દ્વારકા: સોનીઓના દાગીના બનાવતો કારીગર ૪૨ લાખના સોના સાથે નાશી ગયો

0
458

દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા ખાતે અઢી દાયકાથી દાગીના બનાવવાનું કામ કરતો અનુભવી બંગાળી કારીગર જુદા જુદા સોનીઓનું આઠસો ગ્રામ સોનું લઇ રફુચક્કર થઇ ગયાની સ્થાનિક પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાઈ છે. સોનીઓ ઉપરાંત એક આસામી પાસેથી હાથ ઉછીતા લીધેલ રૂપિયા પણ પરત ન કર્યા હોવાનું સામે આવ્યું છે. છેલ્લા ત્રણ માસથી આ કારીગર ગાયબ થઇ જતા વેપારીઓએ તેને શોધવાની કોશીસ કર્યા બાદ અંતે ફરિયાદ નોંધાવી છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના યાત્રાધામ દ્વારકામાં રહેતા અને સોની તરીકેનો વ્યવસાય કરતા ક્રિષ્ના જવેલર્સ પેઢી ધારક કૌશિકભાઇ રમેશચંદ્ર ઘઘડાએ બનાવ અંગે સ્થાનિક પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં મૂળ  પશ્ચિમ બંગાળના હુગલી જીલ્લાના હરનાલના અને છેલ્લા ૨૫ વર્ષથી દ્વારકામાં રહી અહીના સોની વેપારીઓના દાગીના બનાવતા આજીમ હાફીઝ મુલ્લાહ નામનો કારીગર ગત ડીસેમ્બર માસથી દ્વારકામાંથી નાશી ગયો છે. આ કારીગરને કૌશિકભાઈ સહિતના દ્વારકાના જુદા જુદા સોની વેપારીઓ સોનાના દાગીના બનાવવા ઘડતર કામ કરવા ૭૯૮.૮૮૫ ગ્રામ સોનું આપ્યું હતું.

બે દાયકાથી અત્રે રહી દાગીના બનાવતા કારીગર પર ભરોષો અને વિશ્વાસ મૂકી વેપારીઓએ કોઈ લખાણ કરાવ્યું ન હતું. વર્ષોથી દાગીના બનાવતો હોવાથી તમામ વેપારીઓનો વિશ્વાસ કેળવી લઇ આજીમ ગત ડીસેમ્બર માસના ગાળામાં અહીના વેપારીઓનું ઉપરોક્ત વજનનું રૂપિયા ૪૧,૯૪,૧૪૬ (એકતાલીશ લાખ, ચોરાણું હજાર, એક સો છેતાલીશ ) તથા કેશુભા માપભાના રોકડા રૂપિયા ૪૫૦૦૦ હાથ ઉછીતા લઇ ગામ છોડી ચાલ્યો ગયો હતો. જેની વેપારીઓએ તપાસ કરાવતા ક્યાય પતો લાગ્યો ન હતો. જેને લઈને તમામ વેપારીઓ વતી કૌશિક ભાઈએ આરોપી સામે ફરિયાદ નોંધાવી છે. જેને લઈને સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here