ અવાવરું જગ્યા ઉપર ફેંકી દીધો હતો, તમામ આરોપીઓએ હત્યા કરી હત્યામાં વપરાયેલા હથિયારો અન્ય જગ્યાએ ફેંકી અલગ અલગ દિશાએથી ઘરે ચાલ્યા ગયા હોવાનું સામે આવ્યું છે.