તહેવારોની હારમાળામાં સૌથી પવિત્ર અને પાવનકારી માનવામાં આવે છે. દિવાળીના તમામ તહેવારોનું મહત્વ ન્યારું છે પણ તેમાં દિવાળીના દિવસને ખૂબ જ પાવનકારી માનવામાં છે. સનાતન ધર્મમાં દિવાળીનું વિશેષ મહત્વ છે. આ જ દિવસે પ્રભુ શ્રીરામ અહંકારી રાવણનો વધ કરી 14 વર્ષનો વનવાસ ભોગવી અયોધ્યા પરત ફર્યા હતા. ભગવાન રામના પુનરાગમનની ખુશીમાં અયોધ્યાવાસીઓએ દીવડાઓ પ્રગટાવી ખુશી મનાવી હતી. એટલા માટે આ દિવસે દીવડાઓ પ્રગટાવવામાં આવે છે. આ પવિત્ર તહેવારને પ્રકાશનો પર્વ પણ કહેવાય છે.
આ પર્વ ઉજવવા પાછળનું એક કારણ ભગવાન રામનું અયોધ્યા પુનરાગમન છે તો બીજું કારણ સત્યની જીત છે. શાસ્ત્રો અનુસાર ગાઢ અંધકારમાં એક નાનકડો દીવો પ્રકાશ પ્રદાન કરી અંધારા પર વિજય મેળવે છે. તેવી જ રીતે મનુષ્યે પોતાના જ્ઞાનરૂપી દિવાને પ્રજ્વલિત કરી આ દુનિયાના અંધકાર પર વિજય મેળવવો જોઈએ. ભગવાન રામે પણ અંધકારનો નાશ કરી પ્રકાશનો વિજય નિશ્ચિત કર્યો હતો. તેથી આ દિવસને દીપાવલી કે દિવાળી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ફટાકડા ફોડવાનું પણ અનેરું મહત્વ છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધીના તમામ લોકો આ દિવસે પોતાના વ્યસ્ત જીવનમાંથી નીકળી આનંદનો લહેકો ઉઠાવે છે. આ ઉપરાંત ગામ, શહેર બધી જગ્યાએ દિવાળી પર દીવા પ્રગટાવવામાં આવે છે.
દિવાળીનો તહેવાર ‘પ્રકાશના પર્વ’ તરીકે જાણીતો છે ત્યારે તેનો સૌથી વધારે આધ્યાત્મિક અર્થ થાય છે, ‘મનના પ્રકાશની જાગૃતિ’. સ્થૂળ શરીર અને મનની પેલે પાર પણ કશુંક છે, જે શુદ્ધ, અનંત અને અવિનાશી છે અને તેને આત્મા કહેવાય છે. આવી વિચારધારા હિંદુ તત્વજ્ઞાનનું કેન્દ્ર છે. આપણે જેવી રીતે આપણા સ્થૂળ જન્મને ઉજવીએ છીએ તેવી રીતે દિપાવલી આંતરિક પ્રકાશનો તહેવાર છે, જેને જાણવાથી અંધકાર પણ પ્રકાશમય બને છે (તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને અજ્ઞાન વિખેરાઈ જાય છે), વ્યક્તિનું પોતાનું સાચુ સ્વરૂપ જાગૃત થાય છે, શરીર તરીકે નહિ, પરંતુ અપરિવર્તનીય, અનંત, વિશ્વવ્યાપી અને ગુણાતીત વાસ્તવિક આત્મા તરીકે.
આત્માની અનુભૂતિ થતાની સાથે જ સમગ્ર સૃષ્ટિ માટે કરુણા, પ્રેમ અને તમામ વસ્તુઓના એકાકારની જાગૃતિ (ઉચ્ચ જ્ઞાન) આવે છે. આનાથી આનંદ (આંતરિક ઉલ્લાસ અને શાંતિ) પ્રાપ્ત થાય છે. દિવાળી ફટાકડા, પ્રકાશ, ફૂલો, મિઠાઈઓ તથા ભક્તિ દ્વારા ઉજવવામાં આવે છે. પ્રદેશે-પ્રદેશે દિવાળીની કથા અલગ છે ત્યારે આ તમામનો સાર એકસરખો છે – આંતરિક પ્રકાશનો આનંદ લેવો (આત્મા) અથવા તમામ વસ્તુઓનું પાયારૂપ સત્ય. આ દિવાળીનું આઘ્યાત્મિ મહત્વ દર્શાવે છે. જેનો ઉલ્લેખ વૈદિક બ્રાહ્મણ ગ્રંથોમાં જોવા મળે છે.