જામનગર : હાલમાં પૂર્ણ થયેલ રાજ્યસભાની ચુંટણી પૂર્ણ થયા બાદ કોંગ્રેસના હારેલા ઉમેદવાર ભરતસિંહ સોલંકીને કોરોના વાયરસનું સંક્રમણ થઈ જતા અનેક નેતાઓ હોમ ક્વોરેનટાઈન થઇ ગયા છે. ચુંટણી વખતે ભરતસિંહ અનેક નેતાઓના સંપર્કમાં આવ્યા હતા. જેમાં કોંગ્રેસના જીતેલા ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ સહિતનો આખો કોંગ્રેસી ધારાસભ્યોનો કાફલો સોલંકીના સંપર્કમાં આવ્યો હતો. જેમાં જામનગર-દેવભૂમિ દ્વારકા જીલ્લાના ત્રણ ધારાસભ્યોનો સમાવેશ થાય છે. જેમાં કાલાવડના ધારાસભ્ય પ્રવીણ મુસડીયા તો સ્વૈચ્છિક ક્વોરેનટાઈન થઇ ગયા હતા. જયારે જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરિયા અને ખંભાલીયાના ધારાસભ્ય વિક્રમ માડમ સેલ્ફ ક્વોરેનટાઈન થયા ન હતા.જેમાં ગઈ કાલે રાજકોટમાં સામાજિક કાર્યમાં રોકાયેલ ધારાસભ્ય કાલરિયાએ પોતાનો રીપોર્ટ કરાવ્યો હતો. જો કે કોઈ લક્ષણ દેખાતા ન હતા પરંતુ પોતાની તથા અન્યની સલામતી માટે ધારસભ્યએ રીપોર્ટ કરાવ્યો હતો જેમાં રીપોર્ટ પોજીટીવ આવતા સમગ્ર કોંગ્રેસની ટીમ હરકતમાં આવી છે. આગામી દિવસોમાં રાજયસભાના ઈલેકસનમાં રોકાયેલ તમામ ધારાસભ્યો અને તેની સાથેના સ્ટાફનો ફરજીયાત રીપોર્ટ કરાવવામાં આવશે એમ પણ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. બીજી તરફ સેલ્ફ ક્વોરેનટાઈન થયેલ પ્રવીણ મુસડીયા સાથે થયેલ વાતચીતમાં તેઓ જણાવ્યું છે કે તેઓની તબિયત સારી છે. કોઈ લક્ષણ નથી. તેઓ નિયમિત શરીરનું તાપમાન ચકાસી સ્ક્રીનીંગ પણ કરી રહ્યા છે. જયારે ધારસભ્ય વિક્રમ માડમનો સંપર્ક થઇ સક્યો નથી.