વીજળીથી બચવા આટલું તો કરી જ શકીએ …આ છે ઉપાયો

0
723

જામનગર : હાલમાં વર્ષાઋતુમાં જામનગર જિલ્લામાં વીજળી પડવાને કારણે તથા પાણીના પ્રવાહમાં તણાવાના કારણે માનવ-પશુ મૃત્યુના બનાવ બનવા પામેલ છે, તો આ અંગે આકાશીય વીજળીથી સુરક્ષિત રહેવાના પગલાંઓ જેવા કે, જ્યારે ઘરની અંદર હોવ ત્યારે વીજળીથી ચાલતા ઉપકરણોથી દુર રહેવું, તારથી ચાલતા ફોનનો ઉપયોગ ન કરવો, બારી-બારણા અને છતથી દુર રહેવું, વીજળીના વાહક બને તેવી કોઇપણ ચીજવસ્તુથી દુર રહેવું, ધાતુથી બનેલા પાઈપ, નળ, ફુવારો,વોશબેસીન વગેરેના સંપર્કથી દુર રહેવું, આકાશીય વીજળી સમયે જો ઘરની બહાર હોવ તો ઊંચા વૃક્ષો વીજળીને આકર્ષે છેજેથી તેનો આશરો લેવાનું ટાળો,આસપાસ ઊંચા માળખા ધરાવતા વિસ્તારમાં આશરો લેવાનું ટાળો અને ટોળામાં રહેવાને બદલે છૂટાછવાયા વિખરાઈ જાઓ, મકાનો આશ્રય માટે ઉત્તમ ગણાય. મુસાફરી કરતા હોવ તો વાહનમાં જ રહો, મજબૂત છતવાળા વાહનમાં રહો.

ધાતુની વસ્તુનો બહાર ઉપયોગ ન કરો, ધાતુની વસ્તુઓ જેવી કે બાઈક, ઈલેક્ટ્રીક કે ટેલીફોનના થાંભલા, તારની વાડ, મશીનરી વગેરેથી દૂર રહો. પાણી વીજળીને આકર્ષે છે, તેથી પુલ, તળાવો અને જળાશયોથી દુર રહો,  પાણીમાં હોવ તો બહાર આવી જાવ. તમારા માથાના વાળ ઉભા થઈ જાય, ચામડીમાં ઝણઝણાટ થાય ત્યારે તાત્કાલિક નીચા નમીને કાન ઢાંકી દેવા, કારણ કે તમારી આસપાસ વીજળી ત્રાટકવા ઉપર છે તેમ સમજવું અને જમીન પર સૂવું નહીં અથવા તો જમીન પર હાથ ટેકવવા નહીં. આકાશીય વીજળીનો ઝટકો લાગે તો વીજળીનો આંચકો લાગેલ વ્યક્તિને જરૂર જણાય તો સીપીઆર એટલે કે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવો જોઈએ અને તાત્કાલિક પ્રાથમિક તબીબી સારવાર આપવી જોઇએ. વીજળીની સલામતી માર્ગદર્શિકા એ ૩૦-૩૦નો નિયમ છે, વીજળી જોયા પછી ૩૦ની ગણતરી શરૂ કરવી, જો તમે ૩૦ની પહોંચતા પહેલા ગાજવીજ સાંભળશો, તો ઘરની અંદર જાઓ. ગર્જનાના છેલ્લા તાળા પછી ઓછામાં ઓછા ૩૦મિનિટ પ્રવૃત્તિઓ સ્થગિત કરો. ઈલેક્ટ્રીક વીજ ઉપકરણોને નુકસાન ન થાય તે માટે હંમેશા કામની સ્થિતિમાં અર્થીંગ રાખો. હાલની ઋતુમાં લોકો આ જાગૃતિના પગલાં લઇ જીવન સુરક્ષિત બનાવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here