લઢયુ વાળ્યું: જામનગરના પૂર્વ સરકારી બાબુએ જમીન માપણી માટે ટેબલ નીચેથી લીધા એક લાખ રૂપિયા

0
3051

જામનગર: જામનગર ડીઆઈએલઆર કચેરીમાં અગાઉ ફરજ બજાવી ગયેલ વિવાદિત સરકારી બાબુ બોટાદ માં એસીબીમાં સપડાઈ ગયા છે. ૧૦ હેક્ટર જમીન માપણીના બે લાખ રૂપિયા માંગી આ સરકારી બાબુ પ્રથમ હપ્તો એવો એક લાખ રૂપિયા રોકડા લેતા રંગે હાથ પકડાઈ ગયા છે. જામનગરમાં નોકરી દરમીયાન આ અધિકારી અનેક વિવાદમાં સદ્પાયા હતા. રૂપિયા છાપવાની હોડ અને તોછડું વર્તન અને કામમાં મનમાની સહિતની ફરિયાદો ઉઠવા પામી હતી. જેને લઈને જ તેઓની બદલી અન્ય સ્થળે થઇ હતી.

એસીબીની ટ્રેપ છે બોટાદ જીલ્લાની, અહી સેવા સદનમાં આવેલ જીલ્લા નિરીક્ષક જમીન દફતર કચેરી (ડીઆઈએલઆર કચેરી)માં ફરજ બજાવતા જીલ્લા નિરીક્ષક સંજયભાઈ સવદાસભાઈ રાવલીયાએ જમીન રી-સર્વે માટે આવેલ અનેક અરજીઓ પૈકી એક અરજી હાથમાં લીધી હતી. જેમાં અરજદારની ૧૦ હેક્ટર જમીન ફરી માપણી કરવાની કામગીરી કરવાની હતી. સરકારી ધોરણ મુજબ નિયત કરેલ સામાન્ય ફી ભરી આ માપણી કરાવી શકાય છે. પરંતુ સંજયભાઈએ અરજદાર સાથે સીધી મીટીંગ કરી રિસર્વે માપણી માટે એક હેક્ટરના ૪૦ હજાર રૂપિયાની એટલે કે ચાર લાખ રૂપિયાનો મત રાખ્યો હતો. પરંતુ અરજદાર સાથે થોડી રકજક બાદ મામલો બે લાખ પર આવ્યો હતો. એટલે કે એક હેક્ટરના ૨૦ હજાર ભાવ નક્કી કરાયો હતો. પરંતુ અરજદાર લાંચ આપવા માંગતા ના હોવાથી તેઓએ એસીબીનો સંપર્ક કર્યો હતો. જેમાં ગઈ કાલે જમીન દફતર કચેરીમાં સરકારી બાબુની ઓફીસમાં જ ટ્રેપ ગોઠવી હતી. અરજદાર પાસેથી આ સરકારી બાબુએ નાણા સ્વીકારતા જ એસીબીની ટીમ ચેમ્બરમાં પહોચી હતી અને અધિકારીને પકડી પાડ્યા હતા. બોટાદ એસીબી દ્વારા આરોપી અધિકારીની ધરપકડ કરી લેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે લાંચ લેતા રંગે હાથ પકડાયેલ અધિકારી જયારે જામનગરમાં ફરજ બજાવતા હતા ત્યારે જ અમુક સુજ્ઞ જનતાએ અધિકારીનું ભવિષ્ય ભાખી દીધું હતું કે આ માણસ નજીકમાં જ એસીબીના હાથે પકડાઈ જશે. તોછડું વર્તન, ઓફિસમાં મનમાની તેમજ હોદ્દાનું અભિમાન આ સરકારી બાબુની પડતીનું કારણ બન્યા છે એમ જામનગરમાં આ અધિકારીની મનમાનીનો ભોગ બનેલ જનતાનું કહેવું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here