જામનગર : છ દિવસ પૂર્વે જામનગરના પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરીના મુખ્ય અધિકારીને ગાંધીનગર એસીબીની ટીમે પાંચ લાખની રોકડ સાથે પકડી પાડ્યા બાદ અધિકારીએ તો ‘માલ’ બનાવી લીધો હોવાની વિગતો સામે આવી છે. આજે બે દિવસના પૂર્ણ થયેલ રિમાન્ડ દરમિયાન એસીબીએ અધિકારીની બિન હિસાબી સંપતી જાહેર કરી છે.
જામનગર પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરીના અધિકારીને તા. ૧૦મીના રોજ ગાંધીનગર એસીબીની ટીમે જામનગરથી નીકળી પોતાના નિવાસ્થાને પહોચે તે પૂર્વે જ કારમાંથી જ આંતરી લીધા હતા, ભાયાભાઈ સુત્રેજા નામના ક્લાસ વન અધિકારીની કાર માંથી રૂપિયા પાંચ લાખની રોકડ મળી આવી હતી. જેને લઈને એસીબીની ટીમે તેના ઘરની તલાસી લીધી હતી જેમાં વધુ પાંચ લાખથી વધુની રોકડ રકમ મળી આવી હતી. દરમિયાન ગાંધીનગર એસીબી કચેરીમાં આ અધિકારી વિરુદ્ધ અપ્રમાણસરની મિલકત સબંધિત ગુનો દાખલ કરી કોર્ટમાંથી બે દિવસના રિમાન્ડ મેળવી સઘન તપાસ ચલાવી હતી. આજે બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતા જ એસીબીએ પત્રકારો સમક્ષ અધિકારીનો હિસાબ રજુ કર્યો હતો. જેમાં આધીકારીને બેંકના લોકરની તલાસી લેતા અંદરથી બે કિલો (એક કિલો, ૯૯૦ ગ્રામ) સોનું મળી આવ્યું હોવાનું જણાવ્યું હતું. જેમાં ૭૨.૨૬ લાખના દાગીનાનો સમાવેશ થાય છે આ ઉપરાંત રૂપિયા ૫૫.૬૯ હજારની રોકડ મળી આવી હતી. આ તમામ સંપતિ બાબતે અધિકારી પાસે કોઈ આધાર પુરાવા મળ્યા નથી એમ પણ એસીબીની ટીમે ઉમેર્યું હતું. આ સંપતિ ક્યાંથી આવી છે ? તેનો તાગ મેળવવા એસીબીની ટીમે હાલ વિશેસ તપાસ શરુ કરી છે. આગામી દિવસોમાં ગાંધીનગર એસીબીની ટીમ જામનગર કચેરીએ તપાસ અર્થે આવશે એમ પણ સુત્રોએ જણાવ્યુ છે.