કરંટ ટોપિક : રાજ્યના પ્રથમ એવા જામનગરના ડીસેલીનેશન પ્લાનની શું છે સ્થિતિ ? જાણીને થશે આશ્ચર્ય

0
328

જામનગર અપડેટ્સ : આજે કચ્છ જીલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૧૦૦ એમ.એલ.ડી.ની ક્ષમતાવાળા ડીસેલીનેશન પ્લાનનું ખાતમુહૂર્ત થયું છે. ભવિષ્યને નજર સામે રાખીએ તો આ પ્રોજેક્ટ ખુબજ સારો છે. આશા રાખીએ કે નિશ્ચિત સમયમાં પ્લાન શરુ થઇ જાય અને પાણીની અછત વાળો કચ્છ જીલ્લો પાણીદાર બને, અહી પ્રાસંગિકતા એ છે કે જામનગરમાં બે વર્ષ પૂર્વે આવા જ એક પ્લાનનું ખાત મુર્હુત કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૨૧-૨૨માં આ પ્લાન કાર્યરત થઇ જાય એવું આયોજન પણ કરવામાં આવ્યુ, ટેન્ડર પ્રક્રિયા બાદ પાર્ટીએ ટૂંકું કામ પણ શરુ કર્યું, પણ આજે હાલત કઈક જુદી છે.

અન્ય જિલ્લાઓની સાંપેક્ષમાં વિશાળ દરિયા કિનારો ધરાવતા જામનગર જીલ્લા સહિત સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પાણીની સમસ્યા રહેતી આવી છે. એમાય નબળા ચોમાસા વખતે શહેરો અને ગામડાઓમાં પીવાના પાણીની મ્હોકાણ સર્જાય છે. આવી સ્થિતિ સામે સરકારે જોડિયા પાસેના દરિયા કિનારે દરિયાઈ પાણીને પીવાના પાણીમાં રૂપાંતરિત કરતો ૧૦૦ એમએલડીની ક્ષમતા વાળા ડિસેલીનેશન પ્લાન્ટ બનાવવાની જાહેરાત કરી હતી.  પ્રથમ વખત મુખ્ય મંત્રી  આનંદીબેન પટેલે આ પ્રાંતનું ખાતમુર્હુત કર્યું હતું. ત્યારબાદ કામ શરુ જ ન થયું.

આનંદીબેન બાદ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની આગેવાની હેઠળ સરકારે મલ્ટીનેશનલ કંપની સાથે રૂપિયા ૩૦૦ કરોડમાં એમઓયું કર્યું, ત્યારબાદ વર્ષ ૨૦૧૯માં વડાપ્રધાન મોદીના હસ્તે જામનગર ખાતેથી ડિસેલીનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરાયું હતું. ભૂમિપૂજન બાદ વિદેશી કંપનીએ નામ માત્ર દિવસો અહી કામ કર્યું અને પછી કામ પડતું મુક્યું, જેને લઈને સરકારના બહુ આયામી આ પ્રોજેક્ટને વર્ષ ૨૦૨૧-૨૨માં લોકાર્પણ કરી દેવાનું નક્કી કરાયું હતું તે પ્રોજેક્ટ જ અદ્ધરતાલ થઇ ગયો છે.

દરરોજ દરિયાના ૧૦ કરોડ લીટર પાણીને સુધ્ધ કરી હીરાપર પર પહોચતું કરી, અહીથી રાજકોટ અને જામનગર શહેરને પીવાનું પાણી પૂરું પાડવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો આ ઉપરાંત મોરબી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારને પણ આ પ્રોજેક્ટ અંતર્ગત વણી લેવામાં આવ્યા હતા. પરંતુ જે તે પેઢીએ જ કામ બંધ કરી ઉચાળા ભરી લેતા હાલ પ્રોજેક્ટ બંધ પડ્યો છે. જામનગર પાણી પુરવઠા બોર્ડના સતાવાર સુત્રોનું માનવામાં આવે તો હવે આ કામ માટે નવેસરથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પણ આ પ્રક્રિયા ક્યારે થશે અને કેવી રીતે થશે એનો જવાબ તો ખુદ પાણી પુરવઠા બોર્ડ પાસે પણ નથી. ત્યારે આશા રાખીએ કચ્છનો પ્રોજેક્ટ નિયત સમયે શરુ થઇ જાય અને લોકભોગ્ય બને. (તમામ તસ્વીર પ્રતીકાત્મક છે )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here