પૂરપ્રકોપ : ૨૫૦ ગામોમાં પાક ધોવાયો, ૭૪૯૫ કુટુંબો પ્રભાવિત, જાણો નુકશાનીનો સર્વે રીપોર્ટ

0
1353

જામનગર અપડેટ્સ : જામનગર જિલ્લામાં આવેલ પુર હોનારતના પગલે વ્યાપક નુકશાની થવા પામી છે. જીલ્લાના તમામ તાલુકાઓને ભારે વરસાદે ઘમરોળ્યા છે. જેમાં સૌથી વધુ કાલાવડ અને જામનગર વચ્ચેના ગ્રામ્ય વિસ્તારોમાં બહોળી નુકશાની થઇ છે. સરકાર દ્વારા છ જિલ્લાની ૧૫૪ ટીમ દ્વારા કરવામાં આવેલ ગ્રામ્ય સર્વેમાં કુલ ૯૨ ગામને અસરગ્રસ્ત જાહેર કરી તાગ મેળવાયો છે. માનવ મૃત્યુ, મકાન-ઘરવખરી અને પશુધન નુકશાનીના કરાયેલ સર્વે બાદ ડીઝાસ્ટર પેકેજ પેટે રૂપિયા ૪.૮૫ કરોડ કેશ ડોલ્સ પેટે સહાય કરી છે. જયારે જમીન અને ખેતીના પાકને થયેલ નુકશાનીના સર્વે બાદ સહાય ચુકવવામાં આવશે.

જામનગર જીલ્લામાં તા. ૧૨ અને ૧૩ના રોજ થયેલ અતિ ભારે વરસાદના પગલે ભારે પુર વછુટ્યા હતા. કાલાવાડ, ધ્રોલ-જોડિયા, જામનગર, જામજોધપુર અને લાલપુર પંથકમાં અતિ ભારે વરસાદ પડ્યો, ચોતરફ પાણી પાણી થઇ ગયું હતું. જીલ્લાવાસીઓ મીઠી નિંદરમાંથી ઉઠે તે પૂર્વે કાલાવડ અને જામનગરના ગ્રામ્ય વિસ્તારોને ઘસમસતા પૂરે ઘેરી લીધા હતા. કાલાવડ પંથકથી શરુ થયેલ તબાહીનો માહોલ બાંગા, ધુતારપર, ધુડશીયા, ખંઢેરા, બાંગા, કૃષ્ણપુર, રામપર, મોટી બાણુગર, ખીમરાણા, બાળા, નેવી મોડા, અલીયા, ધુવાવ, મોડા, બેરાજા, પસાયા, સપડા, વાગડિયા, નાઘુના તથા કૌંજા, નારણપર સહિતના નીચાણ વાળા વિસ્તારોમાં ઘોડાપૂરે તબાહી  વેરી હતી. અનેક ગામમાંથી નાગરિકોના એર રેસ્ક્યુ કરાયા અનેક ગામથી લોકોનું રેસ્ક્યુ કરી  સ્થળાંતર કરાયું હતું. જિલ્લાના અનેક ગામડાઓમાં દસકાઓ સુધી ન ભરપાઈ થઇ શકે તેવી તારાજી સર્જાઈ હતી.

વ્યાપક તારાજીને પગલે સરકાર તુરંત એક્શનમાં આવી હતી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલે જિલ્લાની મુલાકાત લઇ સહાયનો વાયદો કરી તાત્કાલિક સર્વેના આદેશ કર્યા હતા. જેને લઈને વહીવટી પ્રસાસન દ્વારા ભાવનગર, બોટાદ,  મોરબી, પોરબંદર, દેવભૂમિ દ્વારકા સહિતના છ જીલ્લાઓમાંથી કર્મચારીઓ  બોલાવી જુદી જુદી ૧૫૪ ટીમો બનાવી સર્વે હાથ ધર્યો હતો. પાંચ દિવસમાં જ આ ટીમોએ સર્વે પૂર્ણ કરી રીપોર્ટ જમા કરાવ્યો હતો.

જીલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલના જણાવ્યા અનુસાર, જિલ્લામાં ૧૫૪ સર્વે ટીમ દ્વારા નુકશાનીનું આકલન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાના છ તાલુકાઓના ૯૨ ગામના ૭૪૯૫ કુટુંબ પુર પ્રભાવિત બન્યા છે. આ તમામ કુટુંબોને ઘર વખરી અને કપડા સહાય પેટે રૂપિયા ૨.૯૪ કરોડની રકમ ચૂકતે કરવામાં આવી છે.  જયારે અસરગ્રસ્ત ૩૧૩૩૨ લોકોને કેશ ડોલ્સની રકમ તેના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવી છે. પુર હોનારતમાં જિલ્લામાં કુલ ૪૫૭ પશુઓના મૃત્યુ થયા છે જે પેટે પશુ ધારકોને રૂપિયા ૪૩,૨૫,૭૫૦ની રકમ સહાય પેટે ચૂકવી દેવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લાના ૪૫૬ કાચા પાકા મકાનને નુકશાની પહોચી છે. ગ્રામ્ય વિસ્તારમાં કરાયેલ સર્વે બાદ સરકાર દ્વારા ડીઝાસ્ટર પેકેજ રૂપે એક જ સપ્તાહમાં રૂપિયા ૪.૮૫ કરોડ જે તે અસરગ્રસ્તોને ચૂકતે કરવામાં આવ્યા છે. બીજી તરફ જીલ્લાના ૨૫૦ ગામોમાં ખેતીના પાક અને જમીનને નુકસાન પહોચ્યું છે. હાલ જીલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે ચાલુ છે જે બુધવાર સુધીમાં પૂર્ણ થઇ જશે એમ જિલ્લા વિકાસ અધીકારીએ ઉમેર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here