જામનગર : જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લા પર અરબી સમુદ્રમાં રચાયેલ ચક્રવાત એટેક કરે તેવી આગાહી શનિવારે થયા બાદ પવનની ગતિ પશ્ચિમ-દક્ષીણ તરફ ઢળી જતા હાલ ખતરો ટળ્યો છે. છતાં પણ તકેદારીના ભાગ રૂપે જીલ્લા પ્રશાસન દ્વારા કાંઠાળ વિસ્તારના નાગરિકો અને માછીમારોને ચેતવણી આપી છે. મોન્સુન સીજનને લઈને ફીસરીઝ વિભાગે પ્રથમથી જ એક માસનો માછીમારી પ્રતિબંધ મૂકી દીધો છે. છતાં પણ ફીસરીઝ વિભાગ દ્વારા શુક્રવારે જ તમામ માછીમારોને પરત ફરી જવા સુચના આપી હતી. જેને લઈને સિક્કા, રોજી બંદર અને બેડી બંદર અને સચાણા બંદર પર માછીમારોએ અગાઉથી જ બોટ લાંગરી વેકેશન પાડી દીધું છે. કલેકટર રવિ શંકરે માછીમારોને સુચના આપી છે કે દરીયો ખેડવા ન જાય, હાલ જે કોઈ પ્રતિબંધ છતાં અરબી સમુદ્રમાં હોય તો તેઓને દક્ષીણ ગુજરાતને બાદ કરતા ગુજરાતના અન્ય બંદર પર તાત્કાલિક આવી જવા સચેત કરાયા છે, જો કે તંત્રના જણાવ્યા અનુસાર હાલ સૌરાષ્ટ્ર પર ખતરો ટળી ગયો છે. પણ તકેદારીના ભાગ રૂપે સલામતી રાખવી આવશ્યક હોવાનું જણાવ્યું છે.