મગફળી : જામનગર યાર્ડમાં આજે બોલાયો1480 રૂપિયા ભાવ, આવતીકાલે 1500 રૂપિયા ?

0
821

જામનગર અપડેટ્સ :આ વર્ષે સારા વરસાદ વચ્ચે સમગ્ર સૌરાષ્ટ્રમાં મગફળીનું મબલખ ઉત્પાદન થયું છે. જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. આ માહોલમાં ત્યારે ચાર ચાંદ લાગી ગયા જ્યારે ખુલ્લા બજારમાં મગફળીના ભાવ ઊંચા બોલાયા, વાત જામનગરની કરવામાં આવે તો અહીં ટેકાના ભાવની સરખામણીએ ખુલ્લા બજારની હરાજીમાં આઠસો થી પોણા પંદરસો રૂપિયા ભાવ બોલતા હોવાથી ખેડૂતોનો પ્રવાહ ખુલ્લા બજાર તરફ વળ્યો છે. હાલ છેલ્લા એક સપ્તાહથી જામનગરમાં ખુલ્લા બજારમાં રાજ્યમાં સૌથી વધુ ભાવે મગફળી ખરીદી કરવામાં આવી રહી છે. બીજી તરફ ટેકાના ભાવની મગફળી ખરીદીમાં ખેડૂતોની નિરસતા ઉડીને આંખે વળગે છે.

સચરાચર વરસાદ અને મગફળીને અનુકૂળ વાતાવરણ બરકરાર રહેતા આ વર્ષે મગફળીનું ચિત્ર ફુલગુલાબી બન્યું છે. રેકોર્ડ બ્રેક વાવેતર વચ્ચે મગફળીનું મબલખ ઉત્પાદન થયું છે. મગફળીના હબ ગણાતા જૂનાગઢ, અમરેલી અને જામનગર-દ્વારકા સહિતના જિલ્લાઓમાં હાલ યાર્ડ માગફળીથી છલકાઈ રહ્યા છે. મબલખ ઉત્પાદન બાદ ખુલ્લા બજારમાં ભાવ પણ સારા રહેતા ખેડૂતો હાલ ઓપન બજાર તરફ વળ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં જામનગર યાર્ડ ખાતે રેકોર્ડ બ્રેક આવક થતા તંત્રએ આવક બંધ કરવા મજબૂર થવું પડ્યું છે. વાત જામનગરની કરવામાં આવે તો અહીં છેલ્લા એક સપ્તાહમાં રૂપિયા 800 થી 1200 વચ્ચે શરૂ થયેલ ખરીદ પ્રક્રિયામાં દિવસેને દિવસે ભાવમાં ઉછાળો આવી રહ્યો છે.છેલ્લા એક સપ્તાહથી જામનગર યાર્ડમાં મગફળીના ભાવ રાજ્યભરમાં સૌથી વધુ રહ્યા છે. આજે તો મગફળીએ નવો કિર્તમાન કર્યો છે.આજે ખુલ્લા બજારમાં ઊંચમાં ઊંચો રૂપિયા 1480 ભાવ બોલાયો છે.જ્યારે નીચેનો ભાવ 850 ઉપર રહ્યો છે. જે રીતે ભાવમાં ઉછાળો આવી રહ્યો છે તે રીતે આવતી કાલે જામનગરમાં 1500 ભાવ બોલાય તો નવાઈ નહીં

રાજ્યમાં મગફળીનું મબલખ ઉત્પાદન થયા બાદ સરકાર દ્વારા ટેકાના ભાવની યોજના લાગુ કરવામાં આવી છે. આ વર્ષે પ્રતિ મણ રૂપિયા 1055 ભાવ નક્કી થયો છે. ટેકાના ભાવની ખરીદી પૂર્વે જામનગર જિલ્લામાં 52 હજાર ઉપરાંત ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ટેકાના ભાવની ખરીદ પ્રક્રિયા શરૂ થાય તે પૂર્વે જ ઓપન બજારમાં ખરીદી શરૂ થઈ ગઈ હતી. ખુલ્લા બજારની ખરીદ પ્રક્રિયા રૂપિયા 800થી શરૂ થઈ છે અને દરરોજ ઊંચા ભાવ બોલાઈ રહ્યા છે. આજે પણ જામનગર યાર્ડમાં રાજ્યનો સૌથી વધુ ભાવ બોલાયો છે. જેને લઈને ખેડૂતોનો પ્રવાહ ખુલ્લા બજાર તરફ વળ્યો છે. આજે સરકાર દ્વારા એક હજાર ખેડૂતોને બોલાવાયા હતા જેમાં માત્ર 35 ખેડૂતોએ ટેકાના ભાવમાં મગફળી વેચી હતી. જ્યારે ખુલ્લા બજારમાં ટેકાના ભાવની સરખામણીએ ઊંચા ભાવ અને તુરંત પેમેન્ટ તેમજ રિજેક્ટ થવાની પણ નોબત ન રહેતા ખેડૂતો ઓપન બજાર તરફ વળ્યા છે.ટેકાના ભાવની ખરીદીમાં ખેડૂતોને ભેજનો મુદ્દો પણ સતાવી રહ્યો છે. જેને કારણે ખુલ્લા બજારની હરાજી તરફ વળ્યા છીએ એવો પ્રતિભાવ પસાયા ગામના ખેડૂત રમેશભાઈ અને ભંડારીયા ગામના ગોવિંદભાઇ કનારાએ આપ્યો છે. મબલખ ઉત્પાદન બાદ સારો ભાવ આવતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ ટેકાના ભાવની ખરીદીમાં નિરસતા જીવ મળી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here