Special Ops : જયેશના વાઈટ કોલર સાગરીતો ઉઘાડા પડ્યા, શું છે ગુજસીકોટ કાયદો, હવે શું ? જાણો સમગ્ર વિસ્તૃત અહેવાલ

0
1647

જામનગર અપડેટ્સ : જામનગરમાં ભુ-માફિયાઓના ત્રાસ, બિલ્ડરો પાસેથી પરાણે ઉઘરાવાતી ખંડણી અને છાશવારે પૈસા પડવાના ઇરાદે થતા ફાયરીંગ પ્રકરણમાં એક જ માત્ર નામ સામે આવતું રહ્યું છે અને તે છે જયેશ પટેલ, જામનગર પોલીસના માથાનો દુખાવો બની રહેલા જયેશ પટેલ ભુગર્ભમાં રહીને પણ કુખ્યાત શખ્સોની ગેંગ દ્વારા વારેવારે ભારેખમ વારદાતને આપવામાં આવતા અંજામના પગલે રાજય સરકાર પણ ચોંકી ગઇ હતી. સતત વધતા જતા જયેશ પટેલના ગુનાહિત સામ્રાજયને નેસ્ત નાબૂદ કરવા માટે રાજય સરકાર દ્વારા સ્પેશ્યલ એસપી તરીકે દિપન ભદ્રનની નિમણૂંક કરાયા બાદ સ્પેશ્યલ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

છેલ્લા પખવાડીયાના ગાળા દરમ્યાન જયેશ પટેલની ગેંગના સાત સાગ્રીતોને દબોચી લેવાયા બાદ આજે વ્હાઇટ કોલર તરીકેની છાપ ધરાવતા આઠ શખ્સોને ઉઠાવી લેવામાં આવ્યા છે. આ શખ્સો ઉપરાંત જયેશ પટેલ આણી મંડળીના 14 શખ્સો સામે ગુજસીકોટ ધારા હેઠળ જામનગરના ઇતિહાસનો પ્રથમ કેસ દાખલ કરી 8 શખ્સોને ઉઠાવી લીધા છે. જેમાં શહેરના વ્હાઇટ કોલર બિલ્ડરો, જામનગર મહાનગરપાલિકાના ભાજપના કોર્પોરેટર, પૂર્વ પોલીસકર્મી સહિતના  આઠ શખ્સોનો સમાવેશ થાય છે. જયારે નવમો સાગ્રીત જેલમાં હોવાથી કબ્જો સંભાળવા  તજવીજ હાથ ધરાઇ છે.

જામનગર શહેર અને જિલ્લાભરમાં છેલ્લા કેટલાય વર્ષથી જયેશ પટેલ એક એવુ નામ બની ગયું છે જેનાથી મોટા ભાગના માલેતુજાર ધંધાર્થીઓ ફફડે છે. એક પછી એક જમીન કૌભાંડો આચરી માલેતુજાર બની ગયેલા જયેશ પટેલે પોતાની ગેંગ ઉભી કરી સામ્રાજ્ય ફેલાવ્યું હતું. જમીન કૌભાંડો દરમ્યાન પોલીસની પકડા પકડી અને ટૂંકાગાળાના જેલવાસ બાદ જયેશ પટેલનો અસલી ચહેરો   ત્યારે સામે આવ્યો જયારે લાલપુર રોડ પર 100 કરોડનું જમીન કૌભાંડ આચર્યુ હતું.

આ જમીન પ્રકરણમાં જયેશ પટેલ અને વકીલ કિરીટ જોષી વચ્ચે એવી તે દુશમનાવટ થઇ ગઇ કે જયેશ પટેલે વકીલની સરાજાહેર હત્યા કરાવી નાખી. અઢી વર્ષ પૂર્વેના આ બનાવ બાદ જયેશ પટેલ જામનગર છોડી ભુગર્ભમાં ઉતરી ગયો છે. પરંતુ પરોક્ષ રીતે જયેશ અને તેની ગેંગ સમયાંતરે જામનગર શહેર-જિલ્લના મોટા-મોટા માલેતુજાર બિલ્ડરો અને ધંધાર્થીઓ તથા કૌભાંડ કરવા લાયક જમીન પર નજર કેન્દ્રીત કરી ત્યારબાદ સુવ્યવસ્થિત રીતે ફાયરીંગ કરી કે ખંડણી ઉઘરાવી વારદાતને અંજામ આપવામાં આવતો હતો. આ જ મોડેસ ઓપરેન્ડીને બેઇઝ બનાવી જયેશ પટેલે છેલ્લા એક દસકામાં જામનગરમાં ભયનો માહોલ ઉભો કર્યો છે.


ધીરે ધીરે પોતાના સામ્રજ્યને વિકાસાવવા માટે માલેતુજારો પાસેથી કરોડો રૂયિપા ઉઘરાવી લીધા હોવાની પણ કહાની જામનગરના માર્કેટમાં ચર્ચાઇ રહી છે. એવા સમયે રાજય સભાના સાંસદ અને રિલાયન્સના ગુ્રપ પ્રેસીડેન્ટ પરીમલ નથવાણી દ્વારા પોલીસ અને જયેશ પટેલની સાંઠગાંઠ પર કરેલી ટીકા પૂર્વે જ સરકારે કમાન્ડ સંભાળી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી દિપન ભદ્રનની એસ.પી. તરીકે નિયુકતી કરી જયેશ પટેલના સામ્રાજ્યને જળમુળથી ઉખેડી નાખવા સત્તા આપી હતી. જેને લઇને એસ.પી.એ પોતાની ચુનીનદા ટીમમાં   આઇ.પી.એસ નીતેશ પાંડે, પી.આઇ. કે.જી.ચૌધરી, પી.આઇ. એસ.એસ.નિનામા, પી.એસ.આઇ.દેવ મુરારીની જામનગરમાં નિમણૂંક કરાવી સ્પેશ્યલ ઓપરેશન હાથ ધર્યુ હતું.

છેલ્લા પખવાડીયાથી હાથ ધરાયેલા ઓપરેશન વચ્ચે જામનગરમાં એક જ ચર્ચા ચાલતી હતી કે આજે કોનો વારો ? દરમ્યાન પોલીસે પણ પોતાની કાર્યપ્રણાલી મુજબ એક પછી એક જયેશ પટેલના સગ્રીતોને દબોચી લેવાની પ્રક્રિયાનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ પખવાડીયના ગાળા દરમ્યાન રાજયની એટીએસની મદદથી જામનગર એસઓજી, એલસીબી અને પેરોલ ફર્લો સ્કોડે સમયાંતરે સાત સાગ્રીતોને ઉઠાવી લીધા છે.

દરરોજ દર્શાવવામાં આવતી ભીતી વચ્ચે આજે પોલીસ દ્વારા જયેશ પટેલ સહિત તેના 14 સાગ્રીતો સામે જામનગરના ઇતિહાસમાં કહી શકાય તેવો ગુજસીટોક (ગુજરાત આંતકવાદ અને સંગઠીત અપરાધ નિયંત્રણ અધિનિયમ) મુજબ કાર્યવાહી કરી હતી. જેમા જામનગરના કેબીનેટ મંત્રીની નજીક ગણાતા જયેશના રાઇટ હેન્ડ તરીકે સક્રિય ભૂમિકા ભજવનાર સાગ્રીત એવા મહાનગરપાલિકાના ભાજપના નગર સેવક અતુલ વિઠ્ઠલભાઇ ભંડેરી, પોલીસ વિભાગમાં અગાઉ ફરજ બજાવી ચુકેલા અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા વશરામ ગોવિંદભાઇ મિયાત્રા, રાજયમંત્રીની નજીકના ગણાતા  અને જામનગરના અગ્રણી બિલ્ડરમાં ગણના પામતા એવા નિલેશ મનસુખભાઇ ટોલીયા, બિલ્ડર મુકેશ વલ્લભભાઇ અભંગી, જયેશ પટેલના કથિત અખબારના સંચાલક પ્રવિણ પરષોત્તમભાઇ ચોવટીયા, જીગર ઉર્ફે જીમી પ્રવિણચંદ્ર આડતિયા, અનીલ મનજીભાઇ પરમાર અને પ્રફુલાભાઇ જયંતિભાઇ પોપટ નામના આઠ શખ્સો સામે  હિંસા ફેલાવી અથવા હિંસાનો ભય બતાવી, ગુન્હાતિ ધાંક-ધમકી આપી, બળજબરીથી મોટા પ્રમાણમાં રોકડ રૂપિયા તથા મિલ્કતો પડાવી લેવા સહિતની જુદી-જુદી 6 થી 7 કલમો મુજબ આ આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે. જયારે અન્ય એક આરોપી એવો જયેશ પટેલનો સાગ્રીત જશપાલસિંહ જાડેજા હાલ જેલમાં હોવાથી તેનો કબ્જો મેળવવા તજવીજ શરૂ કરાઇ છે.

આજે આ તમામ આરોપીઓને રેંન્જ આઇજી સંદિપસિંઘ અને જિલ્લા પોલીસ વડા દિપન ભદ્રન સહિતની ટીમે ધરપકડ દર્શાવી ઉપરોકત વિગતો આપી હતી. આ તમામ આરોપીઓને રાજકોટની કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રીમાન્ડની માંગણી કરવામાં આવશે તેમ દિપન ભદ્રન દ્વારા જાણાવવામાં આવ્યું છે. ગુજસીટોક કાયદા હેઠળ આરોપી પર તમામ પ્રક્રિયા બાદ પાંચ વર્ષથી માંડી આજીવન કેદની સજાનું પ્રાવધાન હોવાનું તેઓએ ઉમેર્યુ હતું. જો કે 14 આરોપીઓ સામે નોંધાયેલા ગુન્હામાં અન્ય ચાર આરોપીઓ કોણ  કોણ છે ? તે પ્રશ્ર્નના ઉત્તરમાં એસ.પી. ભદ્રનએ જણાવ્યું હતું કે આ પ્રકરણ અતિ ગુપ્ત હોવાથી અન્ય ચાર આરોપીઓના નામ હાલ આપી શકાય તેમ નથી. આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અને આરોપીઓની ધરપકડ કરાયા બાદ નામ જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું છે.

કોણ કોણ છે આરોપીઓ ?????

પૂર્વ જમાદાર વશરામ મિયાત્રા

વશરામ ગોવિંદભાઇ મિયાત્રા તે એલસીબીમાં એ.એસ.આઇ (જમાદાર) હતા સ્વૈચ્છિક નિવૃત્ત લઇને તેઓ 2019ની લોકસભા ચુંટણીમાં ભાજપમાં જોડાયા હતા.

મુકેશ અભંગી

મુકેશ વલ્લભભાઇ અભંગી પણ બિલ્ડીંગ ક્ધસ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલ છે. તેને જયેશ સાથે આર્થિક વ્યવહાર હોવાનું કહેવાય છે. તે મેહુલનગર- સિધ્ધિપાર્કમાં રહે છે.

પ્રવિણ ચોવટીયા

પટેલ પાર્ક (રણજીત સાગર રોડ) વિસ્તારમાં રહેતા પ્રવિણ પરષોત્તમ ચોવટીયા જયેશ પટેલના કથિત અખબારનું સંચાલન કરે છે.

જીમ્મી આડતીયા

જામનગરમાં પંચવટી સોસાયટીમાં રહેતા જીગર ઉર્ફે જીમ્મી પ્રવિણચંદ્ર આડતીયા ફોરેકસ એટલે કે વિદેશી ચલણની લે-વેચનો ધંધો કરતો હોય જયેશ પટેલ સાથે તેના આર્થિક વ્યવહાર હોવાનું અને ખાસ કરીને હવાલા પાડયાનું કહેવાય છે. તેની સાથે વશરામ આહીર પણ સંકળાયેલ હોવાનું જાણકારોનું કહેવું છે.

અનિલ સતવારા

ગુજસીટોક કાયદા હેઠળ અનિલ મનજી પરમાર (સતવારા)ને પણ આરોપી  બનાવાયેલ છે. તે રણજીત સાગર રોડ ઉપર જડેશ્ર્વર પાર્કમાં રહે છે.

પ્રફુલ પોપટ

જામનગરમાં ક્રિકેટ બંગલા સામે કંચન જંગા એપાર્ટમેન્ટમાં રહેતા પ્રફુલ જયંતિભાઇ પોપટ બિલ્ડીંગ ક્સ્ટ્રકશનના ધંધા સાથે સંકળાયેલ છે. હોસ્પિટલ રોડ ઉપર તેણે અન્ય 3 ભાગીદારો સાથે કોમર્શીયલ બિલ્ડીંગનો પ્રોજેકટ આરંભ્યો હોવાનું કહેવાય છે.

જશપાલસિંહ જાડેજા

આ ઉપરાંત તાજેતરમાં જ બિલ્ડર ગિરીશ ડેર ઉપર ફાયરીંગ કરવાના ગુન્હામાં પકડાયેલ અને હાલ જ્યુ.કસ્ટડી (જેલ)માં રહેલા જશપાલસિંહ જાડેજાની પણ સંડોવણી ખુલી છે. તેણે જયેશ પટેલના ઇશારે ફાયરીંગ કર્યાનો આરોપ છે.

પોલીસની કાર્યવાહીને વખાણતા રાજયસભાના સાંસદ

જયેશ પટેલની માફિયા ગેંગ વિરૂધ્ધ ઝડપી કાર્યવાહી કરવા બદલ હું જામનગરના એસ.પી. દિપન ભદ્રન અને તેની ટીમને અભિનંદન આપું છું. પહેલી વખત તેમની સામે ગુજસીટોક એકટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રેંન્જ આઇજી સંદિપસિંઘના સમર્થનનું  સ્વાગત છે. લોકો સલામત લાગે છે અને ઇચ્છે છે કે જયેશ પટેલની જલદી ધરપકડ કરવામાં આવે તેમ સાંસદ પરિમલ નથવાણીએ ટ્વીટ કર્યુ છે.

કેમ આવ્યું સમગ્ર ઓપરેશન બહાર ?

છેલ્લા પખવાડીયાથી ચાલી રહેલી સ્પેશ્યલ ઓપરેશનની તૈયારીઓ અને ગુપ્ત કાર્યવાહીના ધમધમાટ વચ્ચે આજે પોલીસે અચાનક જ શહેરના આઠ વ્હાઇટ કોલર જયેશના સાગ્રીતોની ધરપકડ દર્શાવી છે. પરંતુ આ આરોપીઓને તાત્કાલિક કેમ બતાવી દીધા ? તેની વિગતોની ખરાઇ કરતા જાણવા મળ્યું છે કે, તમામ આરોપીઓના કોરોના ટેસ્ટ કરવાની તજવીજ સમયે પેપર લીક થઇ ગયું હતું અને આ સમગ્ર હક્કિતો મીડિયા સમક્ષ પહોંચી ગઇ હતી ત્યાર બાદ પોલીસે તાત્કાલિક પ્રેસ કોન્ફરન્સ બોલાવી તમામ આરોપીઓની ધરપકડ દર્શાવી.

આવતીકાલે રાજકોટની સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કરાશે આરોપીઓને

જામનગરના વ્હાઇ કોલર તરીકે ગણના પામતા નવ આરોપીઓને પોલીસે વિધિવત રીતે ઉઠાવી લઇ ધરપકડ દર્શાવી છે. આ આઠેય આરોપીઓ સામે ધાક-ધમકી, મનીલોન્ડેરીંગ, પરાણે મોટી રકમ ઉઘરાવી ઉપરાંત ભય ફેલાવવા સહિતની જુદી-જુદી 6 થી 7 કલોમો મુજબ ગુન્હો નોંધવમાં આવ્યો છે. એમ એસપી ભદ્રનએ જણાવ્યું છે. તમામ આરોપીઓ સામે અલગ-અલગ કલમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આ તમામ આરોપી સામે જુદી-જુદી કલમના આધારે આવતીકાલે 10થી 14 દિવસના રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

ટોક ઓફ ધી ટાઉન : જયેશ સહિત 10 આરોપીના નામ જાહેર, અન્ય 4 કોણ ?

ગુજસીટોક કાયદા હેઠળના જામનગર જિલ્લા પોલીસના સૌ પ્રથમ કેસમાં જયેશ પટેલ તેમજ બિલ્ડરો, કોર્પોરેટર, અખબાર સંચાલક અને શાર્પ શુટર સહિતના 9 શખ્સોના નામ જાહેર કરાયા છે. પરંતુ કોઇ અગમ્ય કારણસર 4 આરોપીના નામ જાહેર કરવાનું હાલ પોલીસે માંડી વાળ્યું છે. પરંતુ આ ચારમાં શું હાલ પકડાયેલા આરોપીઓ કરતા પણ વધુ મોટા માથાના નામ છે ? શું તેઓને પકડવામાં ઉચ્ચ સ્તરેથી લીલીઝંડીની રાહ જોવાઇ રહી છે ? વિગેરે પ્રશ્ર્નો અને અટકળો લોકોમાં થાય છે.

આ કાયદાના મદદથી કોન્ટ્રાક્ટ કિલીંગ, ધાકધમકીથી પૈસા પડાવવા, પ્રતિબંધિત માલની દાણચોરી કરવી, કેફી દ્રવ્યોનો વેપાર, અપહરણ, ખંડણી, ફરજી સ્કીમ ચલાવાવ જેવા ગુનાઓ નિયંત્રિત કરવાનો ઉદેશ્ય છે.

ગુજકોકના માધ્યમથી જે આરોપીઓ પકડાય તેઓને સજા સુધી પહોંચાડવા સરકારી વકીલ આ અંગેના કેસ લડશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.  ગુનેગારો માટે વિશેષ કોર્ટની પણ રચના કરવામાં આવી છે. આ કાયદામાં સંદેશાવ્યવહારને આંતરીને એકઠા કરાયેલા પુરાવા ગ્રાહ્ય રાખવામાં આવ્યા છે. તેમજ સાક્ષીઓને પણ પૂરતુ રક્ષણ આપવામાં આવશે. આ કાયદો મહારાષ્ટ્રના મકોકાના કાયદા જેવો છે. આ કાયદો આતંકવાદ સામેની લડાઈ છે.   

ગુજસીકોટ કાયદામાં શું શું જોગવાઈ કરવામાં આવી છે ?????

  • ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (GUJCTOC) લાગુ પડી ગયા બાદ પણ વિરોધ કરવામાં આવી રહ્યો હતો પરંતુ આખરે લાગુ કરી દેવાયેલ કાયદાની વાત કરીએ તો રાજ્યના પોલીસ અધિકારીઓને વધુ સત્તાઓ મળી છે. આ કાયદામાં અનેક કલમો કલમોમાં આતંકવાદી વારદાત અને સંગઠિત ગુના માટે શિક્ષાની જોગવાઇ કરવામાં આવી છે.
  • સંગઠિત ગુના સિન્ડીકેટના સભ્યો વતી બિન હિસાબી મિલકતનો કબજો ધરાવનાર આરોપીઓ સામે પણ સજાની જોગવાઇ કરવામાં આવી છે. ઉપરાંત ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી જલ્દી કાર્યવાહી થાય તે માટે વિશેષ કોર્ટની રચના પણ કરાઈ છે.  
  • આ કાયદા હેઠળ પબ્લીક પ્રોસિક્યુટર, વધારાના પબ્લીક પ્રોસિક્યુટર અને ખાસ પબ્લિક પ્રોસીક્યુટર નિમણૂક પણ કરવાની જોગવાઈ છે. જે આતંકવાદીને લગતા તથા સંગઠિત ગુના નિયંત્રણના કેસો જ લડશે. 
  • જો કોઈ કોર્ટ આ કાયદા સંદર્ભે કાયદાકીય કાર્યવાહી કરી શકે તેમ ન હોય તો તે કેશ વધુ નિયમિત કોર્ટને સોંપી શકશે. વિશેષ કોર્ટની રચના ન થાય ત્યાં સુધી આ ગુનાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની સત્તાઓ ડિવીઝન સેશન્સ કોર્ટ પાસે રાખવામાં આવી છે.  વિશેષ કોર્ટના હુકમ સામે અપીલની પણ જોગવાઇ કરવામાં આવી છે.
  • આતંકવાદ તથા સંગઠિત ગુના સંદર્ભે પોલીસ તપાસમાં શોધી કાઢવામાં આવેલ સંદેશા વ્યવહારને ઇન્ટરસેપ્ટ કરી, આ પુરાવાઓ પણ રજુ કરી શકાશે અને મંજુર પણ રહેશે. આ પુરાવા માટે ખાસ નિયમો પણ બનાવી ઉપયોગ કરી શકવાની જોગવાઈ છે. પોલીસ અધિકારી સમક્ષ આરોપીએ કરેલ કબુલાતને ધ્યાને લેવામાં આવશે. આ કેશમાં સાક્ષીઓને રક્ષણ પણ પૂરુ પાડવાની જોગવાઈ કરવામાં આવી છે. આ ગુનાઓમાં જે તે આરોપીએ બનાવેલ મિલકત જપ્તે કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.
  • આરોપીઓ જો મિલકત અન્યને નામે કરી ગયે તો પણ એ પ્રક્રિયા રદ બાતલ ગણાશે. આ ગુનાની ન્યાયિક નોંધ લેવાની અને તપાસ માટેની સરકારી કર્મચારીઓ પોતાની ફરજોના પાલનમાં ચૂક કરે તો તેની સામે પણ સજાની જોગવાઈ કરાઈ છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here