જામનગર: દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ પંથકમાં છ વર્ષ પૂર્વે થયેલ યુવાન હત્યા પ્રકરણમાં આરોપીને કોર્ટે તકસીરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. રસ્તામાં ચાલવા બાબતે થયેલ ઝઘડામાં મધ્યસ્થી કરાવવા ગયેલ યુવાનની હત્યા નીપજાવવામાં આવી હોવાનું પુરવાર થયું છે.

ભાણવડ તાલુકાના કલ્યાણપુર ગામે રહેતા પ્રવીણભાઈ ગોજીયા અને અન્ય ચાર ખેડૂતોની જમીનને જોડતો ખાનગી રસ્તો આવેલ છે. આ રસ્તો પ્રવીણભાઈની વાડીમાંથી પસાર થતો હતો. આ રસ્તા પરથી ચાલવા અને વાહનો હાંકવા બાબતે પ્રવીણ જેતા ગોજીયાને તેના જ ફૂવા મેરામણ રામા ડાંગર સાથે અવારનવાર બોલાચાલી થતી હતી. દરમિયાન તા.૨૩/૪/૨૦૧૬ના રોજ મેરામણભાઈને પોતાની વીડીમાં બોર કરાવવો હોવાથી કમ્પ્રેસર સહિતના બે વાહનો સાથે નીકળ્યા હતા.

જેને લઈને પ્રવીણભાઈ અને ફૂવા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ સમયે ત્યાં હાજર પ્રવીણભાઈના અન્ય ફૂવાના પુત્ર બાબુભાઈ તેઓને સમજાવવા વચ્ચે પડ્યા હતા. જેને લઈને મેરામણભાઈએ પોતાની પાસે રહેલ છરી વડે હુમલો કરી બાબુભાઈના છાતીના ડાબી બાજુના ભાગે એક ઘા ઝીકી દઈ ગંભીર ઈજાઓ પહોચાડી હતી. આ બનાવ બાદ ઘાયલ યુવાનને સ્થાનિક બાદ જામનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે આ બનાવ અંગે આરોપી મેરામણ સામે હત્યા સબંધિત ફરિયાદ નોંધી જે તે સમયે ધરપકડ કરી, ચાર્જસીટ રજુ કર્યું હતું. આ કેસ સ્થાનીક કોર્ટમાં ચાલી જતા કોર્ટે પુરાવાઓ, સાહેદો અને દસ્તાવેજી પુરાવાઓને આધારે આરોપીને કસુરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.