જોડિયા: કેશિયા ગામના યુવાનને લુંટેરી દુલ્હન છેતરી ગઈ

0
843

જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના કેશીયા ગામના લગ્નવાંછુ યુવાનને ભટકી ગયેલ લુટેરી દુલ્હન અને તેના પરિવાર સહિતની ટોળકીએ અઢી લાખમાં નવડાવી દીધો હોવાની ફરિયાદ સામે આવી છે. લુંટેરી દુલ્હનના માતા અને મળતિયાઓએ લગ્ન પૂર્વે જ કેશીયાના પરિવાર પાસેથી ૨.૩૫ લાખની રકમ પડાવી લીધી હોવાની વિગતો જાહેર થઇ છે. લગ્નના છઠ્ઠા દિવસની રાત્રે લુંટેરી દુલ્હન દુલ્હા અને પરિવારને સુતેલ છોડી નાશી ગયા બાદ સ્થાનિક પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

 જોડિયા તાલુકાના  કેશીયા ગામનો પટેલ પરિવાર લુંટેરી દુલ્હનનો ભોગ બની ગયો છે. ખેતી કામ કરતા વિપુલભાઈ ટપુભાઈ જાકાસણીયાએ તેના પરિવાર અને મોટાભાઈના સસરા સહિતનાઓ દ્વારા પોતાની સગાઈ-લગ્નની વાત જુનાગઢ ખાતે રહેતી મધુબેન કોળીની છોકરી રાધિકા સાથે ચલાવી હતી.  બંને પરિવારનાઓએ એકબીજાને પસંદ કરી વાત લગ્ન સુધી લઇ ગયા હતા. જેમાં છોકરીના પરિવારજનોએ લગ્ન માટે રૂપિયા અઢી લાખ આપવાની વાત કરી હતી. જેને લઈને કેશિયાનો પરિવાર સહમત થયો હતો. ગત તા.૮/૩/૨૨ના રોજ જુનાગઢથી મધુબેન કોળી તેની મોટી પુત્રી, જમાઈ અને પુત્રી રાધિકા સાથે અહી આવી, વિપુલ અને રાધિકાના ફૂલહાર પહેરાવી લગ્ન કરાવ્યા હતા અને પટેલ પરિવાર રૂપિયા બે લાખ પત્રીશ હજાર આપ્યા હતા.  બાદમાં તા. ૧૦મીના રોજ વિપુલભાઈના કાકાના દીકરાએ રાધિકા અને તેના માતા અંગે યુ ટ્યુબમાં એક વિડીઓ જોયો જેમાં આ બંન્ને અગાઉ પણ આવી જ રીતે લગ્ન કરાવી પૈસા પડાવી લેતા પોલીસે પકડી પાડ્યા હોવાનું સામે આવ્યું હતું. આ વાત વિપુલભાઈના પરિવારે લગ્ન કરાવવા વખતે વાતચીત કરનાર તેના સબંધી અને હિતેચ્છુઓને કરી હતી અને વાત છૂટાછેડા સુધી આવી હતી. દરમિયાન તા. ૧૩/૪ના રોજ રાતે વિપુલભાઈ અને તેના પરિવારને સુતો મૂકી રાધિકા કયાંક ચાલી ગઈ હતી.

ત્યારથી મધુબેન દ્વારા કોઈ પ્રત્યુતર નહિ પાઠવવામાં આવતા આ પ્રકરણ પોલીસ દફતરે પહોચ્યું છે. જોડિયા પોલીસના જણાવ્યા મુજબ મધુબેન અને તેની પુત્રી બનીને રાધિકા દ્વારા અગાઉં આવી જ રીતે દસેક યુવાનોને સીસીમાં ઉતારી લગ્નના નામે રૂપિયા પડાવી લેવાયા છે. જુનાગઢની  લુંટેરી દુલ્હન અને તેની માતા સુધી પહોચવા પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here