લાચારી : કોરોનાની સારવાર માટે હોસ્પિટલ બહાર દર્દીઓ સાથેની એમ્બ્યુલસના થપ્પા, વેઈટીંગ..વેઈટીંગ

0
837

જામનગર : જામનગર શહેર સહિત જીલ્લાભરમાં કોરોનાની સ્થિતિ એકદમ વિકટ બની છે. દરરોજ અનેક દર્દીઓ નોંધાઈ રહ્યા છે બીજી તરફ હોસ્પિટલમાં નવા દર્દીઓ માટે એક પણ બેડની વ્યવસ્થા નહિ કરવામાં આવતા આજ સવારથી જ દર્દીઓ સાથેની એમ્યુલ્સમાં દર્દીઓ રીતસરના કણસતા જોવા મળ્યા હતા. ત્રણ કલાક બાદ પણ આઠ એમ્બ્યુલસમાં આવેલ દર્દીઓને દાખલ નહી કરવામાં આવતા તંત્ર પાંગળું પુરવાર થયું છે. મુખ્ય મંત્રીએ ગંભીર દર્દીઓને જ દાખલ કરવાની જાહેરાત કરી છે છતાં પણ તંત્ર દ્વારા સુચારુ વ્યવસ્થા નહી કરવામાં આવતા જામનગર હવે ખરેખર રામ ભરોશે હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.

જામનગર કલેકટર દ્વારા આજે કોવિડ હોસ્પિટલમાં બેડની સ્થિતિ અંગેની સતાવાર યાદી રજુ કરવામાં આવી હતી. જેમાં કુલ ૧૮૦૭ બેડ પૈકી વેન્ટીલેટર વાળી ૨૩૫ બેડ અને ઓક્સીજન બેડ પર એક પણ નવા દર્દીઓ માટે ખાલી નહી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે કે જીજીમાં હાલ ૧૮૦૭ દર્દીઓ દાખલ છે. આવી સ્થિતિ વચ્ચે આજે સવારે નવા દર્દીઓ હોસ્પિટલ પહોચ્યા તેમની હાલત અતિ ખરાબ થઇ ગઈ હતી. નવા દર્દીઓને દાખલ કરવા માટે કોઈ વ્યવસ્થા નહી કરવામાં આવતા આ દર્દીઓ એમ્બ્યુલન્સમાં જ કણસતા જોવા મળ્યા હતા. અગ્યાર વાગ્યા સુધી આ દર્દીઓને દાખલ કરવામાં આરોગ્ય તંત્ર નિષ્ફળ રહેતા દર્દીઓ અને તેના સગા સબંધીઓનો રોષ હોસ્પિટલ પરિસરમાં જોવા મળ્યો હતો. બીજી તરફ ગઈ કાલે મુખ્ય મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ગંભીર દર્દીઓને જ દાખલ કરવામાં આવશે તો સવારે આવેલ દર્દીઓ પૈકી મોટા ભાગના દર્દીઓ ક્રીટીકલ હાલતમાં જોવા મળ્યા હતા. સોમવાર સુધીમાં ૩૭૦ નવા બેડની વ્યવસ્થા કરી દેવામાં આવશે એવો તંત્રએ દાવો કર્યો છે. પણ આવતીકાલ સુધીમાં આ વ્યવસ્થા નહી થાય તો સ્થિતિ વધુ ખરાબ થશે એ વાસ્તવિક્તા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here