કૌભાંડ : કાકાની બીમારીના બહાના તળે જીજી હોસ્પિટલના તાલીમી ડોકટરે ચાર રેમડેસીવીર લઇ વેચી માર્યા

0
1481

જામનગર અપડેટ્સ : જામનગરની જીજી હોસ્પિટલના રેડિયોલીજી વિભાગમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી તબીબે પોતાના કાકાની બીમારીનું બહાનું આગળ ધરી જીજી હોસ્પિટલમાંથી ચાર રેમડેસીવીર ઇન્જેક્શન મેળવી, સુરતના પોતાના સાથી ડોક્ટરોને વેચી માર્યા હોવાની વિગતો બહાર આવી છે. આ ડોક્ટરની ધરપકડ કરી અમદાવાદ પોલીસે જેલમાં ધકેલી દીધો છે છતાં જામનગર મેડીકલ કોલેજને આ બાબતની જાણ નથી.

અમદાવાદની સોલા પોલીસે એસજી હાઇવે પર આવેલા કારગિલ પેટ્રોલપંપ પાસેથી જય શાહની 6 રેમડેસીવીર ઇન્જકેશન સાથે ધરપકડ કરી હતી. આ શખ્સની પૂછપરછમાં સુરતના ડોક્ટર મિલન સુતારીયા અને કીર્તિ દવે અને જુહાપુરામાં રહેતી રુહી પઠાણની સંડોવણી ખુલી હતી. જેને લઈને પોલીસે સુરતના બંને ડોક્ટર અને અમદાવાદની મહિલા નર્સની ધરપકડ કરી હતી. આ બંને ડોક્ટરની પૂછપરછમાં જામનગરની જી.જી. હોસ્પિટલના ડોક્ટર ધીરેન બાલદાણિયાની સંડોવણી ખુલી હતી. જામનગરના ડોક્ટરે સાડા આઠ હજારમાં એક ઈન્જેકશન વેચ્યું હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને સોલા પોલીસ જામનગર આવી ડોકટર બલદાણીયાની ધરપકડ કરી અમદાવાદ લઇ ગઈ છે.

જામનગરની મેડીકલ કોલેજમાં રેડિયોલોજી વિભાગમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા ડો ધીરેન બલદાણીયાની પૂછપરછમાં ચોકાવનારો ખુલાસો થયો છે. ડો ધીરેને પોતાના કાકા બીમાર છે એમ કહી જી જી હોસ્પિટલમાંથી જુદા જુદા સમયે ચાર રેમડેસીવીર ઇન્જેક્શન મેળવી લીધા હતા. ત્યારબાદ સુરતના બન્ને ડોક્ટરમિત્રને આ ચારેય ઇન્જેક્શન રૂપિયા ૩૪ હજારમાં વેચી માર્યા હતા. સોલા પોલીસે  જેની અગાઉ ધરપકડ કરી છે તે સુરતના ડો. કીર્તિ અને ડો. ધીરેન બંને સાથે ભણતા હતા જામનગરના ડોકટર સાથે પરીચય થયો હતો. સોલા પોલીસની આ કાર્યવાહી અંગે હજુ સુધી જામનગર મેડીકલ કોલેજ પાસે સતાવાર માહિતી જ નથી. ચાર દિવસ પૂર્વે આવું કઈ ખબર નથી એમ જણાવતું કોલેજ પ્રસાસન હવે એવું  જણાવે છે કે ડોક્ટર બલદાણીયા એક ચિઠ્ઠી લખીને સોમવાર સુધી બહાર જાવ છું એમ કહી બહાર નીકળ્યો છે. જો કે ચાર દિવસ બાદ પણ સીટી બી ડિવિઝનમાં ડોક્ટરની ધરપકડના કોઈ સમાચાર જ નથી. આ પ્રકરણમાં કુલ 34 ઈન્જેકશન મળી આવ્યા છે. જેમાં અગાઉ અમદાવાદના મેડિકલ સ્ટોર્સના માલિક ચિરાગ શાહ, સંદીપ મહેતા, જયેશ ભાવસાર અને અન્ય ત્રણ આરોપીઓને રિમાન્ડ પર લીધા હતા. સોલા પોલીસે જામનગરના તબીબની પૂછપરછ કરી જેલ હવાલે કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here