સનસનાટી : કોરોનાકાળમાં સરકાર નિષ્ફળ ? આરસી ફળદુ સામે ભાજપના સદસ્ય વિફર્યા,ઓડિયો વાયરલ

જામનગર તાલુકા પંચાયતના સદસ્ય કાંતિભાઈ અને નિવૃત અધિકારીનો કથિત ઓડિયો વાયરલ થતા ચકચાર : ઓડિયોની સત્યતા અંગે જામનગર અપડેટ્સ દાવો કરતુ નથી : ઓડિયો બન્યો જીલ્લાભરમાં ચર્ચાનો વિષય

0
1920

જામનગર અપડેટ્સ : જામનગર શહેર જીલ્લામાં કોરોનાનું ચિત્ર બિહામણું અને ભયજનક છે એવું પ્રસાર પ્રસાર માધ્યમોમાં વારે વારે રીપોર્ટીંગ કરવામાં આવે છે. જેની સામે સરકાર દ્વારા તમામ સુવિધાઓ અને વ્યવસ્થા છે એવો સરકારનો દાવો થતો રહ્યો છે. પરતું વાસ્તવિકતા એ છે કે કયાંકને કયાંક સરકાર નિષ્ફળ રહી છે. કોરોનાકાળમાં જામનગર પંથકમાં સરકારની નિષ્ફળતા અને ખાસ કેબીનેટ મંત્રી આરસી ફળદુ સામે પ્રજા અને ભાજપના પ્રજા પ્રતિનિધિમાં રોષ અંગેનો કથિત ઓડિયો વાયરલ થતા સનસનાટી મચી ગઈ છે. ઓડિયોમાં તાલુકામાં અપૂરતા વેક્સીનના જથ્થાથી માંડી કોવીડ સારવારને લઈને અન્ય સુવિધાઓ આપવામાં સરકાર નિષ્ફળ રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ખાસ તો જામનગર જીલ્લાના જ કેબીનેટ મંત્રી આરસી ફળદુ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જામનગર તાલુકા પંચાયતના સદસ્ય કાંતિભાઈ અને નિવૃત સરકારી અધિકારી વચ્ચે થયેલ ટેલીફોનીક વાર્તાલાપનો દાવા સાથે ઓડિયો હાલ સોશ્યલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

જામનગર જીલ્લામાં કોરોનાકાળમાં દર્દીઓને સારવાર આપવામાં સરકાર અને તંત્ર ઉણું ઉતર્યું છે. કોરોના સંક્રમણને રોકવાની કાર્યવાહી હોય કે દર્દીઓને દાખલ કરવાની ક્રિયા, કે પછી દર્દીઓ માટે ઓક્સીજન, રેમડેસીવીર ઇન્જેક્શન હોય કે પછી વેન્ટીલેટરની વ્યવસ્થા હોય, આ તમામ સુવિધાઓ આપવા સરકાર અને તંત્ર ક્યાંકને ક્યાંક યોગ્ય સમયે નિર્ણય લેવામાં થાપ ખાઈ ગયું હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. બીજી તરફ સરકાર અને સરકારી તંત્ર સબ સલામતના દાવાઓ કરી રહ્યું છે. પણ ગ્રાઉન્ડ ઝીરો પર વાસ્તવિક ચિત્ર બિહામણું જ છે. કોરોના સામેની લડાઈમાં રહી ગયેલ તંત્રની ચૂક પ્રસાર પ્રસાર મધ્યમોએ વારે વારે ઉજાગર થતી રહી છે. છતા પણ સરકાર માનવા તૈયાર જ નથી. આવી સ્થિતિ વચ્ચે જામનગર તાલુકા પંચાયતના સદસ્ય કાંતિભાઈ અને એક નિવૃત સરકારી અધિકારી વચ્ચેની કથિત ટેલીફોનીક વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. જો કે આ ઓડિયોની પુષ્ટિ થવા પામી નથી  પરંતુ ઓડિયોમાં કરાયેલ દાવો સત્ય માની લેવામાં આવે તો વાસ્તવિક સ્થિતિનો ચિતાર મળી જાય છે. ઓડિયોમાં કોરોના કાળમાં સરકારની નિષ્ફળતાની અને ખાસ કેબીનેટ મંત્રી આરસી ફળદુ સામે નારાજગીની વાત સાંભળવા મળી રહી છે. 

કોરોનાની સ્થિતિ જાણવા માટે તાજેતરમાં કેબીનેટ મંત્રી આરસી ફળદુ અને તેનો કાફલો ધુતારપુર ગામે ગયો હતો ત્યાં ભાજપના જ તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા કોરોના અંગે ખૂટતી વ્યવસ્થા પૂરી પાડવા માટે રજુઆત કરવામાં આવી હતી. આ રજુઆતને લઈને આરસીભાઈ નિરાશ થયા હોવાનો ઉલ્લેખ ઓડિયોમાં કરાયો છે. સરકારની મહત્વાકાંક્ષી વેક્સીનેશન સ્કીમમાં પડતી હાલાકી દુર કરવા કરેલ રજૂઆતને લઈને કેબીનેટ મંત્રીને ખોટું લાગી ગયું હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વેક્સીનેશન કાર્યક્રમ અને કોવિડ ટેસ્ટીંગ-સારવારમાં સરકારની નિષ્ફળતા અંગે વાતચીત આ ઓડિયોમાં કરવામાં આવી છે. વેક્સીનના અપૂરતા જથ્થા અંગે કેબીનેટ મંત્રી, જીલ્લા પંચાયત પ્રમુખ સહિતનાઓને રજૂઆત કરવામાં આવી છતા પરિણામ ન મળ્યું હોવાનો પણ આક્ષેપ લગાવાયો છે. તાલુકા પંચાયતના સદસ્ય કાંતિ દુધાગરા અને નિવૃત મામલતદાર વચ્ચે આ વાતચીત થઇ હોવાનો વાયરલ ઓડિયો અંગે દાવો કરવામાં આવ્યો છે. કેબીનેટ મંત્રી જયેશ રાદડિયાની કોરોનાં સામેની સફળ કામગીરી અને બીજી તરફ આરસીભાઈની કામગીરી વચ્ચેના લેખાજોખા પણ વાતચીતમાં રજુ કરવામાં આવ્યા છે. આરસીભાઈની પાસે કામ લઇને જઈએ તો આરસીભાઈ હમેસા કાયદાને જ વચ્ચે લઇ આવતા હોવાનો આક્ષેપ પણ કરાયો છે. આવતી ચુંટણીમાં આ બધા મુદ્દા લઈને સામે પડવું છે એવો ઓડિયોમાં અંતે વાયદો કરવામાં આવે છે. ઓડિયોમાં જે બે વ્યક્તિઓ હોવાનો દાવો કરવામાં આવ્યો છે તે બંને વ્યક્તિઓનો સંપર્ક થયો ન હોવાથી જામનગર અપડેટ્સ ઓડિયોની સત્યતા અંગે દાવો કરતુ નથી પરંતુ હાલ આ ઓડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે.

કથિત ઓડિયો કલીપ સાંભળવા નીચેની લિંક ક્લિક કરો :

ખળભળાટ : જામનગર તાલુકા પંચાયતના કથિત સદસ્ય અને નિવૃત અધિકારી વચ્ચે થયેલ કથિત સ્ફોટક સંવાદનો ઓડિયો વાયરલ


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here