જામનગર અપડેટ્સ : જામનગર-રાજકોટ ધોરી માર્ગ પરના ધ્રોલ નજીક આવેલ સોયલ ટોલનાકા પાસે ઓવર ટેક કરતી વેળાએ કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા એક બાઈકને ઠોકર મારી હતી જેમાં બાઈક સવાર બે પિતરાઈ ભાઈઓને ઈજાઓ પહોચી હતી. પોલીસે કાર ચાલક સામે ફરીયાદ નોંધી છે.
આ બનાવની વિગત મુજબ, જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકા મથકથી આઠ કિમી દુર આવેલ સોયલ ગામ પાસે જામનગર તરફના રસ્તા પર ગઈ કાલે બપોરે સાડા અંગ્યારેક વાગ્યે જીજે ૦૧ આર ડબ્લ્યુ ૯૯૮૨ નંબરની કારના ચાલકે આગળ જતી એક બાઈકને જોરદાર ઠોકર મારી અકસ્માત નીપજાવ્યો હતો જેમાં બાઈકને ઠોકર વાગતા જોડિયા તાલુકાના નેસડા ગામના બાઈક ચાલક મહેશભાઈ અરજણભાઈ મકવાણા ઉવ ૨૯ અને તેની સાથે તેના પીતરાઈ ભાઈ બંને બાઈક પરથી ફંગોળાઈ ગયા હતા. બાઈક પરથી નીચે પડી ગયેલ બંને યુવાનો પૈકી મહેશભાઈના પિતરાઈ ભાઈને પગના પેનીના ભાગે ગંભીર ઈજા કરી તથા કપાળના જમણા ભાગે અને જમણા હાથમા સામાન્ય છોલછાલ જેવી ઈજા પહોચી હતી. પોલીસે આ બનાવ અંગે મહેશભાઈની ફરિયાદ નોંધી હતી. જેમાં તેઓના આરોપ મુજબ બંને બંધુઓ બાઈક પર બેસી ઘટના સ્થળેથી પસાર થતા હતા ત્યારે આરોપી કાર ચાલકે બાઈકને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં ચાલકથી સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેવાતા કાર બાઈક સાથે અથડાઈ ગઈ હોવાનો આરોપ લગાવ્યો છે. આ બનાવ અંગે હેડકોન્સ્ટેબલ કે ડી કામરીયાએ તપાસ હાથ ધરી છે.