જામનગર :રાજ્ય સરકાર ના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઉજવવામાં આવી રહેલ મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન દ્વારા દસમા દિવસે મહિલા બાળ પોષણ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગ રૂપે ગુજરાતના દરેક જિલ્લામાંથી ગામડાની મહિલાઓ વેબિનારના માધ્યમથી જોડવામાં આવી હતી. જેમાં જામનગર સિટીમાં બાલાજી પાર્ક અને નાઘેડી ગામ ખાતે જઈ ત્યાંની મહિલાઓને પ્રોગ્રામમાં જોડવામાં આવી હતી.
આ પ્રસંગે રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી વિભાવારીબેન દવે દ્વારા મહિલાઓ પોતાના અને બાળકોના પોષણ બાબતે વિશેષ માર્ગદર્શન આપેલ હતું. સાથે સાથે સામાજિક, વ્યાવસાયિક,શૈક્ષણિક વગેરે ક્ષેત્રે મહિલાઓ અગ્રેસર રહે તે માટેની રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી વિવિધ મહિલાલક્ષી યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈન સેવા ગુજરાતની મહિલાઓ માટે આશીર્વાદ રૂપ ગણાવી મહિલા હેલ્પ લાઈન સેવાના કાઉન્સિલરોની કામગીરીને બિરદાવી હતી.
આજ ના દિવસે અન્ય એક વેબીનારનું પણ આયોજન ૧૮૧ મહિલા હેલ્પ લાઈન દ્વારા કરવામાં આવેલ હતું તેમાં ૧૮૧ સેવા ના કાઉન્સેલર, પોલીસ સ્ટાફ અને અન્ય ગામડાની મહિલાઓને જોડવામાં આવેલ જેમાં ગુજરાતના બેટી બચાઓ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર અને એશિયન ગેમ્સ ૨૦૧૮ના સુવર્ણ ચંદ્રક વિજેતા કુમારી સરિતાબેન ગાયકવાડ દ્વારા પોષણના મહત્વ બાબતે અને શરીરની ફિટનેસ માટે રોજિંદા ખોરાક અને કસરત પર વિશેષ માર્ગદર્શન આપેલ હતું અને ડાંગ જિલ્લાના નાના ગામડામાંથી અત્યાર સુધીની પોતાની સફર જણાવી દરેક મહિલાઓ ને આગળ વધવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.