જામનગર : પાકવીમામાં સામે આવેલ કૌભાંડ બાબતે ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે પાકવીમા યોજના દેશનું સૌથી મોટું કૌભાંડ છે. આજે જાહેર થયેલા આંકડાઓ મુજબ સુરેન્દ્રનગર અને જૂનાગઢ જિલ્લામાંથી એક જ વર્ષમાં એક જ સીઝનમાં ઓછામાં ઓછો 1000 થી 1200 કરોડનો ભ્રષ્ટાચાર સામે આવ્યો.
આ પ્રશ્ને કિસાન કોંગ્રેસ પાકવીમાના આંકડાઓની ગોબાચારીને લઈને સતત લડતું આવ્યું છે. આ જ બાબતે રાજયના ખેતી નિયમકની ચેમ્બરમાં ત્રણ ધારાસભ્યો સાથે કિસાન કોંગ્રેસે રાતવાસો કર્યો હતો.
મેંદરડા તાલુકાના અમરગઢ અને દેવગઢના પાકવીમાના ડેટા જાહેર કરી કૌભાંડનો પર્દાફાશ કિસાન કોંગ્રેસે કર્યો હતો. આ બાબતે ધારાસભ્ય ઋત્વિકભાઇ મકવાણાએ વિધાનસભા સવાલ કરી પાકવીમાના આંકડાઓ જાહેર કરવા માંગ કરી હતી. પાકવીમામાં થતી ગોબાચારી ખુલી પાડવા કારમાં સૂત્રો પેઇન્ટ કરાવી કિસાન કોંગ્રેસ ગામડે ગામડે ફર્યું હતું. સરકાર પાકવીમા કંપનીઓ સાથે મળી મોટો ભ્રષ્ટાચાર કરી રહી છે એમ જણાવી આંબલીયાએ આક્ષેપ કર્યો કે ખેતરમાંથી ગાંધીનગર આંકડાઓ પહોંચતા પહોંચતા બદલાઈ જાય છે. આંકડાઓ બદલતા જ્યાં ખેડૂતને 89% પાકવિમો મળવાનો હોય એ 11% થઈ જાય છે. અંતે સરકાર અને વીમા કંપનીઓ આ કૌભાંડને ઉજાગર કરવા બદલ સાગરભાઈ, રાજુભાઇ અને રતનસિંહની મહેનતને આંબલિયાએ વધાવી હતી.