ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાનને હવે માત્ર ગણત્રીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ૭૯- જામનગર (દક્ષિણ) વિધાનસભા બેઠકના યુવા નેતા અને કોંગ્રેસના ઉમેદવાર મનોજભાઈ કથીરીયા (પટેલ) દ્વારા તેમના મતક્ષેત્રના વિવિધ વિસ્તારોમાં ઝંઝાવાતી લોક સંપર્ક કરી પ્રચાર વેગવંતો બનાવવામાં આવ્યો છે.મનોજભાઈ કથીરીયા (પટેલ) સાથે કોંગ્રેસના શહેર પ્રમુખ દિગુભા જાડેજા, મનોજભાઈ ચોવટીયા, વિપક્ષના નેતા આનંદભાઈ રાઠોડ, પાર્થભાઈ પટેલ, મહિલા પ્રમુખ રંજનબેન ગજેરા તેમજ ગુજરાત કિશાન કોંગ્રેસના પ્રમુખ અને લડાયક નેતા પાલભાઈ આંબલીયા, કાર્યકરોએ વિવિધ વિસ્તારોમાં ફરીને આઝાદીની લડત, આઝાદી પછી કોંગ્રેસના શાસનમાં દેશમાં થયેલા વિકાસ કામો સાથે ‘કોંગ્રેસનું કામ બોલે છે’ સુત્રની વિગતો વર્ણવી હતી.

આ ઉપરાંત ગુજરાત તથા કેન્દ્રમાં હાલના ભાજપના શાસનમાં ગરીબ અને મધ્યમવર્ગની પ્રજા અનેક સમસ્યાઓથી પીડાઈ રહી છે ત્યારે ભાજપને જાકારો આપી રાજ્યમાં સત્તા પરિવર્તન કરી કોંગ્રેસને સત્તા સોંપવા અપીલ કરી હતી. ગેસના બાટલાના ૧૧૦૦ રૃપીયા, પેટ્રોલ-ડીઝલ અતિ મોંઘા, શિક્ષણ અને સારવાર મોંઘા, બેરોજગારી, વેપાર-ધંધામાં મુશ્કેલી વગેરેના કારણે ગુજરાતની પ્રજા અત્યંત ત્રાસી ગઈ છે અને આ વખતની ચૂંટણીમાં લોકોને આ આક્રોશ તેમના અમૂલ્ય મતના હથિયારથી સત્તા પર ચીટકી રહેલી ભાજપ સરકારને ઘરભેગી કરવા કોઈપણ જાતની લાલચ કે શરમ કે દબાણને વશ થયા વગર મતદાન કરવા સૌને સમજાવવામાં આવ્યા હતાં.

મનોજભાઈ કથીરીયા (પટેલ)ના શાંત અને મુદ્દાઓની ચોટદાર સમજાવટથી તેમને ચોમેર તમામ વર્ગના લોકો તરફથી ખૂબ જ સારો આવકાર મળ્યો હતો. ઠેર-ઠેર તેમનું લોકોએ સ્વાગત કરી તેમના વિજય માટે શુભેચ્છા આપી હતી.
કોંગ્રેસના ઉમેદવારના પ્રચારાર્થે ઉમેદવાર મનોજભાઈ તથા આગેવાનોના કાફલાએ શહેરના જકાતનાકા વિસ્તાર, ગોકુલનગર, ગ્રીન સીટી, દિગ્વિજય પ્લોટ અને બાર નંબરના વોર્ડ વિસ્તારોમાં સઘન લોકસંપર્ક કર્યાે હતો.