PSI અને કોન્સ્ટેબલે એક હજાર જયારે કરારી બાબુએ અડધા લાખની લાંચ લઇ લીધી

0
407

સરકારની મોટાભાગની કચેરીઓમાં પ્રસાદ વગર કામ નહિ થતું હોવાની ફરિયાદોને સમર્થન આપતી વધુ બે  એસીબીની ટ્રેપમાં સામે આવ્યું  છે. દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકા પંચાયતમાં કરાર આધારિત નોકરી કરતા એક કર્મચારી અડધા લાખની લાંચ લેતા પકડાયા હતા. આશરે ૪૩ લાખનું બીલ પાસ કરવા માટે સરકારી કચેરીમાં ફાવી ગયેલ બાબુએ ૧૦ ટકા કમીશન માંગ્યું હોવાનું સામે આવ્યું છે. વર્ષોથી નોકરી કરતો આ કર્મચારીને અહી સારી એવી ફાવટ આવી ગઈ હોવાનું સામે આવ્યું છે. જયારે અમદાવાદ બાપુનગર પોલીસ દફતરમાં ફરજ બજાવતા એક પીએસઆઈ અને કોન્સ્ટેબલ રૂપિયા એક હજારની લાંચ લેતા પકડાઈ ગયા છે.

રાજ્યભરમાં ચો તરફ ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે એમ એસીબીની વારે વારે ટ્રેપ સાબિતી આપી રહી છે. દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકા પંચાયતમાં કરાર આધારિત આસી. પ્રોગ્રામ ઓફિસર તરીકે ફરજ બજાવતા મોહનસિંહ ગોપાલસિંહ કટારાએ એક કોન્ટ્રાકટરના બીલ પાસ કરાવી દેવા માટે પેમેન્ટના ૧૦ ટકા લાંચ પેટે માંગ્ય હતા. કોન્ટ્રાકટરે મનરેગા યોજના અંતર્ગત પાણીના નાલા (કોઝવે) બાંધવા માટે જુદા જુદા ચાર કામ કર્યા હતા. આ ચાર કામ પેટે રૂપિયા ૪૨,૯૩,૪૪૧ના  જુદા જુદા ચાર બીલ જમા કરાવ્યા હતા. આ બીલની રકમ માટે આસી પ્રોગ્રામ ઓફિસરે ૧૦ ટકા માંગ્યા હતા. જો કે આટલા રૂપિયાની સગવડ ન હોવાથી કોન્ટ્રાકટરએ રૂપિયા ૫૦ હજારનો વાયદો કરી અન્ય રકમ પછી આપવા કહ્યું હતું. પરંતુ ફરિયાદી કોન્ટ્રાકટર રૂપિયા આપવા માંગતા ન હોવાથી તેણે એસીબીને જાણ કરી હતી. દરમિયાન ગઈ કાલે એસીબીએ ઝાલોદમાં બાયપાસ રોડ પર ઠુઠીકંકાસિયા ચોકડી પાસે ટ્રેપ ગોઠવી કરાર આધારિત નોકરી કરતા બાબુને રૂપિયા ૫૦ હજારની લાંચ લેતા પકડી પાડ્યો હતો. એસીબીએ આરોપી સામે ભ્રષ્ટાચાર અધિનિયમ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરુ કરી હતી.

જયારે અમદાવાદમાં બાપુનગર પોલીસ દફતર હસ્તકના ડાયમંડ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા  મહિલા પીએસઆઈ જે એસ રાવલ અને પોલીસ કોન્સ્ટેબલ રીન્કુ પૂનમભાઈ પટણી નામના બંને પોલીસ કર્મચારીઓને રૂપિયા એક હજારની લાંચ લેતા પકડાયા છે. મારામારી કેસ અંતર્ગત ફરિયાદીનું બાઈક છોડવા માટે કોર્ટમાં અભિપ્રાય આપવા રૂપિયા બે હજારની લાંચ માંગવામાં આવી હતી. જો કે ફરિયાદીએ એક હજાર તત્કાલ આપી દીધા હતા. જો કે ફરિયાદ લાંચ આપવા માંગતા ન હોય જેથી તેઓએ એસીબીને જાણ કરી હતી. દરમિયાન એસીબીએ ગઈ કાલે પોલીસ ચોકીમાં ટ્રેપ ગોઠવી પીએસઆઈ અને કોન્સ્ટેબલને એક હજાર રૂપિયાની લાંચ લેતા પકડી પાડ્યા હતા. એસીબીએ બંનેને ડીટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here