જામનગર : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મેવાસા ગામે સીમ વિસ્તારમાં મોડી રાત્રે એક રહેણાંક મકાનમાંથી લુંટ ચલાવી નાશી રહેલા આરોપીઓએ જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં નાકાબંધીમાં રહેલ લાલપુર પોલીસની કાર પર પથ્થરમારો કરતા સનસનાટી મચી જવા પામી છે. પોલીસે નાશી ગયેલા લુંટારૂઓની ભાળ મેળવવા કવાયત હાથ ધરી છે. આરોપીઓએ દાગીના અને કાર સહીત આઠેક લાખની મતા લઇ નાશી ગયા હોવાનું સામે આવ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મેવાસા ગામના ગોરધનભાઇ ટપુભાઇ પરેશાના ઘરે ત્રાટકેલા ચારથી પાંચ શખ્સોએ ઘરમાંથી રૂા.5.37 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના અને એક કાર મળી રૂા.8.37 લાખની મત્તાની ચોરી-લુંટ આચરી નાશી છુટયા હતા. મકાન માલિકે આ બનાવ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરતા જામનગર, દ્વારકા અને પોરબંદર પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવી હતી.
દરમ્યાન લાલપુર પંથકના ખીરસરા ગામે આરોપીઓને પકડવા ઉભેલી પોલીસની કાર પર લુંટારૂ શખ્સોએ પથ્થર મારો કર્યો હતો. આ પથ્થરમારામાં લાલપુર પોલીસની બોલેરો કારના કાચ પણ તુટી ગયા હતા. આ વારદાતને અંજામ આપી આરોપીઓ કારમાં નાશી ગયા હતા. પોલીસ પર પથ્થરમારો થયાની ઘટનાને લઇને જામનગર પોલીસ સર્તક બની નાશી ગયેલા આરોપીઓની ભાળ મેળવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઇના જણાવ્યા અનુસાર આરોપીઓએ પોલીસની કાર પર પથ્થરમારો કર્યો છે જો કે આ પથ્થરમારામાં કોઇ પોલીસ કર્મચારી ઘવાયો નથી. પોલીસ પર હુમલો કરવા સબબ આરોપીઓ સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવે હાલારમાં ચર્ચા જગાવી છે.