અરેરાટી : અકસ્માતગ્રસ્ત ચોથા યુવાનનું પણ મોત, આ કામે જતા હતા યુવાનો માંગરોળ તરફ

0
1366

જામનગર અપડેટ્સ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખજુરીયા ગામના પાંચ યુવાનો માંગરોળ પહોચે તે પૂર્વે અર્થ રસ્તે કાર અકસ્માતનો ભોગ બનતા ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા  મૃત્યુ નીપજ્યા હતા. જયારે બે યુવાનોને ગંભીર ઈજાઓ પહોચતા જામનગર ખસેડવામાં આવ્યા હતા. જેમના એક યુવાનનું મૃત્યુ નીપજતા મૃત્યાંક ચાર થયો છે. કોલેજમાં અભ્યાસ કરતા મૃતક યુવાનના પ્રમાણપત્ર લેવામાં માટે પાંચેય યુવાનો વહેલી સવારે ઘરેથી કારમાં નીકળ્યા હતા.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા તાલુકાના ખજુરીયા ગામના પાંચ યુવાનો આજે માંગરોળ તાલુકાના લોએજ ગામ જવા માટે નીકળ્યા હતા. વહેલી સવારે કાર સાથે નીકળેલા યુવાનો પોરબંદર ઓળંગી માંગરોળ તરફ પ્રયાણ કર્યું હતું. પરંતુ કુદરતે કઈક જુદું જ લખ્યું હતું આ યુવાનોના નશીબમાં, પોરબંદર ક્રોસ કરતા જ કાર ચીકાસા અને નરવાઈ ગામ વચ્ચે અકસ્માતનો ભોગ બની હતી. કોઈ કારણસર કાર રોડ પર પાંચ થી છ વખત પલટાઈ હતી. જેમાં કારમાં સવાર કિશન ચન્દ્રાવાડિયા, મયુર ચન્દ્રાવાડિયા અને ઘેલુ ચન્દ્રાવાડિયા નામના ત્રણ યુવાનોના કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યા હતા. જયારે રાજુ ચંદ્રાવાડીયા અને વજસી નંદાણીયા નામના બે યુવાનોને ગંભીર ઈજાઓ પહોચતા પ્રથમ પોરબંદર બાદ વધુ સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન એક યુવાનનું મૃત્યુ નીપજતા મૃત્યાંક ચાર થયો છે.

એક સાથે ચાર યુવાનોના મોતથી નાના એવા ખજુરીયા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક મયુર માંગરોળ તાલુકાના સીલ ગામે આવેલ કોલેજમાં અભ્યાસ  કરતો હોવાનું જાણવા મળ્યું છે. પોતાના પ્રમાણપત્ર લેવામાં માટે મયુર સહિતના અન્ય યુવાનો તેની સાથે જતા હોવાની વિગતો જાણવા મળી છે. મૃતકમાં બે સગા ભાઈઓ હોવાનું જાણવા મળ્યું છે. જેમાંથી એકના લગ્ન થઇ ગયા હોવાનું અને તેના તેને એક પુત્રી હોવાનું સામે જાણવા મળ્યું છે. જયારે તમામ હતભાગીઓ સબંધમાં પિતરાઈ ભાઈઓ થતા હતા. બનાવના પગલે હતભાગીઓનો પરિવાર હિબકે ચડ્યો છે. પરિવારમાં કોઈ કોઈને હૈયારખી આપવા ન રહ્યું હતું. તમામ સભ્યો ઊંડા શોકમાં ગરકાવ થઇ ગયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here