જામનગર : જામનગરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી હકુભાના ભાઈ રાજભા પર આજે ખંભાલીયા નજીક હિચકારો હુમલો થયો છે. ખંભાલીયા નજીક નયારા કંપની પાસે અમુક સખ્સોએ કરેલ હુમલામાં હકુભાના ભાઈને માથાના ભાગે ઈજાઓ પહોચી છે. જયારે સામે પક્ષે પણ બે-ત્રણ વ્યક્તિઓને ઈજાઓ પહોચતા જામનગર ખસેડવામાં આવ્યા છે. રાજભાને પ્રાથમિક સારવાર ખાનગી હોસ્પિટલમાં આપી ભય મુક્ત જાહેર કરાયા છે. આ બનાવના પગલે શહેર ભાજપ સંગઠન અને ભાજપાના નગરસેવકો સહીત જામનગરના અગ્રણીયો હોસ્પિટલ પહોચી રાજભાના હાવભાવ પૂછ્યા હતા.

જામનગરમાં ચકચાર જગાવનાર બનાવની વિગત મુજબ જામનગરમાં રહેતા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના ભાઈ રાજભા મેરૂભા જાડેજા ઉવ ૫૬ આજે જામનગરથી ખંભાલીયા નજીક પોતાના વ્યવસાય અર્થે ગયા હતા. દરમિયાન નયારા કંપની નજીક સીંગચ ગામના અમુક સખ્સો હથિયારો સાથે આવી ચડ્યા હતા અને પ્રથમ બોલાચાલી કરી ત્યારબાદ બોથડ પદાર્થો વડે હુમલો કર્યો હતો. જેને લઈને રાજભા અને તેની સાથે રહેલ અન્યોએ પણ પ્રતિકાર રૂપે બાથમબાથી કરી હતી. આ હુમલામાં રાજભાને માથા સહિતના શરીરના ભાગે ઈજાઓ પહોચી હતી. જયારે સામા પક્ષે પણ બે વ્યક્તિઓને ઈજા પહોચી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવના પગલે ઘાયલોને તાત્કાલિક જામનગર ખસેડવામાં આવ્યા હતા.
પૂર્વ મંત્રી અને જામનગરના ધારાસભ્ય હકુભાના ભાઈ પર હુમલો થયો હોવાની જાણ થતા હકુભાના પુત્ર જગદીશસિંહ, ભાઈ મયુરસિંહ અને પીએ પ્રવીણસિંહ સહિતનાઓ તાત્કાલિક રૂપારેલીયા હોસ્પિટલ પહોચી ગયા હતા. જ્યાં ખાનગી વાહનમાં જામનગર આવેલ રાજભાને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. આ બનાવના પગલે શહેર ભાજપ પ્રમુખ વીમલભાઈ કગથરા, પૂર્વ પ્રમુખ હસમુખ હિન્ડોચા તેમજ મહામંત્રી પ્રકાશ બાંભણીયા અને ભાજપના નગરસેવકો તેમજ રાજપુત સમાજના અગ્રણીયો હોસ્પિટલ પહોચ્યા હતા અને ઘાયલ રાજભાના હાવભાવ પૂછ્યા હતા. આ બનાવના પગલે જામનગર સીટી બી ડીવીજન પોલીસનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોચ્યો હતો. બીજી તરફ સામે પક્ષે ઘવાયેલ અન્ય બે વ્યક્તિઓને જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. જૂની અદાવત કે ધંધાના મનદુઃખને લઈને ધારાસભ્યના ભાઈ પર હુમલો કરવામાં આવ્યો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. પોલીસે બંને પક્ષે નિવેદન નોંધવા સહિતની આગળની કાર્યવાહી શરુ કરી હતી. આ બનાવના પગલે ગુરુદ્વાર સર્કલ પર આવેલ રૂપારેલીયાની હોસ્પિટલ બહાર લોકોના ટોળા એકત્ર થયા હતા.