વરસાદ અપડેટ્સ : જામજોધપુરના ગ્રામ્યમાં એક થી પોણા આઠ ઇંચ, જીલ્લાના અન્ય ગામડાઓમાં ક્યાં કેટલો વરસાદ? જાણો

0
528

જામનગર : જામનગર જીલ્લામાં હાલ મેઘાવી માહોલ જામ્યો છે. આજે સવારે છ વાગ્યાના પુરા થતા ૨૪ કલાકના ગાળામાં મેઘરાજાએ જામજોધપુર પંથકમાં ભુક્કા બોલાવ્યા છે. અહી તાલુકા મથકે તો ઝાપટા જ પડ્યા છે પણ ગ્રામ્ય વિસ્તારમાં એક થી પોણા આઠ ઇંચ વરસાદ વર્ષી ગયો છે. જયારે જીલ્લાના અન્ય તાલુકાઓના ગામડાઓમાં પણ સચરાચર વરસાદ પડી ગયો છે.

જામનગર જીલ્લામાં તાલુકા મથકોની વાત કરીએ તો આજે સવારના છ વાગ્યા સુધીના ૨૪ કલાકના ગાળામાં જામનગરમાં એક ઇંચ, કાલાવડમાં ત્રણ ઇંચ, ધ્રોલમાં અડધો ઇંચ, જોડિયામાં ત્રણ મીમી રૂપી ઝાપટા, લાલપુરમાં સવા ચાર ઇંચ અને જામજોધપુર તાલુકા મથકે ઝાપટા રૂપી માત્ર ચાર મીમી રૂપી ઝાપટા પડ્યા હતા. બીજી તરફ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ભુક્કા બોલાવ્યા હતા. જેમાં જામજોધપુર તાલુકામાં સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. તાલુકાના સમાણામાં પોણા આઠ ઇંચ વરસાદ પડ્યો હતો, શેઠ વડાળામાં ત્રણ ઇંચ, જામવાડીમાં સવા ઇંચ, વાંસજાળિયા ગામે ત્રણ ઇંચ, ધૂનડા પોણા બે ઇંચ, ધ્રાફામાં એક ઇંચ, પરડવામાં ત્રણ ઇંચ ઉપરાંત વરસાદ પડ્યો છે. જયારે લાલપુર તાલુકાના ગ્રામ્ય  પંથકમાં પણ અડધાથી ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં મોટા ખાડબામાં સતત બીજા દિવસે ચાર ઇંચ, પડાણામાં અડધો અને પીપરટોળામાં પોણો ઇંચ વરસાદ પડ્યો છે. જયારે મોડપર અને ભણગોરમાં ઝાપટા પડ્યા હતા.

બીજી તરફ કાલાવડના નીકાવામાં અડધો, ખરેડીમાં એક ઇંચ, ભલસાણ બેરાજામાં એક, નવાગામ અને મોટા પાંચદેવડા ગામે અડધા ઇંચ ઉપરાંત વરસાદ વર્ષી ગયો છે. જયારે મોટા વડાળામાં એક ઇંચ ઉપરાંત વરસાદ પડયો હતો.જયારે ધ્રોલ તાલુકાના લતીપરમાં ઝાપટા અને જાલિયા દેવાણીમાં એક ઇંચ અને  લૈયારામાં ઝાપટા પડ્યા હતા. આ ઉપરાંત જોડિયા તાલુકામાં હડીયાણામાં ઝાપટા અને બાલભા ગામે અડધો ઇંચ તેમજ પીઠળ ગામે અઢી ઇંચ વરસાદ પડ્યો હતો.

જ્યારે જામનગર તાલુકાના વસઈ, લાખાબાવળ, જામ વંથલીમાં અડધો ઇંચ અને મોટી બાણુંગાર, દરેડ, અલીયાબાળામાં એક-એક ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત ધુરારપર ગામે બે ઇંચ વરસાદથી પાણી પાણી થઇ ગયું હતું. આજથી વધુ ત્રણ દિવસ માટે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. ત્યારે ત્રણ દિવસમાં વધુ વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામ આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here