ધ્રોલ: ટેન્કરે વળાંક લેતા કાર પાછળ ઘુસી, દાદા-પૌત્રી સહીત ત્રણના મોત

0
903

જામનગર જીલ્લાના ધ્રોલ નજીક જાયવા ગામ પાસે થયેલ અકસ્માતમાં જામનગરના પટેલ પરિવારના દાદા પૌત્રી સહીત ત્રણ વ્યક્તિઓના મૃત્યુ નીપજયા છે જયારે દંપતી સહીત ચાર સભ્યોને ઈજા પહોચતા હોસ્પિટલ સારવાર આપવામાં આવી રહી છે. જેમાંથી એક મહિલાને રાજકોટ ખસેડવામાં આવ્યા છે. જામનગરમા રહેતો પટેલ પટેલ પરિવાર રાજકોટ ખાતે લગ્ન પ્રસંગ પૂર્ણ કરી પરત જામનગર આવી રહ્યો હતો ત્યારે આગળ જતા એક ટેન્કરે એકાએક ગોલાઈ લેતા પાછળ આવતી હતભાગીઓની કાર ટેન્કર પાછળ ટક્કરાઈ જતા અકસ્માત સર્જાયો હતો.

જામનગરમાં રહેતા ૫૩ વર્ષીય નયનભાઈ દેવરાજભાઈ મોડીયા, તેમના પત્ની નયનાબેન ઉવ ૫૦, પુત્ર રવી, તેમના પત્ની વિધિબેન, તેમના બંને સંતાનો આરવ અને આરવી તેમજ સાસુ મુકતાબેન ગિરધરભાઈ રામોલીયા એક કારમાં સવાર થઇ ગઈ રાત્રે રાજકોટથી જામનગર આવી રહ્યા હતા. ત્યારે રાત્રે સાડા અગ્યારેક વાગ્યે ધ્રોલ નજીક જાયવા પાસે આ પરિવારની કાર આગળ જતું પંજાબ રાજ્યના ટેન્કરના ચાલકે ટેન્કરને એકાએક વળાંક લેવડાવ્યો હતો. જેને લઈને પાછળ આવી રહેલ કાર આ ટેન્કરના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ પડતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર નયનભાઈને માથા સહિતના ભાગે તેમજ મુકતાબેનને ગંભીર ઈજાઓ પહોચતા બંનેને ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા. જયારે મૃતક નયનભાઈના પત્ની નયનાબેન, પુત્ર રવીભાઈ, તેમના પત્ની વિધિબેન અને બંને સંતાનો આરવ અને આરવીને પણ ઈજાઓ પહોચતા પ્રથમ ધ્રોલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ધ્રોલથી પ્રાથમિક સારવાર આપી તમામને જામનગર ખસેડવામાં આવ્યા હતા. જો કે જામનગર પહોચે તે પૂર્વે આરવીએ દમ તોડી દીધો હતો. જયારે ગંભીર રીતે ઘવાયેલ નયનાબેનને રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.

રાજકોટમાં રહેતા મૃતક નયનભાઈના સાઢુભાઇ બીપીનભાઈ વાલજીભાઈ દેપાણીની પુત્રીના લગ્ન પ્રસંગમાં સહભાગી થવા પરિવાર જામનગરથી રાજકોટ ગયો હતો. લગ્નમાં હાજરી આપી આ પરિવાર રાત્રે જામનગર પરત ફરી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધી છે. આ બનાવના પગલે પટેલ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here