ગુજસીટોક : અધધ…જયેશ પટેલ આણી કંપની સામે બે હજાર પાનાનું પૂરવણી ચાર્જસીટ

0
1038

જામનગરના કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલ અને તેના સાગરીતો સામે નોંધાયેલ ગુજસીટોક પ્રકરણ સંબંધે જામનગર પોલીસે આજે વધુ એક પૂરવણી ચાર્જ સીટ રજુ કર્યું છે. ૩૦૦૦ પેજનું પ્રથમ ચાર્જસીટ પ્રસ્તુત કરાયા બાદ તપાસકર્તા ઇન્ચાર્જ એસપી, એએસપી નીતેશ પાંડેની ટીમ દ્વારા આજે વધુ ૨૦૦૦ પેજનું પૂરવણી તહોમતનામું રાજકોટની સ્પેશ્યલ ગુજસીટોક કોર્ટમાં રજુ કરવામાં આવ્યુ છે. જેમાં મુખ્ય આરોપી જયેશ પટેલ અને તેના વ્હાઈટ કોલર ગુંડાઓ સામેનો વધુ મજબુત પુરાવાઓ રજુ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા રજુ કરવામાં આવેલ પૂરવણી ચાર્જસીટને પગલે લાંબા સમયથી જેલવાસ ભોગવી રહેલ આરોપીઓને લાંબો સમય જેલવાસ ભોગવવો પડશે જ એમ પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.


જામનગરમાં હત્યા, હત્યા પ્રયાસ, ફાયરીંગ અને ખંડણી સહિતના ઓર્ગેનાઈઝડ ગુનાખોરી આચરી ભય ઉભો કરનાર કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલ અને તેના સાગરીતો સામે સવા વર્ષ પૂર્વે સરકાર દ્વારા સ્પેશ્યલ ઓપરેશન ચલાવવામાં આવ્યુ હતું. એસપી દીપન ભદ્રનની આગેવાની નીચે જયેશ પટેલના સ્થાનિક નેટવર્ક પર પોલીસ રીતસરની તૂટી પડી હતી. બે તબક્કામાં ચાલેલ ઓપરેશનમાં પ્રથમ ગુનો આચરનાર સાગરીતો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ આ જ ગુનાઓને અંજામ આપવામાં પડદા પાછળની ભૂમિકા ભજવનાર જયેશ પટેલના વ્હાઈટ કોલર ગુંડાઓ સામે ગુજસીટોક સબંધિત કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પોલીસે જયેશ ઉપરાંત તેના વ્હાઈટ કોલર સાગરીતોમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર અતુલ ભંડેરી, પૂર્વ પોલીસ જમાદાર વસરામ આહીર, બિલ્ડર નીલેશ ટોલિયા સહીત સખ્સો સામે ઓર્ગેનાઈઝ ક્રાઈમને અંજામ આપી ભય ઉભો કરવા સબબ ગુજસીટોક કાયદા  મુજબ ફરિયાદ નોંધી હતી. આ પ્રકરણમાં જામનગર પોલીસે આજ દિવસ સુધી બાર આરોપીઓની ધરપકડ કરી ચુકી છે. જેમાં જયેશ પટેલના વકીલ તરીકેની ભૂમિકા ભજવનાર વીએલ માનસાતાનો પણ સમાવેશ થાય છે. જયારે જયેશ પટેલ. રમેશ અભંગી અને સુનીલ ચંગાણી સહીત ચાર આરોપીઓ હજુ ફરાર છે. દરમીયાન પોલીસ દ્વારા ગત વર્ષે આ પ્રકરણમાં ૩ હજાર પેજનું ચાર્જસીટ દાખલ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પણ આ પ્રકરણમાં સાયોગિક પુરાવાઓ વધુ મજબુત બનાવવા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ અવિરત રાખવામાં આવ્યો હતો. જે તપાસ દરમિયાન જમીન માફિયા જયેશ પટેલ અને આરોપીઓ વચ્ચે ગુનાના કામે થયેલ મોબાઈલ ફોનમાં વાતચીતના રેકોર્ડીંગ એકત્રિત કરવામાં આવ્યા હતા. લગભગ સો ઉપરાંત આવા પુરાવાઓ એકત્ર કરાય હતા. આ ઉપરાંત અન્ય સાહેદો અને આરોપીઓની મિલકત સબંધિત માહિતીઓ અંગે પણ સબળ પુરાવાઓ પોલીસ દ્વારા એકત્ર કરવામાં આવ્યા હતા. આ તમામ પુરાવાઓને બે હજાર પેજમાં ઉતારી પોલીસ દ્વારા પૂરવણી ચાર્જસીટ બનાવવામાં આવ્યું હતું. આ પૂરવણી ચાર્જસીટને આજે એએસપી નીતેસ પાંડેની આગેવાની હેઠળ રાજકોટની સ્પેશ્યલ ગુજસીટોક કોર્ટમાં રજુ કરવામાં આવ્યું હતું. આ ચાર્જસીટમાં ૧૬ આરોપીઓ સામેના પુરાવાઓ વધુ મજબુત બનાવવામાં આવ્યા છે. જેમાં આરોપીઓએ ગુનાખોરી આચરવા કરેલ ફોન વાતચીતના અંશોનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું એએસપી પાંડેયએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, જમીન માફિયા જયેશ પટેલ લંડનમાં પકડાય ચુક્યો છે. જયેશને લઇ આવવા જામનગર પોલીસે તમામ દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરી હોવાનું એએસપીએ ઉમેર્યું  છે. બંને દેશ વચ્ચેની પ્રત્યાર્પણ અંગેની તમામ બાબતોના ઉકેલ બાદ જયેશ પટેલને ભારત લઇ આવવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here