..ને સગર્ભા કોરોના પોજીટીવ મહિલા બોલી, ડોક્ટર સાચે જ ભગવાનનું રૂપ

0
557

જામનગર : વર્તમાન સમયમાં ફેલાયેલી કોરોનાની મહામારી વૈશ્વિક સ્તરે અતિ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે.આવા સમયમાં યોગ્ય કાળજી રાખવા છતાં પણ બાળકો,સગર્ભાઓ અને વૃદ્ધોની સંક્રમિત થવાની સંભાવના ખુબ જ વધારે હોય છે. આ સમયે દર્દીઓની આરોગ્ય વિભાગ અને ડોક્ટરો દ્વારા અત્યંત કાળજીપૂર્વકની માવજત કરવામાં આવી રહી છે.

તાજેતરમાં જ તા. ૧૭ જુલાઇના રોજ ૨૬ વર્ષીય સગર્ભા જયશ્રીબેન કણજારીયાનો કોરોના ટેસ્ટ  પોઝિટિવ આવતા તેઓને જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા. સગર્ભાવસ્થા એ સ્ત્રીના જીવનમાં ખુબ જ મહત્વની અને પરિવાર માટે ખુબ જ ખુશીની વાત હોય છે. પાંચ વર્ષના લાંબા સમયગાળા દરમ્યાન તેમણે ઈન્ફર્ટીલિટીનો સામનો કર્યા બાદ તેઓ ગર્ભવતી થતા સમગ્ર પરિવારમાં આનંદની લહેર હતી. આવા સમયે તેમનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા પરિવાર માથે આભ તૂટી પડયું હતું. તેમની ૩૦ માસની ગર્ભાવસ્થા સાથે જ જી.જી.હોસ્પિટલના ડોક્ટરો દ્વારા તેમની સફળ પ્રસૂતિ કરાવવામાં આવી હતી.

જયશ્રીબેનને જામનગરની ખાનગી હોસ્પિટલમાંથી જી.જી.હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનો કોરોના  રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સમયે ગર્ભમાં રહેલ બાળકની  સ્થિતિ બ્રિચ જણાઈ હતી. આ ઉપરાંત, અનિયંત્રિત જી.ડી.એમ જણાતા તેમને આઈ.સી.સી.યુમાં કડક આર.બી.એસ મોનીટરીંગ હેઠળ આઈસોલેશનમાં ખસેડવામાં આવ્યા હતા. ૨૦ જુલાઈના રોજ તેઓને સ્પાઈનલ એનેસ્થેસિયા આપી તેમની પ્રસુતિ કરાવાઈ હતી. જન્મસમયે માત્ર ૧.૪ કિલોગ્રામ ધરાવતું જયશ્રીબેનનું બાળક હાલ સ્વસ્થ અને તંદુરસ્ત છે તથા તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ જણાયો છે.

દર્દી જયશ્રીબેનએ સહર્ષ ખુશી સાથે ડોક્ટરોનો આભાર માનતા કહ્યું હતું કે, મેં ક્યારેય ભગવાન જોયા નથી પણ મારા અને મારા બાળક માટે આ ડોક્ટરો ભગવાન બનીને આવ્યા છે. કોરોના નામથી ખુબ બીક લાગે છે ત્યારે મને સતત મારા બાળકની ચિંતા થતી હતી પણ આ ડોક્ટરોએ બચાવીને અમારા સંપૂર્ણ પરિવારને ખુશી આપી છે. દરેક મા માટે તેનું બાળક ખૂબ મહત્વનું હોય છે. આ ડોક્ટરોએ આ કપરા સમયમાં મને અને મારા બાળકને બચાવ્યા છે જે બદલ હું સદાય તેમની ઋણી રહીશ.ovi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here