જામનગર : વરુણદેવ તમારે ભરોશે ખેલ્યો છે જુગાર

0
627

જામનગર : જામનગર જીલ્લામાં સોમવારે બે તાલુકામાં વરસાદ વરસ્યો છે. ગઈ કાલે ધ્રોલ, કાલાવડ અને જામજોધપુર તેમજ જામનગર પંથકમાં વરસાદ પડ્યો હતો. મેઘરાજાએ આ જ સવારી સોમવારે પણ આગળ ધપાવી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ કાલાવડ અને જામજોધપુર અને લાલપુર પંથકમાં બપોર બાદ આભ ગોરંભાયું હતું. સમગ્ર દિવસ દરમિયાન કાલાવડ તાલુકા મથકે ૪૪ એમએમ વરસાદ વરસ્યો હતો. જયારે તાલુકાના મુળીલા ગામે પડેલા વરસાદને લઈને કોઝ વે બે કાઠે આવતા રસ્તો બંધ થઇ ગયો હતો. મુળીલા ઉપરાંત નપાણીયા ખીજડીયા, બામણગામ, ખરેડી, રીનારી અને બાલંભડી તેમજ અરલા સહિતના ગામોમાં એક થી બે ઇંચ વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. જયારે જામજોધપુર તાલુકા મથકે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ સાંજે છ વાગ્યાથી આઠ વાગ્યા દરમિયાન પોણા બે ઇંચ વરસાદ પડી જતા પાણી પાણી થઇ ગયું હતું અને સાંજે જ બજારો બંધ થઇ ગઈ હતી. બીજી તરફ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ અડધાથી બે ઇંચ વરસાદ વરસ્યો  હોવાનું જાણવા મળ્યું હતું. જયારે રાત્રે આઠથી દસ દરમિયાન લાલપુર તાલુકા મથકમાં બે ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો. જીલ્લા ફલડ કંટ્રોલના આકડા મુજબ લાલપુરમાં બે કલાકમાં ૪૪ મીમી વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત જામજોધપુર, કાલાવડ અને લાલપુર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ થયો હતો. જેમાં કાલાવડ તાલુકાના નીકાવામાં ૨૫ એમએમ, ખરેડીમાં ૫, મોટા પાંચ દેવડામાં ૫ જ્યારે મોટા વડાળામાં ૬૦ એમએમ વરસાદ નોંધાયો છે. જામજોધપુર તાલુકાના સમાણામાં ૪, શેઠવડાળા, ધુનડામાં ઝાપટા જ્યારે જામવાડીમાં એક, વાંસ જાળીયામાં દોઢ, અને ધ્રાફામાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. જોડિયા તાલુકાના પીઠળમાં પણ અડધો ઇંચ વરસાદ થયો છે. જયારે લાલપુર તાલુકાના મોટાખડબામાં એક (૨૬ એમએમ), મોડપરમાં સવા ઇંચ (૩૧ એમએમ) જ્યારે ડબાસંગમાં સવા બે ઇંચ(૫૩ એમએમ) વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસતા નદી-નાળામાં નવા નીરની આવક થઇ હતી. જ્યારે રસ્તા ઉપરથી પાણી વહેતા થયા હતા. સારા વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ હતી. કેટલાક ગામોમાં ધરતીપુત્રોએ વાવણી કામ પણ શરૂ કરી દીધું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here