જામનગર અપડેટ્સ : જામનગર જીલ્લાના તાલુકા મથકે ત્રિકમવાસ વિસ્તારમાં રહેતા અને વકિલ તરીકેનો વ્યવસાય કરતા એક યુવાને ગળાફાસો ખાઇ આપઘાત કરી લેતા પરિવામાં શોકનું મોજુ ફરી વળ્યું છે.છેલ્લા આઠ માસથી કોરોના ગ્રહણના કારણે વકિલ તરીકેનો વ્યવસાય બરાબર ચાલતો ન હોવાથી અને રૂપિયાની આવક થતી ન હોવાથી વકિલે આ પગલુ ભરી લીધુ હોવાનું પોલીસમાં જાહેર થયું છે. આ બનાવના પગલે વકિલ લોબીમાં પણ ગમગીની છવાઇ ગઇ છે.

ધ્રોલ તાલુકા મથકે આપઘાત વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં અહીં ત્રિકમવાસમાં રહેતા અને વકિલ તરીકેનો વ્યવસાય કરતા પ્રકાશભાઇ લાલજીભાઇ ખીમસુરીયાએ ગઇકાલે બપોરે એકાદ વાગ્યાના સુમારે પોતાના ઘરે ગળાફાસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મૃતકના મોટાભાઇએ સ્થાનિક પોલીસને જાણ કરી હતી. જેને લઇને એએસઆઇ એમ.પી.મોરી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતકનો કબ્જો સંભાળ્યો હતો. મૃતકના ભાઇ મુળજીભાઇએ પોલીસમા નોંધાયેલા નિવેદન મુજબ, વકિલાતનો વ્યવસાય કરતા મૃતકનો છેલ્લા આઠ માસથી ધંધો સારો ચાલતો ન હોય અને રૂપિયાની તકલીફ રહેતી હોવાથી તેઓ સતત ગુમસુમ અને ચિંતાગ્રસ્ત રહેતા હતા. આ ચિંતાના કારણે પોતાના હાથ પંખા સાથે ગળાફાસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી હતી. પોલીસે આ નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.