જામનગર અપડેટ્સ : તમારું ખાતું રાષ્ટ્રીયકૃત બેંકમાં છે એટલે સલામત છે એમ ન સમજતા, કારણ કે, દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ ખાતે આવેલ બીઓઆઈ બેંકના બે ખાતેદારોના ધ્યાન બહાર જ તેઓના ખાતામાંથી લાખો રૂપિયા ઉપડી ગયા છે. લાંબા સમયથી સ્થાઈ પડેલ બે ખાતાને ટાર્ગેટ કરી બેંકના પૂર્વ કર્મચારીએ ખાતેદારની જાણ બહાર જ એટીએમ મેળવી લઇ સાડા સાત લાખ ઉપરાંતની રોકડ ઉપાડી લીધી હોવાનું સામે આવ્યું છે. એક ખાતેદારે પાસબુકમાં એન્ટ્રી કરાવતા સમગ્ર પ્રકરણ બહાર આવ્યું છે.
ભાણવડ ખાતે આવેલ બેંક ઓફ ઇન્ડિયાની મેઈન બ્રાંચમાંથી તા. ૦૮/૦૪/૨૦૨૦ થી ૧૦/૦૭/૨૦૨૧ ગાળા દરમિયાન ખાતેદાર સરલાબેન હીરજીભાઈ કટેસીયા અને તેની પુત્રી ભારતીના નામના સયુંકત ખાતામાંથી રૂપિયા ૩,૬૦,૬૧૩ અને બીજા ખાતા ધારક દાનાભાઇ ભોજાભાઇ ખીટ રહે. ભેનકવડ વાળા ના ખાતામાંથી પણ રૂપિયા સરખા પ્રક્રીયાથી રૂપિયા ૪,૧૯૦૦૦ની રકમ ઉપડી ગઈ હતી. સરલાબેનની પુત્રીએ બેંક પાસબુકમાં એન્ટ્રી કરાવી ત્યારે ખાતામાંથી ખાસ્સી રકમ ઉપડી હોવાની વિગતો સામે આવતા તેઓએ બેંક મેનેજરનો સંપર્ક કરી અરજી આપી હતી. જેના આધારે બેંક મેનેજર ધર્મપાલ હીરાલાલ પુનીયાએ તપાસ કરાવી હતી. જેમાં સરલાબેનના બેંક ખાતામાં એટીએમની અરજી કરવામાં ન આવી હોવા છતાં એટીએમ ઇસ્યુ કરી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. આ જ પ્રક્રિયા દાનાંભાઈના ખાતામાં પણ થઇ હતી. કોઈ બેંક કર્મચારીએ જ આ છેતરપીંડી આચરી હોવાની શંકા પ્રબળ બની હતી. જેને લઈને મેનેજર દ્વારા તપાસ કરાવવામાં આવતા તાજેતરમાં જ બદલી પામેલ બેંક કર્મચારી મનિષકુમાર મીણાએ અન્ય બેંક કર્મીઓ ગૌતમભાઇ વાધેલા તથા મીથુનકુમાર ગુપ્તાના કોમ્પ્યુટર આઇ.ડી. ઉપર પોતે પોતાની ઓળખ છુપાવી ખોટુ રૂપ ધારણ કરી, પોતે તેઓની લોગીન આઇ.ડી.મા કામ કરવા બેંકના નિયમ મુજબ બંધાયેલા ન હોવા છતા તેઓના આઇ.ડી.માથી સરલાબેન તથા ભારતીબેનનુ ડોરમેન્ટ ખાતુ એક્ટીવ કરી, સરલાબેન તથા ભારતીબેન દ્વારા એ.ટી.એમ. મેળવવા બાબતે કોઇ અરજી કરેલ ન હોવા છતા મનીષભાઇ મીણાએ એ.ટી.એમ. મેળવવા માટે પોતે ઇલેકટ્રોનીક્સ માધ્યમથી ખોટુ રેકર્ડ (દસ્તાવેજ) બનાવી અરજી કરી, એટીએમ મેળવી લીધું હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ તેઓએ જુદી જુદી જગ્યાએથી એટીએમમાંથી નાણાની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું હતું. જયારે બીજા ખાતા ધારક દાનાભાઇ ભોજાભાઇ ખીટ રહે. ભેનકવડ વાળા ના ખાતા માથી પણ સરખા પ્રક્રીયાથી જે તે વખતેના બેંક મેનેજર સંદીપ પેંડનેકરના કોમ્પ્યુટર આઇ.ડી. ખાતા માથી, તેની જાણ બહાર એન્ટ્રી કરી, આ એન્ટ્રી એગ્રીકલ્ચર ઓફીસર જીતેન્દ્રકુમારના કોમ્પ્યુટર આઇ.ડી. ખાતા માથી તેની જાણ બહાર વેરીફાઇ કરી, એ.ટી.એમ. ઇશ્યુ કરી, ખાતુ ભાવનગર ટ્રાન્સ્ફર કરી કુલ રૂપીયા ૪,૧૯,૦૦૦ની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું હતું. જે દીવસે આ પ્રક્રિયા કરવામાં આવી તે દિવસના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવતા આરોપી મીણાની છેતરપીંડી સામે આવી હતી. આરોપી જુદા જુદા કોમ્યુટર પર પ્રક્રિયા કરતો નજરે ચડ્યો હતો. બેંક દ્વારા હાલ બંને ખાતા ફ્રીજ કરી દેતા વધુ છેતરપીંડી અટકી છે. બંને ખાતામાંથી રૂપિયા ૭.૮૦ લાખની છેતરપીંડી કરવામાં આવી છે. બેંક મેનેજર પુનિયાએ સીસીટીવીના ફૂટેજ સહિતના પુરાવાઓ પોલીસને આપી આરોપી મીના સામે ફરિયાદ નોંધાવી છે. જેને લઈને સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે.