ચક્રવ્યૂહ : નરેશ પટેલની જામનગરની મુલાકાતથી રાજકારણ ગરમાયું

0
2349

જામનગર : જામનગરમાં પ્રદેશ ભાજપના અધ્યક્ષની ભાજપના સ્નેહમિલનમાં હાજરી અને સભામાં મંત્રીઓને ઉદ્દેશી મારેલા ચાબખાને પગલે સ્થાનિક રાજકારણ ચર્ચાનો વિષય બન્યુ હતું. પાટીલના બે દિવસના પ્રવાસ બાદ પાટીદાર સમાજના મજબુત આગેવાન નરેશ પટેલની એકાએક જામનગરમાં મુલાકાત અને પટેલ સમાજના અગ્રણીયો સાથે બંધ બારણે મેરોથોન મીટીંગોનો દોર વધુ એક વખત જામનગરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

જો કે પાટીદાર આગેવાનો આ મુલાકાતને સામાજિક ઉત્થાનની પ્રવૃત્તિને વેગવાન બનાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી હોવાનું ગણાવ્યું છે. પરંતુ પાટીદારના વજનદાર અગ્રણીની મુલાકાત એકમાત્ર સામાજિક ઉત્થાન નહી બલકે આગામી વિધાનસભામાં પાટીદાર પ્રભુત્વને લઈને બંધ બારણે ચર્ચાઓ થઇ હોવાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે.

જામનગરમાં સ્નેહ મિલન કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં રાઘવજી પટેલના નામની બાદબાકી અને સમારંભમાં ગેર હાજર રહેલ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વે કેબીનેટ મંત્રી આર સી ફળદુની અનુપસ્થિતિ વચ્ચે ચાલુ કાર્યક્રમમાં ગેર હાજરી બાબતનો સંદેશો વાચવા પર લગાવી દેવામાં આવેલ રોક ને લઈને પાટીદારોની ઉપેક્ષાઓની ચર્ચાઓ વહેતી હતી. આ ચર્ચાઓને ગઈ કાલે વધુ વેગ મળ્યો જયારે પાટીદાર આગેવાન અને ખોડલધામ ટ્રસ્ટના સર્વેસર્વાં નરેશ પટેલે એકાએક જામનગરની મુલાકાત કરી, ગઈ કાલે સવારથી જામનગર આવી ગયેલ નરેશ પટેલ છેક રાત સુધી જામનગરમાં રોકાયા હતા. આ મુલાકાત દરમિયાન તેઓએ ખોડલધામ ટ્રસ્ટના સ્થાનિક હોદ્દેદારો, જુદા જુદા પટેલ સમાજ અને સમાજના અગ્રણીઓની મુલાકાત લીધી હતી. જેમાં સામાજિક ઉત્થાન અંગેની ચર્ચાઓ કરવામાં આવી હોવાની વિગતો સતાવાર કરવામાં આવી છે.

સામાજિક મીટીંગનું ભલે નામ આપવામાં આવતું હોય પણ જાહેર જીવનમાં સમાજની થતી ઉપેક્ષાઓને લઈને પણ મીટીંગમાં ચર્ચાઓ થઇ છે એમ ચર્ચાઓએ જોર પકડ્યું છે. આગામી વિધાન સભામાં પાટીદાર પ્રભુત્વ અંગે પણ ચર્ચાઓ અને સમીકરણો રજુ થયા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું  છે.

સતાવાર રીતે સમાજ ઉત્થાન અને ખોડલધામના પાંચ વર્ષ પૂર્ણ થતા ભવ્ય ઉજવણી કરવાના આયોજનને લઈને ચર્ચાઓ થઇ હોવાની વિગતોને સમર્થન મળ્યું છે. પરંતુ રૂપાણી સરકારના પતન પૂર્વે ખોડલ ધામમાં પટેલ સમાજની થયેલ  મીટીંગ બાદ ગુજરાતની રાજનીતિના સમીકરણો બદલાયા  હોવાનું સાબિત થઇ ચુક્યું છે ત્યારે નરેશ પટેલની  જામનગરની મુલાકાતે પણ અનેક સવાલો છોડ્યા છે. જે હાલ ચર્ચાનો  વિષય બન્યા છે.

૭૯ વિધાનસભા બેઠક પર પાટીદાર ઉમેદવાર જાળવી રાખશે પાટીદાર ?

છેલ્લી સાત વિધાનસભાની વાત કરવામાં આવે તો જામનગર ૭૯ વિધાનસભા બેઠક ભાજપને કમિટેડ રહી છે. એની છણાવટ વિજેતા ઉમેદવારો પરથી થાય છે કેમ કે અહી ત્રણ વખત બ્રામણ ઉમેદવાર ( વશુબેન ત્રિવેદી) બે વખત સિંધી ઉમેદવાર ( પરમાનંદ ખટ્ટર) એક વખત મહાજન (વસંત સંઘવી) અને છેલ્લે પાટીદાર ઉમેદવાર આરસી ફળદુએ જીત પ્રાપ્ત કરી છે. પહેલા આ બેઠક પર કોઈ જ્ઞાતિનું વર્ચસ્વ ન રહેતા માત્ર ભાજપના સિમ્બોલને જ પ્રાધાન્ય હતું એમ પરિણામો પરથી  સાબિત થાય છે.

ત્યારે ગત ટર્મથી આ સમીકરણોમાં ફેરફાર થયો છે કારણ કે આ બેઠક પર હવે પટેલ સમાજના મતદારોનું પ્રભુત્વ થઇ ગયું છે. ત્યારે આરસી ફળદુની ઉપેક્ષાને લઈને એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે આગામી વિધાનસભામાં ફળદુ રીપીટ નહિ થાય. જો આ સમીકરણ સાચું પડે તો આ બેઠક પર પાટીદાર ઉમેદવારની પ્રબળ ઉમેદવારી થી માંડી જીત સુધીના ગણિત પણ નરેશ પટેલની મીટીંગમાં સ્થાનિક અગ્રણીઓએ ચર્ચાઓ કરી હોવાની બિનસતાવાર વિગતો સામે આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here