જામનગરના રાજવીએ લોકશાહી ઢબે વિરોધ કરવા કહી આપી પ્રતિક્રિયા

0
1789

જામનગર સહિત રાજ્યભરમાં વિવાદીત બયાનને લઈને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાનો ઠેર ઠેરથી રાજપૂત સમાજ વિરોધ કરી રહ્યો છે અને ઉમેદવારી રદ ન થાય ત્યાં સુધી આંદોલન કરવાની રાજપૂતોએ તૈયારી દર્શાવી છે, ત્યારે હવે જામનગરના રાજવી જામ સાહેબે પણ પોતાનું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે લોકશાહી ઢબે લડવું જોઈએ અને ચૂંટણીમાં હરાવવા જોઈએ, જામ સાહેબે જોહરની વાતને નકારી હાલ લોકશાહી અનુરૂપ લડત આપવા તમામને આહવાન કર્યું છે

જામ રાજવી જામ સાહેબ શત્રુસેલ્યજીએ સત્તાવાર અખબારી યાદી પ્રસિદ્ધ કરી છે તે યાદી અક્ષરસહ નીચે મુજબ છે.

કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાની વિવાદિત ઘટના

આ બારામાં હજુ સુધી કઈ વધુ પડતું નથી બન્યું તે મારા હિસાબે સારી વાત છે કારણકે, કોઈ આપણું ખરાબ બોલી અપમાન કરે તો તેના અનુસંધાને આપણે પોતાની જાતને ભયંકર સજા ન આપવાની હોય પરંતુ, અયોગ્ય વાત બોલવાનો ગુન્હો કરે તેની સજા થવી જોઈએ.

જે બહેનોએ આ હિંમત દર્શાવી તેને મારા ધન્યવાદ છે. પરંતુ, જે કાર્યનો સંકલ્પ કર્યો હતો તેની હું ટીકા કરું છું કારણ કે, “ જૌહર ” નો પ્રશ્ન આ કિસ્સામાં બિલ્કુલ ઉપસ્થિત થતો જ નથી.

હાલમાં, ભારતમાં લોકશાહી લાગુ છે. એક જમાનામાં રાજપૂતો રાજ કરતા હતા તેનું કારણ માત્ર હિંમત નહોતી પણ સાથે – સાથે એકતાનું પણ હતું. તે જમાનામાં રજપૂતો એકબીજા માટે મરી જવા તૈયાર હતા. જ્યારે આજનાં જમાનામાં ઘણીવાર જોવામાં આવે છે કે, રજપૂતો નહીં જેવી બાબતોમાં એકબીજાને મારવા તૈયાર થઈ બેસે છે. તો એ સમય આવી ગયો છે કે, આજનાં લોકશાહીનાં સમયમાં ગેરવ્યાજબી રીતે નહીં પણ લોકશાહીની રીતે એકતા બતાવી વિરોધ કરવામાં આવે. રજપૂતોએ માત્ર હિંમત જ નહીં પણ એકતા રાખી બતાવી દેવાનું છે કે, રજપૂતો હજી ભારતમાં જ છે. તેથી સહુ રજપૂતો ભેગા મળી જે કોઈ આવું કૃત્ય કરે કે જે આપણને ન પોસાય ત્યારે તેને ભેગા મળી ચૂટણીમાં હરાવો. આને જ કહેવાય, લોકશક્તિએ ભેગા મળીને આપેલી લોકશાહીને અનુરૂપ સજા.

જામ સાહેબ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here