બેવડી હત્યા: જામનગરમાં પ્રેમ પ્રકરણમાં સાસુ-જમાઈની હત્યા

0
1419

જામનગરમાં એક કલાકના ગાળામાં ઓનર કિલિંગની ડબલ ઘટનાથી સનસનાટી મચી જવા પામી છે. એક વર્ષ પૂર્વે ક્ષત્રિય પરિવારની યુવતી સાથે પ્રેમલગ્ન કરનાર ચારણ યુવાનનું ક્ષત્રિય પરિવારના સભ્યો દ્વારા ઢીમ ઢાળી દેવામાં આવ્યું છે, તો બીજી તરફ યુવકના પરિવારજનોએ હત્યારાઓના ઘરે પહોંચી એક મહિલાનું ઢીમ ઢાળી દીધું હોવાની વિગતો સામે આવી છે. આ ઘટનાના પગલે પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી બંને પક્ષના આરોપીઓને ડિટેઇન કરી લીધા છે.

જામનગર શહેરની ભાગોળે આવેલ હાપા યોગેશ્વર ધામ વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટના ઘટી જવા પામી છે. ઓનર કિલિંગના આ બનાવમા બેવડી હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. યોગેશ્વર ધામ સોસાયટીમાં રહેતા ચારણ પરિવારના સોમરાજ નામના યુવાને તેના વિસ્તારમાં રહેતા એક ક્ષત્રિય પરિવારની યુવતી સાથે એક વર્ષ પૂર્વે પ્રેમલગ્ન કર્યા હતા ત્યારથી આ બંને પરિવાર વચ્ચે મનદુઃખ ચાલ્યું આવતું હતું જે આજે ડબલ મર્ડરના બનાવમાં પરિણમ્યું છે. સૂત્રોનું માનવામાં આવે તો છેલ્લા એક વર્ષથી ક્ષત્રિય પરિવાર યુવકનું ઢાંકી દેવાની ફિરાકમાં હતો. દરમિયાન આજે રાજકોટ રોડ પર આવેલ અતુલ શોરૂમની સામે યુવાન પસાર થતો હોવાનું સામે આવતા યુવતીના પરિવારજનો ત્યાં પહોંચ્યા હતા, જેને જોઈને પરંતુ યુવાન શો રૂમમાં પહોંચ્યો હતો. ત્યારબાદ આરોપીઓ શો રૂમ અંદર ઘૂસી ગયા હતા અને તીક્ષ્ણ હથિયારો વડે યુવાનની કરપીણ હત્યા નીપજાવી હતી. સોમરાજની હત્યા નિપજાવી આરોપી નાસી છૂટ્યા હોવાની તેના પરિવારજનોને જાણ થઈ હતી. જેને પગલે સમાજના પરિવારજનો શોરૂમ પહોંચ્યા હતા ત્યારબાદ આ બનાવનો બદલો લેવા તેઓ તાત્કાલિક ક્ષત્રિય પરિવારના ઘરે પહોંચ્યા હતા જ્યાં આરોપીઓ હાજર ન હોવાનું સામે આવ્યું હતું. પરંતુ યુવતીની માતા આશાબા બા ઝાલા સામે આવી જતા મૃતકના પરિવારજનોએ તેની પર હુમલો કરી તેની પણ કરપીણ હત્યા નીપજાવી હતી.

આમ આ બનાવ ડબલ મર્ડરમાં પરિણમ્યો હતો. પંચકોશી એ ડિવિઝન અને પંચકોશી બી ડિવિઝનમાં ઘટેલી આ ડબલ મર્ડરની ઘટનાને પગલે જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસૂખ ડેલું, ડીવાયએસપી કૃણાલ દેસાઈ તેમજ બંને પોલીસ સ્ટેશનનો સ્ટાફ, એલ.સી.બી એસ.ઓ.જીનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી બંને પક્ષના આરોપીઓને ડિટેઇન કરી લીધા હોવાની વિગતો જાણવા મળી છે. આ બનાવ અંગે બે જુદી જુદી ફરિયાદો નોંધી છે. ડબલ મર્ડરની આ ઘટનાથી જામનગર શહેર-જિલ્લામાં મચી જવા પામી છે ઉલ્લેખનીય છે કે ચારણ યુવાનને ક્ષત્રિય પરિવારની યુવતી સાથે પ્રેમલગ્ન કરવા ભારે પડ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here