જામનગર : દોઢ માસ પૂર્વે દ્વારકા ખાતે મોરારીબાપુ પર હુમલા પ્રયાસને લઈને પૂર્વ ધારાસભ્ય વિવાદમાં સપડાયા હતા. આ વિવાદ હજુ સમાવાનો નામ ન લેતો હોય તેમ આજે પબુભાના ઘર સુધી કુચ કરવા નીકળેલ ત્રણ યુવાનોને પોલીસે પકડી અટકાયત કરી છે.
તાજેતરમાં મોરારીબાપુ દ્વારા કૃષ્ણ અને તેના વંશજ અંગે કરેલ વિવાદિત કથનને લઈને આહીર સમાજના યુવાનો રોષે ભરાયા હતા. જેને લઈને આ પ્રકરણમાં આહીર સમાજના અગ્રણીયો વચ્ચે રહીને બંને પક્ષે સમાધાનકારી વલણ અપનાવાયુ હતું. આ પ્રકરણનો સુખાંત થાય તે માટે મોરારીબાપુએ દ્વારકા આવી માફી માંગી હતી. બરાબર આ જ વખતે દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક આવી ચડે છે અને મોરારી બાપુ પર હુમલાનો પ્રયાસ કરે છે. જેને લઈને અફડાતફડી મચી જાય છે. આ પ્રકરણ સમગ્ર રાજ્યમાં ફેલાઈ જાય છે અને પબુભા સામે રોષ ફાટી નીકળે છે. સાધુ સમાજ તથા આહીર સમાજ દ્વારા પબુભા માફી માંગે તેવી માંગ કરવામાં આવી છે.
ગત સપ્તાહે શિક્ષણ મંત્રી ચુડાસમા અને ભાજપ પ્રવક્તા પંડ્યા પણ દ્વારકા આવ્યા ત્યારે બંધ બારણે કૈક રંધાઈ ગયાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. આ માહોલ હજુ ગરમ જ છે ત્યાં આ જ વિવાદને લઈને પબુભાના ઘર સુધી જવા નીકળેલ ત્રણ યુવાનોની પોલીસે હર્ષદ-ગાંધવી ખાતે જ અટકાયત કરી લીધી છે. સંજય ચેતરીયા સહિતના યુવાનો પબુભાના ઘર સુધી પહોચી કાળી ઝંડી ફરકાવવાના હતા જો કે વિવાદ વધુ વકરે તે પૂર્વે પોલીસે ત્રણેયની અટકાયત કરી મામલો હાલ તો શાંત પાડ્યો છે. પણ જુનો વિવાદ ફરી સપાટી પર આવ્યો છે.