ઈતિહાસ : જામ રાજવીએ આસરા ધર્મનું કર્યું રખોપું, ખેલાયું ભૂચર મોરીનું યુદ્ધ, આવો છે ઈતિહાસ

0
1244

જામનગર : વાત છે ૪૨૯ વર્ષ પૂર્વે જામનગરમાં ખેલાયેલ એ યુદ્ધની, જેમાં આસરા ધર્મના રખોપા કરવા માટે જામરાજાએ મુઘલ સૈન્ય સામે યુદ્ધ ખેલ્યું અને પોતાના ધર્મની રક્ષા કરી હતી. નવાનગરમાં મળતી નોંધ મુજબ આ લડાઈ વર્ષ ૧૫૯૧ના જુલાઈ માસમાં વિક્રમ સંવત ૧૬૪૮, બુધવાર, શ્રાવણ વદ સાતમના રોજ પૂર્ણ થઈ હતી  જયારે અકબરનામા મુજબ લડાઈ ૪થો અમરદાદ અથવા ૬ સવાલ ૯૯૯ હિજરી એટકે કે વર્ષ ૧૫૯૧માં ૧૪થી ૧૮ જુલાઈ વચ્ચે યુદ્ધ થયું હતું. જયારે જૂનાગઢના દિવાન રણછોડજી દિવાન લિખિત તારીખ-એ-સોરઠ  અનુસાર આ લડાઈ આસો સુદ આઠમ સંવત ૧૬૪૮ના રોજ થઈ હોવાનો ઉલ્લેખ છે.

જે તે સમયે ગુજરાત પર ગુજરાત સલ્તનતના સુલતાન મુઝફ્ફર શાહ ત્રીજાનું સાસન હતું. જે તે સમયે એકબીજાના રાજ્યો ક્બજે કરવા હોડ લાગી હતી. મુઝફ્ફરે અમદાવાદ પર ચડાઈ  કરતા ઉમરાવ ઈતિમાદ ખાને મુઘલ શહેનશાહ અકબરને રાજ્ય પર કબ્જો કરવા આહવાન કર્યું હતું. જેને લઈને ૧૮ નવેમ્બર ૧૫૭૨માં અમદાવાદમાં અકબર સૈન્ય પ્રવેશી મુઝફ્ફરને પકડી અહી સાસન જમાવ્યું. દરમીયાન અકબરે પકડેલ મુજ્જ્ફર શાહ વર્ષ ૧૫૮૩માં દિલ્લી આગ્રાના કારાવાસમાંથી ભાગી ગુજરાત પહોચ્યો હતો. જે તે સમયે નવાનગરના જામ સતાજીએ જૂનાગઢના દૌલત ખાન અને સોરઠના જાગીરદાર ખેંગારના સહકારથી મુજફ્ફર શાહે અમદાવાદ, ભરૂચ અને વડોદર કબ્જે કર્યાં હતા. ૨૬ જાન્યુઆરી ૧૫૮૪ના રોજ નવા મુઘલ સૂબેદાર મિર્ઝા ખાને મુઝફ્ફરને અમદાવાદ ખાતે હરાવી દેતા શાહ પોતાનો જીવ બચાવવા ભાગી છૂટ્યો હતો. ત્યારબાદ બે વખત મુઘલ સૈન્ય સાથે મુજફ્ફરની ટક્કર થઇ પણ બંનેમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ પોતાના અસ્તિત્વ માટે મુઝફ્ફર શાહ ત્રીજાએ હાલારના રાજવીની શરણ લીધી હતી.

હાલારમાં અસારો પામેલ મુઝફ્ફર શાહ ત્રીજાને પકડવા અકબરે વર્ષ ૧૫૮૮-૮૯માં મિર્ઝા ખાનના ભાઈ મિર્ઝા અઝીઝ કોકાને માળવાથી ગુજરાત મોકલ્યો હતો. અઝીઝ કોકાએ જામ સતાજી સાથે વાટાઘાટ ચલાવી પરંતુ આસરા ધર્મ માટે આ શક્ય નથી એમ કહી સતાજીએ ક્ષત્રીય ધર્મ પાળ્યો હતો. મિર્ઝાને શાહ સોંપવાની નાં પાડતા જ યુધ્ધના ભણકારા વાગ્યા હતા. દરમિયાન શાહને પકડવા મિર્ઝા અઝીઝ કોકાએ ધ્રોળ નજીક આશરે ૯,૦૦૦ સૈનિકોનું સૈન્ય સાથે ચડાઈ કરી હતી. સામે પક્ષે જામરાજા સતાજીના સૈન્ય સાથે જુનાગઢના નવાબ દોલત ખાન ઘોરી અને જાગીરદાર રા ખેંગાર, ખેરડી-સાવરકુંડલાના લોમા ખુમાણ અને કચ્છના રાવ ભારમલજી પ્રથમના સૈનિકો તેમજ ઓખાના વાઢેર અને મૂળીના વસાજી પરમાર પણ સૈન્યમાં જોડાયા હતા. તો બીજી તરફ ભદ્રેસરના મહેરામણ અજાણી પોતાના ચૌદ પુત્રો સાથે સૈન્યમાં જોડાયા હતા. સૌથી મોટી વાત એ છે કે દ્વારકાની  જાત્રાએથી પરત ફરતા અને હિંગળાજ માતાના દર્શને જઈ રહેલ નાગા સાધુઓની જમાત પણ જામ રાજાના ટેકામાં જોડાઈ હતી.

સમાધા નિષ્ફળ જતા મુઘલ સેનાએ ભુચર મોરીમાં ડેરાતંબુ નાખી હુમલો કરવાની યોજના બનાવી હતી. આ સમયે હાલારના રાજવીએ અસરા ધર્મ માટે યુદ્ધ કર્યું જામે કચ્છના અનામત સૈન્ય વડે તેમના પર હુમલો કર્યો. મુઘલ દળો પણ રાત્રિ દરમિયાન પણ બે હુમલા કરાયા અને સખત વરસાદને કારણે લડાઈ બે દિવસ સુધી ટાળવામાં આવી. બંને પક્ષો વચ્ચે સંખ્યાબંધ અથડામણો થઈ અને દરેકમાં કાઠિયાવાડનું સૈન્ય વિજયી નીવડ્યું. ચોમાસાંને કારણે યુદ્ધક્ષેત્ર યોગ્ય નહોતું અને જામ સતાજીની વ્યૂહરચનાને કારણે તેઓ વારંવાર વિજયી નીવડ્યા. ત્રણ મહિનાના લાંબા ગાળા બાદ હળવદના ચંદ્રસિંહની મધ્યસ્થતામાં મિર્ઝા અઝીઝ કોકાએ શાંતિમંત્રણાની શરુઆત કરી. જો શાંતિમંત્રણા સફળ થાય તો તેણે જામ સતાજીને બે લાખ ચૂકવવા અને ચંદ્રસિંહને ગુપ્ત રીતે એક લાખ ચૂકવવા વચન આપ્યું. કુંડલાના કાઠી લોમા ખુમાણે અગાઉના જૂનાગઢના અભિયાન સમયે લૂંટના ભાગરુપે એક હાથી મુઘલો પાસેથી મેળવી પોતાની પાસે રાખ્યો હતો અને તેને માટે જસ્સા વજીરે તેને બહુ રંજાડ કરેલી તે બાબતે તે જામથી છૂપી નારાજી ધરાવતો હતો. આ જ પ્રકારે જૂનાગઢનો દૌલત ખાન પણ જામ વિરુદ્ધ હતો. આ બંને એ અઝીઝ કોક સાથે ગુપ્ત સંધિ કરી અને મિર્ઝાએ સહાયની ખાતરી આપતાં તેમણે જામ વિરુદ્ધ ફરી યુદ્ધની જાહેરાત કરી હતી.

લડાઈની શરુઆતે જૂનાગઢ અને કુંડલાના સૈન્યો કાઠિયાવાડનું સૈન્ય છોડી જતા રહ્યા. જામ સતાજીને આ દ્રોહની જાણકારી મળતાં તેઓ હાથી પરથી ઉતરી પોતાના ઘોડાને લઈ રાજ્ય અને પરિવારને સુરક્ષિત કરવા રવાના થયા. તેમના મંત્રી જસા વજીર અને પુત્ર જસાજીએ સાંજ સુધી લડત ચાલુ રાખી; તેમણે જામના પરિવારનું પણ રક્ષણ કર્યું અને નાવમાં સમુદ્રમાર્ગે ધરપકડથી બચવા નશાડી દીધા અને બાદમાં તમામ નવાનગર પરત ફર્યા. લડાઈ લગભગ ત્રણ પ્રહર એટલે કે નવ કલાક સુધી ચાલી. યુદ્ધક્ષેત્રમાં ૨૬,૦૦૦ થી ૩૦,૦૦૦ સૈનિકો હતા. બંને પક્ષે મોટી સંખ્યામાં ખુવારી થઈ.

જામ સતાજીના પુત્ર કુંવર અજાજી ત્રીજા જે પોતાના લગ્નના જમણવાર માટે ગામમાં હતા, તેઓએ જમણવારમાંથી ૫૦૦ રાજપુત યોદ્ધાઓને લઈ નાગ વઝીર સાથે યુદ્ધક્ષેત્ર તરફ ગયા. બીજે દિવસે, મુઘલ સૈન્યની જમણી પાંખનું નેતૃત્વ સૈયદ કાસીમ, નૌરંગ અને ગુજર ખાન દ્વારા અને ડાબી પાંખમાં મુહમ્મદ રફી સહિત સંખ્યાબંધ જમીનદાર અને અમીરોએ કર્યું. કેન્દ્રનું નેતૃત્વ નવાબ અઝીમ હુમાયુ પોતે અને મિર્ઝા અનવરે સંભાળ્યું તે પહેલાં નવાબના પુત્ર મિર્ઝા મરહૂમના હાથમાં હતું. નવાનગરનું સૈન્ય જસા વજીર, કુંવર અજાજી અને મહેરામણજી ડુંગરાણીએ કર્યું. નાગ વઝીર, ડાહ્યો લોદક, ભાલજીદલ વગેરે પણ સૈન્યનું નેતૃત્વ કરી રહ્યા હતા. બંને પક્ષે તોપ દ્વારા ગોલંદાજી વડે લડાઈની શરુઆત થઈ. મુહમ્મદ રફીએ જામ પર હુમલો કર્યો જ્યારે ગુજર ખાન, મિર્ઝા અનવર અને નવાબે કુંવર અજાજી અને જસા વજીર પર હુમલો કર્યો.

કુંવર અજાજી ઘોડા પર સવાર હતા જ્યારે અઝીઝ કોકા હાથી પર સવાર થયા હતા. અજાજીએ મિર્ઝા પર ભાલા વડે હુમલો કરી ઈજા પહોચાડી હતી. જેને લઈને મુઘલ સૈનિકોએ અજાજી પર હુમલો કર્યો અને તેઓ યુદ્ધક્ષેત્રમાં જ તેઓ વીરગતી પામ્યા હતા. આ ઉપરાંત લડી લડીને જસા વઝીર, મહેરામણજી ડુંગરાણી, ભાણજીદળ, ડાહ્યો લોદક, નાગ વઝીર અને તોગાજી સોઢા પણ યુદ્ધક્ષેત્ર મેદાન માં જ વીરગતીને વર્યા હતા. આ યુધ્ધમાં આશરે ૨,૦૦૦ કાઠિયાવાડી સૈનિકો શહીદ થયા હતા. મુઘલ સૈન્યમાં મુહમ્મદ રફી, સૈયદ સૈફુદ્દીન, સૈયદ કબીર, સૈયદ અલીખાનના મોત થયા હતા. બંને પક્ષે આશરે ૧૦,૦૦૦ કરતાં વધુ સૈનિકો મૃત્યુ પામ્યા અને એક હજાર જેટલા સાધુઓ પણ મૃત્યુ પામ્યા હતા. જામ રાજવી પરિવારે સતાજીના પુત્ર, ભત્રીજો અને જમાઈ સહિતના અનેક સબંધીઓની શહાદત આ યુધ્ધમાં આપી હતી. જયારે મહેરામણજીના ચૌદ પુત્રો પણ આ યુધ્ધમાં વીરગતિને પામ્યા હતા.

(સાભાર : આ લેખની પુરક માહિતી જામનગરના ઈતિહાસવિદો, પુસ્તકો અને વીકીપીડીયામાંથી લીધેલ છે. )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here