વરતારો : એક એવી રસમ, કુવામાં રોટલો પધરાવી થાય છે વર્ષની આગાહી, જાણો આ વર્ષ કેવું રહેશે ?

0
886

જામનગર અપડેટ્સ : પાંચ- છ સદીઓથી જામનગર નજીકના આમરા ગામમાં રોટલાથી વરસાદનો વરતારો પરંપરા છે. મનમાં સવાલ ઉભો થશે કે રોટલાથી વરસાદનો વરતારો કેવી રીતે આપી શકાય? અષાઢ મહિનાનાં પ્રથમ સોમવારે ગામના ભમરિયા કૂવામાં રોટલા પધરાવી, ખેતી પ્રધાન ગામડાના વરસના ભાવિનું અનુમાન નક્કી કરવામાં આવે છે, ગ્રામજનોની હાજરીમાં પૂજા અર્ચન બાદ આ વિધિ સંપન થઇ હતી. કેમ આવી પરંપરા પડી ?? ક્યારથી આવી રસમ અપનાવાઈ છે ? એવું તે શું બન્યું આમરા ગામમાં ? આવો જાણીએ

વરસાદના વરતારા વિષે તમે ઘણું સાંભળ્યું હશે અને અનેક રીત રીવાજો અને પરંપરાગત રીતિઓ વિષે અવગત હશો પણ એક એવું ગામ જ્યાં અનોખી રીતે થાય છે વરસાદનો વરતારો, જામનગર નજીકના આમરા ગામમાં દર વર્ષે અષાઢ માસના પ્રથમ સોમવારે કૂવામાં રોટલો પધરાવી તેની દિશાના આધારે વરસાદનો વરતારો જોવામાં આવે છે. આ દિવસે ગ્રામજનો ગામમાં ઢોલ નગારાની સાથે અને તાલે ઉમટી પડે છે, ગામના સતવારા પરિવારના ઘરે બનેલ બાજરીનો રોટલો, વાણંદના હાથે મંદિર સુધી લઇ જવામાં આવે છે,

કુવા કાઠે આવેલ સતી માતાજી મંદિરે પ્રથમ પૂજા અર્ચના થાય છે, અને ત્યારબાદ ગામના ભમ્મરિયા કૂવામાં ગામના ક્ષત્રિય પરિવારના સભ્યના હાથે કૂવામાં રોટલો પધરાવાય છે. કૂવામાં પડેલા રોટલાની દિશા પરથી વરસાદ કેવો રહેશે ? તેનું અનુમાન કરવામાં આવે છે. આ વખતે રોટલો કુવાની વચ્ચોવચ પડી ઈસાન ખૂણા તરફ ગયો હતો. જે અતિ શુભ સંકેત હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. આ વર્ષ ૧૪ થી ૧૬ આની રહેશે એટલે કે મોડું વાવેતર છતાં પાછતરા વરસાદ સમયે અને સારા રહેશે અને મબલખ પાક ઉતરશે એમ ગ્રામજનોએ આશાવાદ સેવ્યો છે.

 ક્યારથી પડી છે પ્રથા અને કેમ ?

દર વર્ષે અષાઢના પ્રથમ સોમવારે સમસ્ત ગામના લોકો ભેગા મળીને આ પરંપરાને આખરી રૂપ આપે છે. આ વિધિ પૂર્વે મંદિરની પૂજા કરીને ધજા ચઢાવાય છે. સદીઓ પૂર્વે ખેતરે ભાત લઈને જતી એક મહિલાના હાથમાંથી ચોક્કસ સખ્સે રોટલા ઝૂંટવી લીધો હતો જેને લઈને ગામ ઉપર આફત આવી હતી. આફત નિવારણ થઇ ત્યારથી આ કૂવામાં રોટલા પધરાવાઈ છે. ત્યારથી આ રસમ દર વર્ષે ચાલી આવતી હોવાનું ગ્રામજનો કહે છે.

કઈ દિશામાં રોટલો પડે તો સારું વર્ષ ?

જો પૂર્વ અને ઈસાન દિશામાં રોટલો પડે તો સારો વરસાદ થાય અને પશ્ચિમ દિશામાં રોટલો પડે તો ઓછા વરસાદ કે દુષ્કાળની સ્થિતિનું અનુમાન કરવામાં આવે છે. દર વર્ષે માન્યતા સાચી પડતી હોવાની ગામ લોકોને શ્રદ્ધા છે. આ વરસે રોટલાની દિશા સારા વરસાદનું સૂચન કરતી હોઈ અને સાથે પાછોતરો વરસાદ આવશે એમ આમરા ગ્રામજનોએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here